બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત

માન્યવર કાંશીરામના રસ્તે ચાલીને બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરતા સામાજિક કાર્યકરોના સન્માનમાં જાણીતા બહુજન સાહિત્યકાર મોહિન્દ મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા ‘કાંશીરામ કાર્ય ઍવોર્ડ’ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શું છે આ ઍવોર્ડ અને કોને મળશે, વાંચો આ વિસ્તૃત અહેવાલમાં.

બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત
image credit - Mohindar maurya

જાણીતા બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની સમ્યક સમાજની ટીમ દ્વારા બહુજન સમાજ માટે જમીની લેવલે કામ કરતા સામાજિક કાર્યકરોના સન્માનમાં ‘કાંશીરામ કાર્ય ઍવોર્ડ’ની જાહેરાત કરવામાં આવી છે. માન્યવર કાંશીરામે જે રીતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બહુજન સમાજને સત્તામાં લાવવાના સપનાને એકથી વધુ વખત પૂર્ણ કરી બતાવ્યું હતું તે રીતે આજે પણ અનેક લોકો બહુજન સમાજની પ્રગતિ માટે તન-મન-ધનથી કામ કરી રહ્યાં છે. આવા ખરા અર્થમાં જમીની સ્તરે કામ કરતા 40 જેટલા સામાજિક કાર્યકરો, જેમણે સમાજ માટે કંઈક નક્કર કામગીરી કરી હોય, તેમને આ ઍવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. આ માટેની વિગતો મેળવવાનું શરૂ ગયું છે.

આ ઍવોર્ડ વિશે વાત કરતા બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય કહે છે, “અગાઉ આપણે ત્યાં કોઈ વ્યક્તિએ સમાજ માટે કોઈ મોટું કામ કર્યું હોય તો તેના માટે ‘ભગીરથ કાર્ય’ શબ્દપ્રયોગ થતો હતો. મને વિચાર આવ્યો કે ભગીરથ તો કાલ્પનિક પાત્ર છે, તો બહુજન સમાજે શા માટે આ શબ્દપ્રયોગ કરવો જોઈએ? આથી આ દિશામાં મેં વિચારવાનું શરૂ કર્યું અને મને માન્યવર કાંશીરામ સાહેબ યાદ આવ્યા. તેમણે બહુજન સમાજના અંતિલ લક્ષ્ય એવા સત્તામાં ભાગીદારીના સાવ અશક્ય લાગતા સપનાને સાકાર કરી બતાવ્યું હતું. બહુજન સમાજ માટે આનાથી મોટું કોઈ ઉદાહરણ વર્તમાનમાં મને લાગતું નથી. આથી મેં ભગીરથ કાર્યને બદલે બહુજન સમાજ માટે ‘કાંશીરામ કાર્ય’ શબ્દ વાપરવો શરૂ કર્યો. એ પછી મારા જાહેર કાર્યક્રમોમાં હું સમાજ માટે કંઈક મહાન કામ કરી જનાર વ્યક્તિ માટે કાંશીરામ કાર્ય શબ્દ વાપરવા લાગ્યો. એ પછી રાતદિવસ જોયા વિના સમાજ માટે કામ કરતા કાર્યકરોનું પણ સન્માન થવું જોઈએ એમ વિચારતો હતો, તેમાંથી આ ઍવોર્ડનો વિચાર સ્ફૂર્યો. ‘કાંશીરામ કાર્ય ઍવોર્ડ-2024’ આગામી 15મી માર્ચ 2024ના રોજ આપવામાં આવશે. જેમાં 40 વર્ષ વટાવી ચૂકેલા ગુજરાતના બહુજન કાર્યકરો કે જેઓ માન્યવર કાંશીરામ સાહેબે શરૂ કરેલા બહુજન મિશનમાં દરેક મોરચે સમર્પિત થઈને કામ કરી રહ્યાં છે તેમને આ ઍવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. આ સન્માન બહુજન સમાજના એકથી લઈને મહત્તમ 40 કાર્યકરોને આપવાનું આયોજન છે. અમે બહુજન સમાજને અપીલ કરીએ છીએ કે, તમારી આસપાસમાં આવા નિષ્ઠાવાન સામાજિક કાર્યકરો હોય તો તેની માહિતી અમને મોકલી આપે. જેથી આપણે સમાજના આવા લોકોનું જાહેર સન્માન કરી શકીએ.”

કાંશીરામ કાર્ય ઍવોર્ડના અન્ય એક કર્તાહર્તા કનિષ્ક મૌર્ય જણાવે છે કે, “બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરતા અનેક લોકો છે, આ જ લોકો સમાજના અસલી હીરો છે, પણ કમનસીબે આપણે તેમનું યોગ્ય સન્માન કરવામાં ઉણાં ઉતરતા હોવાની ફરિયાદ કાયમ રહે છે. કોઈ માણસ સમાજ માટે કામ કરતો હોય તો તેની કદર થવી જ જોઈએ. જો એ ન થાય તો શક્ય છે એક સામાજિક કાર્યકર તરીકે તેના મનમાં એક નકારાત્મક ભાવ પેદા થાય. સમાજ તેની કામગીરીની કદર ન કરે તો તેનું મોરલ ડાઉન થાય તેવું પણ બને. આવા અનેક ઉદાહરણો મેં જોયા છે, જેમાંથી વિચાર આવ્યો કે સમાજના આ અસલી હીરોનું સન્માન થવું જોઈએ. આથી અમે અમારા તરફથી આ નાનકડો પ્રયાસ કરવા માંગીએ છીએ. જેથી સમાજના આ અસલી હીરોનું ઋણ ચૂકવી શકીએ.”

ઉલ્લેખનીય છે કે, કાંશીરામ કાર્ય ઍવોર્ડ માટે જો તમે તમારી આસપાસની કોઈ વ્યક્તિનું નામ મોકલવા ઈચ્છતા હો તો તા. 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં મોહિન્દર મૌર્ય અને કનિષ્ક મૌર્યને મોકલી આપશો. 28 ફેબ્રુઆરી પછી આવેલી વિગતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે. આ બાબતે વધુ જાણકારી માટે મોહિન્દર મૌર્ય અને કનિષ્ક મૌર્યનો અહીં આપેલા નંબર પર સંપર્ક કરવો. (મોહિન્દર મૌર્ય - 8401552887 , કનિષ્ક મૌર્ય - 9313067199)

આ પણ વાંચોઃ ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.