સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન

બહુમતીવાદી અને ભાગલાવાદી મુદ્દા-આધારિત રાજકારણ અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના ઉદય સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લોકોએ એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે.

સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન

ફિલ્મ જનસંચારનું એક શક્તિશાળી માધ્યમ છે જે સામાજિક સમજને ઘણી રીતે પ્રભાવિત કરે છે.  દાયકાઓ પહેલા ભારતમાં સામાજિક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી અને પ્રગતિશીલ મૂલ્યોને પ્રોત્સાહન આપતી ફિલ્મો બનાવવામાં આવી હતી. 'મધર ઈન્ડિયા', 'દો બીઘા જમીન' અને 'નયા દૌર' આવી કેટલીક ફિલ્મો હતી. કેટલીક બાયોપિક ફિલ્મોએ વાસ્તવવાદી સામાન્ય સમજને પણ વિસ્તૃત કરી અને સમાવિષ્ટ મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું. રિચર્ડ એટનબરોની 'ગાંધી' અને ભગતસિંહના જીવન પર બનેલી કેટલીક ફિલ્મો ખૂબ જ પ્રેરણાદાયી ગણી શકાય. આ બાયોપિક ફિલ્મો ભારે મહેનત અને સાવધાનીથી કરવામાં આવતા સંશોધન પર આધારિત હતી અને સ્ક્રીન પર જે તે મહાનાયકના વાસ્તવિક ચરિત્રને રજૂ કરતી હતી.

બહુમતીવાદી અને ભાગલાવાદી મુદ્દા-આધારિત રાજકારણ અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના ઉદય સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લોકોએ એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે જે ચોક્કસ ભાગલાવાદી કથાને પ્રોત્સાહન આપે છે અને રાજકારણ અને ઇતિહાસને ચોક્કસ સાંપ્રદાયિક દૃષ્ટિકોણની દ્રષ્ટિએ જોવા પર આધારિત છે. આવી બધી ફિલ્મોમાં સત્યને વિકૃત કરવામાં આવે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં હિંદુ રાષ્ટ્રવાદી હીરોનો મહિમા કરવામાં આવે છે. આમાંની મોટાભાગની ફિલ્મોમાં સત્ય સાથે ચેડાં કરવામાં આવે છે અને અસત્યને સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે. આવી જ એક ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો વડાપ્રધાન મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે ભારે પ્રચાર કર્યો હતો. બીજેપીના ઘણાં નેતાઓએ આ ફિલ્મની જથ્થાબંધ ટિકિટો ખરીદી હતી અને તેમના વિસ્તારના લોકોમાં વહેંચી હતી જેથી તેઓ ફિલ્મ જોઈ શકે. આ ફિલ્મનું પ્રમોશન કરનારાઓએ દાવો કર્યો છે કે આ ફિલ્મે કાશ્મીરની વાસ્તવિક સત્યતા લોકો સામે લાવી છે.

આવી જ અન્ય એક ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'માં ઇસ્લામ ધર્મ અપનાવીને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)માં જોડાનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારી-ચડાવીને દર્શાવવામાં આવી હતી. આવી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તેમાં '72 હુરેં' નો સમાવેશ થાય છે જેમાં આતંકવાદને રાજકારણને બદલે ધર્મ સાથે જોડવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એ હકીકતને દબાવી દેવામાં આવી હતી કે, હિંદુ ધર્મ પણ સ્વર્ગમાં અપ્સરાઓ સાથે મજા કરવાની વાતો કહેવામાં આવી છે. એ જ રીતે અન્ય ધર્મોમાં પણ સ્વર્ગમાં પરીઓની ચર્ચા છે.

'ધ કેરલા સ્ટોરી', 'ધ કાશ્મીર ફાઇલ્સ', 72 હૂરેં જેવી ફિલ્મોનો હેતુ ઇસ્લામોફોબિયા ફેલાવવાનો છે. બીજી તરફ ગોડસે પર 2022માં બનેલી ફિલ્મમાં મહાત્મા ગાંધીના હત્યારાનનો મહિમામંડન કરવામાં આવ્યો હતો. આમાં, સંઘ પરિવારનું જૂનું જુઠ ફરી એક વાર દોહરાવવામાં આવ્યું હતું કે ગાંધીજીએ ભગતસિંહને ફાંસીથી બચાવ્યા ન હતા અને તેમની શહાદતના શોકના કૉંગ્રેસના એક પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અને હવે આવ્યું છે રણદીપ હુડ્ડાનું 'સ્વાતંત્ર્યવીર સાવરકર'. જુઠ્ઠાણાનો પ્રચાર કરવામાં તે નવી ઊંચાઈએ પહોંચે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ભગતસિંહ ગયા અને સાવરકરને મળ્યા અને તેમની ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ સાવરકરના પુસ્તક 'First War of Independence'નો મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવા માગે છે.

