એકસાથે 40 દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું

ગુજરાતી દલિત સાહિત્ય જગતમાં પહેલીવાર એકસાથે 40 ધુરંધર દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું છે. શું છે આ પુસ્તકની ખાસિયત, વાંચો આ રિપોર્ટમાં.

એકસાથે 40 દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું
image credit - મુળજીભાઈ ખુમાણ, નવભારત સાહિત્ય મંદિર

મહારાષ્ટ્રના વિદ્વાન લેખક અને પત્રકાર, જેમની ગણના ગોલ્ડનપેન રાઈટર તરીકે થાય છે તેવા પદ્મભૂષણ ડૉ. ધનંજય કીરે લખેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રમાણભૂત અને વળી પાછું બાબાસાહેબની હાજરીમાં લખેલ જીવનચરિત્ર "ડૉ. આંબેડકરઃ જીવન અને કાર્ય" નો અનુવાદ મિત્રો સાથે મળી ગુજરાતી દલિત સાહિત્ય, આંબેડકરી અને બૌદ્ધ સાહિત્યમાં સૌપ્રથમ પ્રગટ કરનાર પત્રકાર મૂળજીભાઈ ખુમાણ ગુજરાતી દલિત સાહિત્યના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે 40 કરતા વધુ દલિત સાહિત્ય સર્જકોની કેફિયત લઈને આવ્યા છે. આ એક ઐતિહાસિક ઘટના છે કે એકી સાથે 40 દલિત સર્જકોની સર્જન પ્રક્રિયાને સમજવાનો લહાવો મળશે.

મૂળજીભાઈ ખુમાણ હવે દલિત સાહિત્યના વૈચારિક પરિવર્તનની ધાર કાઢનાર પુસ્તક "ગુજરાતી દલિત સર્જકોની કેફિયત" લઈને આવ્યા છે, જેનું પ્રકાશન ગુજરાતની પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ તરફથી કરવામા આવ્યું છે.

આ પણ વાંચોઃ સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક 'ભારતીય સંસ્કૃતિનું સત્ય' પ્રકાશિત થયું

ગુજરાતી દલિત સર્જકોની કેફિયત
ગુજરાતી દલિત સાહિત્યની જનની મરાઠી દલિત સાહિત્ય રહ્યું છે. મરાઠી દલિત સર્જકોએ મરાઠી સાહિત્યજગતમાં પોતાનું વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાહિત્યકારો કેવી રીતે લખતા થયા? એ વાત દલિત સર્જકો સમજી શકે તે માટે મૂળજીભાઈએ પોતાના "દિશા" પાક્ષિકમાં "મરાઠી દલિત સર્જકોની કેફિયત" નામની કોલમ લગભગ બે વર્ષ ચલાવી હતી. એ પછી નવભારત સાહિત્ય મંદિરે એનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું  જે દલિત સાહિત્યની રેફરન્સ બુક થઈ શકે એમ છે. 

આ લેખ શ્રેણીથી પ્રભાવિત થઈ હવે તેમણે આ જ પ્રકારનો પ્રયોગ દલિત સાહિત્યમાં કર્યો છે. આ માટે તેમણે દલિત સાહિત્ય જગતના ધુરંધરોને "તેઓ શા માટે લખે છે અથવા શા માટે લખવા પ્રેરાયા" તેની એક પ્રશ્નોત્તરી તૈયાર કરીને મોકલી હતી. જેના આધારે દલિત સાહિત્ય જગતના 40થી વધુ સાહિત્યકારોએ પોતાના સમાજના દુઃખ,પીડા વ્યક્ત કરવા લેખની ઉપાડ્યાનું વિષદ રીતે જણાવ્યું હતું.

આ રીતે ગુજરાતી ભાષામાં લખતા 43 જેટલા દલિત સર્જકોની સૌ પ્રથમવાર એકી સાથે કેફિયતો લખાઈ અને આજે ગ્રંથસ્થ થઈને હવે પુસ્તકાકારે પ્રકાશિત થઈ છે. આ એક ઐતિહાસિક દસ્તાવેજ સમું પ્રકાશન પ્રગટ થઈ રહ્યું છે જે ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નરૂપ બની રહેશે. આ પુસ્તકમાં જે ધુરંધર દલિત સાહિત્યકારોની કેફિયત રજૂ થયેલી છે તેમાં સર્વશ્રી પ્રવીણ ગઢવી, ભી.ન. વણકર, સાહિલ પરમાર, હરિશ મંગલમ, ડૉ. મોહન પરમાર, રમણ વાઘેલા, નટુભાઈ પરમાર, ડૉ. રતિલાલ રોહિત, દિવંગત શંકર પેન્ટર, નિલેશ કાથડ, એ. કે. ડોડિયા, નટુભાઈ પરમાર, શામત પરમાર, અરવિંદ વેગડા, ગોવિંદભાઈ ચૌહાણ, પ્રો. મંગળ રાઠોડ, ડૉ.નરસિંહ ઉજંબા, ડૉ.ભીખુભાઈ વેગડા, મહેબૂબ એ. સૈયદ, ધરમસિંહ પરમાર, એન. વી. ચાવડા, શ્રીપાલ એમ. વર્ધન, પી. કે. વાલેરા, ડૉ. પી. એ. પરમાર, ડૉ. પુષ્પાબેન વાઢેળ, ડૉ. મહેશ દાફડા, પૂનમચંદ પરમાર, ડૉ. ભાણજી સોમૈયા, દાન વાઘેલા, ભરત વાળા, મુકેશ બોરીચા, વારિજ લુહાર, બી.કેશરશિવમ, નરેન્દ્ર પરમાર અને કાંતિલાલ મકવાણાનો સમાવેશ થાય છે. આ એક ઐતિહાસિક ઘટના છે અને ટૂંક સમયમાં આ પુસ્તક આપણી વચ્ચે મળતું થઈ જશે. પુસ્તક ખરીદવા માટે આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર જઈ શકો છો, અથવા વધુ જાણકારી માટે શ્રી મૂળજીભાઈ ખુમાણનો સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચોઃ વડોદરાના ઓટોરિક્ષા ચાલકોએ બહુજન વિચારધારાના વાહકો બનીને રંગ રાખ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Babubhai Bipinbhai Makwan
    Babubhai Bipinbhai Makwan
    જય ભીમ નમો બુદ્ધય
    5 months ago
  • Babubhai Makwana
    Babubhai Makwana
    જય ભીમ નમો બુદ્ધાય
    5 months ago