6th December Special: નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણમાં ફરક છે

નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણ- સામાન્ય રીતે સમાન લાગતા આ શબ્દોમાં મૂળભૂત અંતર છે અને એમના બૌદ્ધ અર્થોમાં પણ અંતર છે.

6th December Special: નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણમાં ફરક છે
Photo: Paresh Bauddh

નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણ- સામાન્ય રીતે સમાન લાગતા આ શબ્દોમાં મૂળભૂત અંતર છે અને એમના બૌદ્ધ અર્થોમાં પણ અંતર છે.

નિર્વાણનો બૌદ્ધ અર્થ એટલે મૃત્યુ નહીં પરંતુ જીવતેજીવ જ પ્રાપ્ત થતી અવસ્થા, જેમાં કાયા, વાચા અને મનના કર્મોના પ્રભાવનો નાશ કરી નવા કર્મસંસ્કાર નિર્માણ ન કરી, ફરીથી જન્મ ગ્રહણ કરવાના કારણને સમાપ્ત કરી કાર્યને સમાપ્ત કરી દેવું.

નિર્વાણ આ જીવનમાં જ જીવિત અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે. એક વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરે ત્યારે એને સમ્યક સંબુદ્ધ (બુદ્ધ) કહેવાય છે, જ્યારે બીજો વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરે એને અરહત કહેવાય છે. 

અહીં બન્ને વ્યક્તિએ જે અવસ્થા(નિર્વાણ) પ્રાપ્ત કરી છે એ બન્નેમાં એકદમ સમાન છે, પરંતુ પહેલા વ્યક્તિને એ અવસ્થાએ પહોંચતા સમ્યક સંબુદ્ધ એટલા માટે કહેવાય છે કે એણે જે અવસ્થા(નિર્વાણ) પ્રાપ્ત કરી છે એનો માર્ગ એણે જાતે જ શોધેલો છે. જ્યારે બીજા વ્યક્તિ જેને અરહત કહેવાય છે એણે સમ્યક સંબુદ્ધે શોધેલા માર્ગનું અનુસરણ કરીને (ઉપદેશ સાંભળીને અને તે મુજબ અનુસરણ કરીને) આ અવસ્થા પ્રાપ્ત કરી છે એટલે એ અરહત કહેવાય છે, (બુદ્ધ) નહીં.

પરિનિર્વાણનો બૌદ્ધ અર્થ છે નિર્વાણ પ્રાપ્ત અરહતોના શરીરનો નાશ. જેને લીધે એમના શારીરિક દુઃખોનો પણ નાશ પામે છે. અહીં એ પણ યાદ રાખવું કે માત્ર નિર્વાણ પ્રાપ્ત ભિક્ષુ/ભિક્ષુણીના મૃત્યુને જ પરિનિર્વાણ કહેવામાં આવે છે. અન્ય ભિક્ષુ/ભિક્ષુણીને નહીં.

મહાપરિનિર્વાણનો બૌદ્ધ અર્થ એટલે ભગવાન સમ્યક સંબુદ્ધનું મૃત્યુ. જેના કારણે એમના પણ શારીરિક દુઃખોનો નાશ પામે છે. બૌદ્ધ ધર્મમાં સમ્યક સંબુદ્ધનું સ્થાન સૌથી ઊંચું છે માટે એમન નિર્વાણ પ્રાપ્ત કરવાની અવસ્થામાં એમને સમ્યક સંબુદ્ધ અને શરીરાંતને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે.

અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે મહાપરિનિર્વાણ’  માત્રને માત્ર ભગવાન સમ્યક સંબુદ્ધ(બુદ્ધ)ના મૃત્યુને જ કહેવામાં આવે છે, અન્યોને નહીં. અરહત ભિક્ષુ/ભિક્ષુણી કે બોધિસત્વોના મૃત્યુને પણ નહીં.

બાબાસાહેબ જેવા મહાન બૌદ્ધ વિદ્વાને આ શબ્દોના અર્થને પોતાના અંગ્રેજી ગ્રંથ નંબર ૧૬(પાલિ-મરાઠી-અંગ્રેજી-હિન્દી-ગુજરાતી શબ્દકોશ)માં સારી રીતે આપ્યા છે.

ઘણીવાર આપણે ભાવના અને લાગણીમાં વહી બૌદ્ધ શબ્દોનો અર્થ જાણ્યા વિના તેનો ગમે ત્યાં અને ગમે તે રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેના કારણે બૌદ્ધ સંસ્કૃતિ પુનર્જીવિત થવાને બદલે વધુ દૂષિત થતી જાય છે.

બાબાસાહેબ જેવા બોધિસત્વ(જેમના હ્રદયમાં કરોડો પીડિત, શોષિત, વંચિતને દુઃખમુક્ત કરવા માટેની કરુણા હતી) માટે મહાપરિનિર્વાણ શબ્દને સ્થાને મહાપ્રયાણ શબ્દ વધુ યોગ્ય છે. બાબાસાહેબ પોતે બુદ્ધ નથી પરંતુ એમણે બુદ્ધને આદર્શ માની નમન કર્યું હતું અને એમનું અનુસરણ કર્યું હતું. બાબાસાહેબનું પોતાનું લખાણ જ આ શબ્દની મહત્તા વિશે ઘણું બધું કહી જાય છે.

બૌદ્ધ ધર્મને લઈને બાબાસાહેબ આપણા માટે ઘણું સાહિત્ય નિર્માણ કરી ગયા છે. (એમને તો એવી પણ આશા હતી કે ભવિષ્યમાં ગુજરાતીઓ પણ પાલિ ભાષાનો અભ્યાસ કરશે, માટે એમણે એમના શબ્દકોશમાં બીજી ત્રણ ભાષાઓની સાથે ગુજરાતી ભાષાને પણ સામેલ કરી) હવે જરૂરત છે માત્ર એ સાહિત્યના અધ્યયનની.

નોંધ:- મહાપરિનિર્વાણ શબ્દના અર્થ માટે બાબાસાહેબ દ્વારા લિખિત અંગ્રેજી Volume No 16ના પાના નં 196નો ફોટો પણ અહીં સામેલ કર્યો છે.

- પરેશ બૌદ્ધ (લેખક બૌદ્ધ ધર્મના તલસ્પર્શી અભ્યાસુ છે)

આગળ વાંચોઃ RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.