સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું

સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે. ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ જેવા ચોટદાર ટાઈટલ સાથેનું આ પુસ્તક બહુજન સાહિત્યના મૂળને વધુ મજબૂત બનાવશે તેવું તેનો વિષય કહે છે. જાણો એવું તે શું છે આ પુસ્તકમાં.

સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું

બહુજન સાહિત્યમાં સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પ્રવિણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું છે. જાણીતી પ્રકાશન સંસ્થા આર.આર. શેઠ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ ગઈકાલે પ્રવીણ ગઢવીએ ગાંધીનગર ખાતેના પોતાના નિવાસસ્થાને રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહુજન સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં કવિ સાહિલ પરમાર, રમણ વાઘેલા, પ્રવીણ શ્રીમાળી, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. સૌ કોઈએ પ્રવીણ ગઢવીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. 

.આ પુસ્તકના મૂળ તત્વ વિશે વાત કરતા લેખક પ્રવિણ ગઢવી કહે છે કે, “પુસ્તકમાં પ્રાચીન ભારતમાં ચાવાર્કવાદ રેશનાલિઝમ કેટલું અને કેવું હતું તેના પર વિસ્તારથી લખેલા લેખો છે. આ સિવાય પુરાણકાળમાં શૂદ્રો સાથે થયેલા અન્યાય અને અત્યાચાર પરના સંશોધન લેખો છે. ખાસ કરીને રામાયણ અને મહાભારત કાળ દરમિયાન શૂદ્રો પર શું વિત્યું હતું તે લખ્યું છે. એ સમયે હિંસા, અહિંસા, માંસાહાર, મદિરાપાન વગેરે કેવું હતું, તેના વિશે લોકોની માન્યતાઓ કેવી હતી તેની વાત પણ રજૂ કરી છે.

આજના જમાનામાં જે બાબતો વિશે વાત કરવી અશોભનીય ગણાય છે, તે એ જમાનામાં નહોતી. ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ વિશે આપણે ત્યાં એક વાત સતત કહેવાતી આવી છે કે તે બહુ મહાન, ઉદાર, સમતાવાદી છે, પણ વાસ્તવમાં એવું નથી. કેમ કે, બહુમતિ વસ્તી એવા શૂદ્રો સાથે જ કથિત ઉચ્ચ જાતિના લોકોનો વ્યવહાર અસમતાભર્યો હતો અને હજુ પણ છે. જેને રામરાજ્ય કહીને વધાવવામાં આવે છે તે રામે ખુદ એક શૂદ્ર એવા શંબુકનો વધ કરેલો. આવા બીજા પણ અનેક લેખો આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.”

ઉલ્લેખનીય છે કે, પ્રવીણ ગઢવીના અત્યાર સુધીમાં અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ખાસ કરીને દલિત સાહિત્યમાં તેમનું મજબૂત યોગદાન રહ્યું છે. હાલ તેઓ ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યાં છે. તેમને અનેક દલિત સાહિત્યના કાર્યક્રમોનું સંચાલન કરતા આપણે જોયા છે. khabarantar.com ના લૉન્ચિંગ કાર્યક્રમમાં પણ તેમણે ઉપસ્થિત રહીને સ્ટેજ શોભાવ્યું હતું. 

રસ ધરાવતા વાચકો આ પુસ્તક મગાવવા માટે આર.આર. શેઠ પ્રકાશનની વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર કરી શકે છે.

આ પણ વાંચો : બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.