સત્ય શું છે? ઘણા ક્રાંતિકારીઓએ આ પુસ્તક વાંચ્યું છે અને તેની પ્રશંસા પણ કરી છે. પરંતુ સમસ્યા એ છે કે આ પુસ્તક 1908 ની આસપાસ મરાઠીમાં પ્રકાશિત થયું હતું અને તેનો અંગ્રેજી અનુવાદ એક વર્ષ પછી પ્રકાશિત થયો હતો. ભગતસિંહનો જન્મ 1907માં થયો હતો અને તેઓ તેમના જીવનમાં ક્યારેય સાવરકરને મળ્યા નહોતા.

ફિલ્મમાં સાવરકરને એવું કહેતા બતાવવામાં આવ્યા છે કે ભારત 1912 સુધીમાં આઝાદી પ્રાપ્ત કરશે - એટલે કે આપણને આઝાદી મળ્યાના લગભગ 35 વર્ષ પહેલાં. સત્ય એ છે કે 1910થી સાવરકર આંદામાનની સેલ્યુલર જેલમાં હતા અને ત્યાંથી તેઓ બ્રિટિશ સરકારને માફી માંગતી અરજીઓ લખી રહ્યા હતા. 1912 સુધીમાં તેમણે આવી ત્રણ અરજીઓ લખી હતી. આ તમામ અરજીઓમાં સરકારનો વિરોધ કરવા બદલ તેમની માફી માંગવામાં આવી હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો તેઓ બ્રિટિશ સરકારને નિષ્ઠાપૂર્વક વફાદાર રહેશે. અને જેલમાંથી મુક્ત થયા પછી સાવરકર અંગ્રેજ સરકારને વફાદાર રહ્યા. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને 1920માં વેગ મળ્યો જ્યારે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ અસહકાર આંદોલનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.

આ પણ વાંચો: ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે

આ ફિલ્મ એ સવાલ પણ ઉઠાવે છે કે શા માટે કોંગ્રેસના કોઈ નેતાને આંદામાન જેલમાં મોકલવામાં આવ્યા નહોતા અને તેમને ભારતની જેલમાં જ કેમ રાખવામાં આવ્યા હતા. પહેલી વાત તો એ છે કે આ તથ્તની સત્યતાની પુષ્ટિ કરવી પડશે. બીજું, 1920 પછી કોંગ્રેસ અને ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો અને તેથી તેમના અનુયાયીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી ન હતી અને માત્ર ભારતની જેલોમાં રાખવામાં આવ્યા હતા. ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને હિંસામાં સામેલ થવા બદલ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ગાંધીજીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ અહિંસાના સિદ્ધાંતને અનુસરતી હોવાથી તેના સભ્યોને આંદામાનમાં ફાંસી કે સજા આપવામાં આવી ન હતી.

આ ફિલ્મ જણાવે છે કે ભારતને આઝાદી અહિંસાથી નહીં પરંતુ હિંસાથી મળી છે. ભારતમાં સક્રિય થયેલા મોટાભાગના ક્રાંતિકારીઓ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના હતા. ભગતસિંહ અને તેમના સાથીઓના મૃત્યુ પછી ભારતમાં કોઈ મોટી ક્રાંતિકારી ચળવળ થઈ ન હતી. સાવરકરે સરકારની માફી માંગી તે પછી સાવરકરના અભિનવ ભારત સંગઠને અંગ્રેજ સરકારનો વિરોધ કરવાનું બંધ કરી દીધું હતું. આઝાદ હિંદ ફોજની રચના કરનાર સુભાષ ચંદ્ર બોઝની 1945માં હત્યા કરવામાં આવી હતી અને આઝાદ હિંદ ફોજના અધિકારીઓ અને સૈનિકોને લાલ કિલ્લામાં કેદ રાખવામાં આવ્યા હતા. જવાહરલાલ નેહરુની પહેલ પર કોંગ્રેસે આ યુદ્ધ કેદીઓને કોર્ટમાં બચાવવા માટે એક સમિતિની રચના કરી હતી. 

