શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ

સરકારી તંત્રમાં કઈ હદે ભ્રષ્ટાચાર અને બેદરકારી ચાલે છે તેનો આ ઉત્તમ નમૂનો છે. એક શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે, છતાં સરકારી શાળામાં તેમની નોકરી ચાલું છે.

શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ
image credit - khabarantar.com

ગુજરાતમાં સરકારી તંત્રમાં કઈ હદે બેદરકારીઓ ચાલે છે તેના ઉદાહરણો શોધવા જવા પડે તેમ નથી. દરેક ક્ષેત્રમાં નર્યો ભ્રષ્ટાચાર, ખાનગીકરણનો સડો પેસી ગયો છે. સામાન્ય અમથા કામમાં પણ ગરીબ માણસે રૂપિયા દેવા પડે છે. મલાઈ કોન્ટ્રાક્ટરો ખાય છે અને તેની કિંમત આ દેશનો સામાન્ય માણસ પોતાની આવકમાંથી ટેક્સ ચૂકવીને ભરપાઈ કરે છે.

ગુજરાતમાં સરકારે શિક્ષણનું ખાનગીકરણ કરીને તેની ઘોર ખોદી નાખી છે. એક પછી એક સરકારી શાળાઓ બંધ કરવા માંડી છે, જેના કારણે ગરીબો પણ દેવું કરીને નાછુટકે પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવા મજબૂર બન્યાં છે. જે થોડીઘણી સરકારી શાળાઓ બચી છે તેમાં પુરતા શિક્ષકો નથી, સુવિધાઓનો અભાવ છે અને શિક્ષકો બેદરકાર છે. કોઈ લાગવગથી ઘૂસી ગયા છે. આ બધી બદ્દીઓ વચ્ચે મરો તો બિચારા વિદ્યાર્થીઓનો થાય છે. કેમ કે, ભવિષ્ય તો તેમનું બગડી રહ્યું છે. 

એક શિક્ષક થોડા દિવસ રજા પાડે તો ચાલે, પણ અહીં આપણે જે ઘટનાની વાત કરવા જઈ રહ્યાં છીએ ત્યાં તો એક શિક્ષિકા છેલ્લાં આઠ-આઠ વર્ષથી અમેરિકા સ્થાયી થઈ ચૂક્યાં છે અને તેમ છતાં તેમનું નામ સરકારી ચોપડે એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ પર બોલે છે.

ઘટના આદિવાસી બહુમતી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની છે. અહીં પાંછા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છે, તેમ છતાં શાળામાં ફરજ પર બતાવે છે. જેના કારણે અહીં ભણતા અનેક બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, શિક્ષણ વિભાગ આ મામલે બધું જાણતો હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરી રહ્યો નથી.

આ પણ વાંચો: Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર

મળતી વિગતો પ્રમાણે દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવના પટેલ છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યાં છે, તેમ છતાં હજુ પણ તેમની ફરજ આ શાળામાં ચાલુ બોલે છે. શિક્ષિકા ન તો રાજીનામું આપી રહ્યાં છે, ન ફરજ પર હાજર થઈ રહ્યાં છે. જેના કારણે અહીં ભણતા અનેક બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. આટલી ગંભીર બેદરકારી વિશે શાળા દ્વારા શિક્ષણ વિભાગને એકથી વધુ વાર લેખિતમાં જાણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે શિક્ષણ વિભાગની નિષ્ઠા પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.

પાંછા પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય પારૂલ મહેતા કહે છે કે, શિક્ષિકા ભાવના પટેલની આ ગંભીર બેદરકારી મુદ્દે શિક્ષણમંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બાળકોનો અભ્યાસ અને ભવિષ્ય બગડી રહ્યું છે. અમે અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી શિક્ષિકા ભાવના પટેલ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી.

આ પણ વાંચો: એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!

આ મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી વિનુ પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષિકા ભાવના પટેલ છેલ્લાં 8  વર્ષથી વિદેશમાં સ્થાયી થઈ ચૂક્યા છે અને છેલ્લાં 8 મહિનાથી સળંગ ગેરહાજર છે. અમે તેમને નોટિસ આપી છે પણ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

અહીં શિક્ષણ વિભાગની કામગીરીને લઈને અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે. જેમ કે, આટલી મોટી ભૂલ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? છેલ્લા આઠ વર્ષથી શિક્ષિકા વિદેશમાં છે તો બાળકોને કોણ ભણાવી રહ્યું છે? શિક્ષક હાજર નથી તો પગાર કેમ અને ક્યાં જમા થાય છે? આઠ વર્ષ બાદ પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?

શિક્ષણાધિકારી કહે છે કે, શિક્ષિકા 8 મહિનાથી સળંગ ગેરહારજર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજરીને પગાર ચૂકવવામાં આવ્યો નથી, પરંતુ હકીકતે શિક્ષિકા આઠ મહિનાથી નહીં પરંતુ આઠ વર્ષથી ગેરહાજર છે. એવામાં માત્ર આઠ મહિના પહેલા જ તેમને કેમ નોટિસ અપાઈ? આગળના 7 વર્ષ અને ચાર મહિના શિક્ષણ વિભાગ શું કરતો હતો? આખરે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ? 

બાળકોને તેમના માતાપિતા ભણવા માટે મોકલતા હોય છે, પરંતુ અહીં તો શિક્ષિકા વિદેશમાં રહેવાનો પગાર લઈ રહ્યા છે. આખરે બાળકો કોના ભરોસે ભણી રહ્યા હતા? જો અત્યારે વિગતો સામે ના આવી હોત તો હજુ પણ આ છબરડો યથાવત જ રહ્યો હોત. હવે જ્યારે આખો મામલો સામે આવી જ ગયો છે ત્યારે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે?

આ પણ વાંચો: ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.