ગાંધી આશ્રમ સામેની સોસાયટીમાં પુણ્યાનુમોદન, શાંતિ વંદના કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં બૌદ્ધ ધર્મના રીતિરિવાજોનું ચલણ વધતું જઈ રહ્યું છે. હાલમાં જ અમદાવાદના ગાંધી આશ્રમ સામેની એક સોસાયટીમાં પહેલીવાર પુણ્યાનુમોદન અને શાંતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતમાં બહુજન સમાજમાં ધીમી પણ મક્કમ ગતિએ બૌદ્ધ રીતિરિવાજોનું ચલણ વધતું જઈ રહ્યું છે. એકબાજુ યુવા પેઢીમાં બૌદ્ધ રીતિરિવાજ પ્રમાણે લગ્ન કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મૃત્યુ પછીની વિધિઓમાં પણ બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ વધતું જઈ રહ્યું છે. અગાઉ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના શેખપર ગામે પહેલીવાર મૃતકની વાર્ષિક પુણ્યતિથિએ શાંતિવંદના કાર્યક્રમ યોજાયો હતો, તો હવે અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમ સામેની એક સોસાયટીમાં પહેલીવાર મૃતકની સ્મૃતિમાં પુણ્યાનુમોદન અને શાંતિવંદના કાર્યક્રમ યોજાયા હતા.
અમદાવાદના ગાંધી આશ્રમની સામે આવેલી એકતા સોસાયટીમાં તારીખ 30/03/2024ની સાંજે દિવંગત પેથાભાઈ છગનભાઈ ચૌહાણનાં સ્મરણાર્થે તેમના પુત્ર જયંતિભાઈ ચૌહાણ અને પત્ની મંજુલાબહેન દ્વારા પુણ્યાનુમોદન અને શાંતિવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200થી વધુ લોકોએ હાજરી આપી હતી. કુદરતી વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ મારુ અને જતીનભાઈ મર્ચન્ટે કર્યું હતું. કાર્યક્રમને પોતાની પ્રગતિશીલ કામગીરી માટે જાણીતી ગાંધીનગરની A3 ક્લબ દ્વારા સહકાર પુરો પાડવામાં આવ્યો હતો. A3 ક્લબ પરિવાર તરફથી જતીનભાઈ, નિલેશ ભાઈ આદરેજા, દિનેશ ભાઈ બૌદ્ધ, પ્રવીણ ભાઈ અને સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મૈત્રીવર્ષા બુદ્ધ વિહાર સરખેજ તરફથી આયુ અભયપુત્ર બુદ્ધ, મધુમતી બૌદ્ધ, મહેશ ભાઈ શ્રેષ્ઠી અને વિશ્વરત્ન સંગઠન ચાંદખેડાની ટીમ તરફથી આયુ ડી ડી બેન્કર, આયુ લતાબેન બેન્કર, આયુ. જસરાજ આનંદ અને સાથીઓએ હાજરી આપી હતી.
આ ઉપરાંત આયુ. એન જે પરમાર(નિવૃત્ત ઓએનજીસી અધિકારી), એમ ડી ચૌહાણ સાહેબ સિવાય ઘણાં બધાં કર્મશીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાબાસાહેબ અને ગૌતમ બુદ્ધ સાથે જયંતિભાઈના માતાપિતાની તસવીરોને અંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સંગઠનના હોદ્દેદારો દ્વારા સામાજિક જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડે કાર્યક્રમના આયોજક પરિવારને 4 પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન અને બહુજન સમાજના મહાનુભાવોના પ્રગતિશીલ વિચારોની તરફેણ કરીને એ દિશામાં આગળ વધવા સૌ કોઈને આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમને લઈને પી.એલ. રાઠોડે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાક સમયથી બહુજન સમાજમાં ધીમી પણ મક્કમ ગતિએ બૌદ્ધ ધર્મ તરફનો ઝુકાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક સમયે તે માત્ર સિનિયર સિટિજનો પુરતો મર્યાદિત હતો, એ પણ અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં, પણ હવે તો યુવાનો પણ બુદ્ધના પરિપક્વ વિચારોને સમજતા થયા છે અને ન માત્ર તેને સમજે છે પરંતુ તેનું આચરણ પણ કરી રહ્યાં છે. આ બહુ મોટી વાત છે. બહુજન સમાજમાં દિવસે ને દિવસે તર્કવાદી લોકોનું પ્રમાણ વધતું જાય છે. ભૂવા-ભારાડી, મંત્રતંત્ર, દોરાંધાગા, મંદિરોમાં જવું, પૂજાહવન કરવા, માનતા, બાધા આખડી જેવા દંભો છૂટતા જઈ રહ્યાં છે. આવતા એક દાયકામાં ગુજરાતમાં એક આખી એવી પેઢી તૈયાર થઈ જશે જે હિંદુ ધર્મના ઢોંગ-ધતિંગ પર જરાય વિશ્વાસ નહીં કરે, મંદિરોમાં નહીં જતી હોય અને બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો હશે. હાલ અમદાવાદમાં યોજાયેલો આ કાર્યક્રમ હજુ શરૂઆત છે, ભવિષ્યમાં આવા કાર્યક્રમો જ્યાં પણ બહુજનોની વસ્તી હશે ત્યાં બધે જ થતા હશે. મૃત્યુ પછીના મનુવાદી કર્મકાંડો અને બ્રાહ્મણવાદી રીતિરિવાજોનું સદંતર નામું નંખાઈ જવાનું છે. કેમ કે, લોકો આ ધતિંગને બરાબરના સમજી ચૂક્યાં છે અને તેને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે.”
આગળ વાંચોઃ થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Ravi Parmar7777920801
-
Dr IshvarNamo Buddhay.... , Jay Bhini.... આપની ખબર અંતર ચેનલ ખૂબ પ્રગતિ કરે અને બહુજન સમાચારો નો પ્રસાર કરતા રહો એબી શુભેચ્છાઓ