ફિલ્મ એ પણ જણાવે છે કે સાવરકરે જ બોઝને આઝાદ હિંદ ફોજની રચના કરીને અંગ્રેજો સામે લડવાની સલાહ આપી હતી! આ તથ્યોની તદ્દન વિરુદ્ધ છે. કોંગ્રેસ છોડ્યા પછી જ બોઝે નક્કી કર્યું હતું કે તેઓ જર્મની અને જાપાનની મદદથી બ્રિટિશ સરકાર સામે યુદ્ધ કરશે. જે સમયે બોઝ બ્રિટિશ સરકાર સામે લડી રહ્યા હતા તે સમયે સાવરકર હિંદુ મહાસભાને બ્રિટિશ આર્મીમાં વધુમાં વધુ હિંદુઓની ભરતી કરવા વિનંતી કરી રહ્યા હતા જેથી બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની શક્તિ વધી શકે.

હિંદુ મહાસભાના કલકત્તા સત્રને સંબોધિત કરતી વખતે સાવરકરે તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓને અપીલ કરી હતી કે ભારતીય યુવાનોને બ્રિટિશ આર્મીમાં ભરતી કરવા માટે દરેક રીતે પ્રયત્નો કરે. બીજા વર્ષે 1940માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. તે જ વર્ષે ડિસેમ્બરમાં હિંદુ મહાસભાના અધિવેશનને સંબોધિત કરતી વખતે સાવરકરે હિંદુ યુવાનોને બ્રિટિશ આર્મીની વિવિધ શાખાઓમાં મોટા પાયે પ્રવેશ લેવાનું આહ્વાન કર્યું.

સાવરકર વિશે લખતા સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે, "એવું લાગે છે કે સાવરકર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિથી અજાણ છે અને માત્ર એટલું જ વિચારી રહ્યા છે કે હિંદુઓ બ્રિટિશ આર્મીમાં જોડાઈને લશ્કરી તાલીમ મેળવી શકશે." સુભાષ ચંદ્ર બોઝનું તારણ હતું કે " મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા પાસેથી કોઈપણ પ્રકારની  અપેક્ષા રાખી શકાય નહીં."

આઝાદ હિંદ રેડિયો દ્વારા ભારતીયોને સંબોધતા સુભાષ ચંદ્ર બોઝે કહ્યું હતું કે, "હું શ્રીમાન જિન્ના, શ્રી સાવરકર અને એવા તમામ લોકો, જેઓ હવે બ્રિટિશ સરકાર સાથે સમાધાનની વાત કરી રહ્યા છે, તેમને વિનંતી કરવા માંગુ છું કે તેઓ એ સમજી લે કે આવાનારી દુનિયામાં બ્રિટિશ સામ્રાજ્ય નહીં હોય."

જ્યાં સુધી ફિલ્મમાં સાવરકર અને સુભાષ બોઝને સાથી તરીકે રજૂ કરવાનો પ્રશ્ન છે. નેતાજીના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ રણદીપ હુડ્ડાને કહ્યું હતું કે, "કૃપા કરીને નેતાજીને સાવરકર સાથે ન જોડો. નેતાજી સર્વસમાવેશક અને બિનસાંપ્રદાયિક નેતા હતા. તેઓ દેશભક્તોના દેશભક્ત હતા.”

આ ફિલ્મ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણને મજબૂત કરવા માટે સત્યને વિકૃત કરવાનો વધુ એક પ્રયાસ છે.)

અમરીશ હરદેણિયા (લેખક આઈઆઈટી બોમ્બેમાં ભણાવતા હતા અને વર્ષ 2007માં કોમ્યુનલ હાર્મની ઍવોર્ડથી સન્માનિત છે.)

આ પણ વાંચો: દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • પ્રણય વડગામા
    પ્રણય વડગામા
    બાયોપિક ફિલ્મોમાં જબ્બાર પટેલ દિગ્દર્શિત "ડૉ. બાબાસાહેબ આંબેડકર" ફિલ્મને કેમ ભૂલી ગયા, મિત્ર. એ ફિલ્મ પણ ઉત્કૃષ્ટ કક્ષાની હોવાની સાથે તેમાં ઐતિહાસિક તથ્યોને સુંદર રીતે વણી લેવામાં આવ્યાં છે. અભિનેતા મમુટીજીએ બાબાસાહેબના પાત્રને બખૂબી નિભાવી જાણ્યું છે.
    3 months ago