કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે આદિવાસી યુવકોને ચોરીની આશંકાએ કોન્ટ્રાક્ટરોએ ઢોર માર મારતા મોત થયું હતું. જેના વિરોધમાં આજે કેવડિયા બંધનું એલાન અપાયું છે.
એક બાજુ આજે દુનિયાભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, સરકાર આદિવાસીઓની ગ્રાન્ટ તેમના ઉત્થાનને બદલે સરકારી તાયફાઓ અને પોતાની વાહવાહી પાછળ વાપરી રહી છે, આદિવાસી સમાજની અનામતમાં સવર્ણ જજો દ્વારા સરકારના ઈશારે ભાગલા પાડી આદિવાસીઓને અંદરોઅંદર લડાવી ભાગલા પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ બધાં વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે આદિવાસી યુવકોની ચોરીની આશંકાએ કોન્ટ્રાક્ટરો દ્વારા ઢોર માર મારવામાં આવતા બંનેનું મોત થયું હતું. આદિવાસી સમાજે બંનેને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના ભણી છે ત્યારે આ મામલે આજે કેવડિયામાં આદિવાસી સમાજ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ પડકક્યા હતા અને રાત્રે કપડાં ઉતરાવી, દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હતું.
એક યુવાન જયેશ તડવીનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે બીજા યુવક સંજય તડવીનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બંને યુવાનોને ન્યાય અપાવવાની સાથે સરકારી સહાય આપવાની માંગ કરી હતી.
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં 6 ઓગસ્ટની રાત્રે કેવડિયા ગામના જયેશ શનાભાઈ તડવી અને ગભાણા ગામના સંજય ગજેન્દ્ર તડવી ચોરીની ઈરાદે આવ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોએ તેમને પકડી, હાથ-પગ બાંધી દઈ કેબિનમાં લઈ જઈ પૂછપરછ કરી ઢોર માર માર્યો હતો.
મારને કારણે જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં એને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજય ગજેન્દ્ર તડવીને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો: અંબાજીમાં આદિવાસી સમૂહલગ્નઃ માબાપના લગ્નમાં પુત્ર-પૌત્રની હાજરી
આ મામલે ગરુડેશ્વર પોલીસે આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.
બે આદિવાસી યુવકોના મોત મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલમાં પી.એમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તું-તું મે-મે અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આદિવાસી પરિવારને ન્યાય આપવા એજન્સીના મુખ્ય માલિકો અને મારનારનું નામ આપી મૃતદેહ નહીં સ્વીકારવા કહ્યું હતું. સાથે જ આજે ગરુડેશ્વર અને કેવડિયા બંધનું એલાન પણ કર્યું હતું.
આ ઘટનાને ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ પણ સખ્ત શબ્દોમાં વખોડી છે. સાંસદ મનસુખ વસાવાએ કેવડિયામાં થયેલ હુમલાની ઘટનામાં બંને પરિવારજનોને ન્યાય મળે માટે તંત્રને અપીલ કરી છે.
આ પણ વાંચો: હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા
બે આદિવાસી યુવાનોની હત્યા મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે બંને યુવાનોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. આ ઘટના પર રાજનીતિ કરવાને બદલે બંને યુવાનોને ન્યાય મળે તેવા પ્રયાસ કરવા જોઈએ. તંત્ર જરાય નમતું જોખ્યા વિના આ મામલે કડક કાર્યવાહી કરે. મૃતકોના પરિવારજનોને દરેક પ્રકારની સહાય મળે અને ન્યાય મળે તે દિશામાં પગલાં લેવાવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, બુધવારે મૃતક જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી ૨૦ લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં ૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના ૧૫ લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલી રહી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, પોલીસે મૃતક યુવકોને ચોરમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. કેસને રફેદફે કરવા માટે ચોરીનો આરોપ લગાવાયો છે. માર મારવામાં વપરાયેલા કોઈ જ સાધનો રિકવર નથી કર્યા.
ચૈતર વસાવાએ FIR માં કંપનીનાં માલિક અને નોડલ અધિકારીનું નામ ઉમેરવાની સાથે નિષ્પક્ષ અને જલ્દી તપાસ થાય તેવી માગ કરી છે.
આ પણ વાંચો: ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, આદિવાસી સમાજે કર્યું દબદબાભેર સ્વાગત