ગુજરાત કેડરના 5 IAS અધિકારીઓની વિકલાંગતાની ફેરચકાસણી થશે

પૂજા ખેડેકરના વિવાદિત કિસ્સા બાદ ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના 5 આઇએએસ અધિકારીઓની ફરીથી તબીબી તપાસ કરાવવાનું નક્કી કર્યું છે. વાંચો કોણ છે આ અધિકારીઓ.

ગુજરાત કેડરના 5 IAS અધિકારીઓની વિકલાંગતાની ફેરચકાસણી થશે
image credit - Google images

મહારાષ્ટ્રની તાલીમી સનદી અધિકારી પૂજા ખેડકરના શારીરિક વિકલાંગતાના બોગસ પ્રમાણપત્ર બાદ યુપીએસસી દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. એટલું જ નહીં યુપીએસસી દ્વારા આવા વિકલાંગતાના પ્રમાણપત્રથી દેશના તમામ ખૂણામાં ફરજ બજાવતા સનદી અધિકારીઓની સામે તપાસનાં આદેશો કરાયા છે. જેના અંતર્ગત ગુજરાતમાં પણ ગીર સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકર સહિતના 7 જેટલા સનદી (આઇએએસ) અધિકારી શંકાના પરિઘમાં આવ્યા હતા. જો કે, તેમાંથી બે અધિકારીને ખરેખર વિકલાંગતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના અન્ય 5 સનદી અધિકારીની દિવ્યાંગતાની ચકાસણી માટે ફરીથી તબીબી તપાસ કરાવાશે તેવી વિગતો સામે આવી છે.

દેશની અગ્રિમ ગણાતી એવી સનદી સેવામાં બોગસ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને વિકલાંગ ક્વોટામાં આઈએએસની નોકરી મેળવનાર મહારાષ્ટ્રની પૂજા ખેડકરના વિવાદ બાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) હરકતમાં આવ્યું છે. આ ઘટના બાદ યુપીએસસી દ્વારા દેશમાં કોઈ પણ સ્થળે ફરજ બજાવતા તમામ વિકલાંગ સનદી (આઈએએસ) અધિકારીઓની ફરીથી તબીબી તપાસ (મેડિકલ ટેસ્ટ) કરીને વિકલાંગતાનું નવું સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ કરાયો છે. બોગસ વિકલાંગતાનું પ્રમાણપત્ર આપીને આઈએએસ બનનાર મહારાષ્ટ્રની પૂજા ખેડકર કાંડ બાદ યુપીએસસી દ્વારા દેશભરમાં આ નવો નિયમ લાગૂ કરાયો છે. જેને પગલે વિકલાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરીને આઇએએસ તરીકે ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓ પણ હાલના સંજોગોમાં શંકા પરિઘમાં આવી ગયા છે. ગુજરાત સરકારમાં આઈએએસ તરીકે ફરજ બજાવી રહેલાં આવા પાંચ સનદી અધિકારીઓએ પણ ફરીથી તબીબી તપાસ કરાવીને વિકલાંગતાનું હાલનું નવું પ્રમાણપત્ર યુપીએસસીમાં રજૂ કરવાના રહેશે.

મહારાષ્ટ્રની પૂજા ખેડકરના વિવાદ બાદ ગુજરાત કેડરમાં પણ સાત જેટલા સનદી અધિકારી શંકાના પરિઘમાં આવ્યા હતા. જેમાં મહિલા સનદી અધિકારી સ્નેહલ ભાપકર (વર્ષ 2017 બેચ) ઉપરાંત સિનિયર સનદી અધિકારી અને હાલમાં દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિમાં રહેલા સોનલ મિશ્રા (વર્ષ 1997 બેચ) ઉપરાંત વર્ષ 2006 બેચના રવિ અરોરા, વર્ષ 2007 બેચના સંદીપ સાંગલે, વર્ષ 2013 બેચના મનીષ કુમાર બંસલ, વર્ષ 2020 બેચના જયંત મનકાલે અને વર્ષ 2022 બેચના અમોલ અવાટેનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો: નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ

જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ આ સાત સનદી અધિકારી પૈકીનાં બે સનદી અધિકારી રવિ અરોરા અને જયંત મનકાલેની આંખ સંબંધી વિકલાંગતા સાચી જણાઈ છે. ત્યારે બાકી રહેલા પાંચ સનદી અધિકારીને પોતાની શારીરિક વિકલાંગતા (દિવ્યાંગતા) માટે આગામી દિવસોમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસણી કરાવવાના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.  

રવિ અરોરાએ અદાલતમાં કેસ જીતીને પસંદગી મેળવી હતી

ગુજરાત કેડરના વર્ષ 2006ની બેચના સનદી અધિકારી રવિ અરોરાએ દિવ્યાંગતાના ક્વોટામાં યુપીએસસીમાં પસંદગી મેળવી હતી. રવિ અરોરાને આંખ સંલગ્ન વિકલાંગતા છે. જેના કારણે યુપીએસસીએ પરીક્ષા દરમિયાન દિવ્યાંગતાના ક્વોટામાં રવિ અરોરાને નાપસંદ (રિજેક્ટ) કર્યા હતા. જો કે, રવિ અરોરાએ અદાલતના દ્વારા ખટખટાવ્યા હતા. અદાલતમાં કેસ જીતીને રવિ અરોરા આઇએએસ કેડરમાં પસંદગી પામ્યા હતા.

સ્નેહલ ભાપકરે મૂક બધિર શ્રેણીનું પ્રમાણપત્ર મેળવ્યું છે

દિવ્યાંગતાના પ્રમાણપત્રના આધારે યુપીએસસીમાં આઇએએસ કેડરમાં પસંદગી પામનાર ગુજરાતનાં 5 અધિકારીના પ્રમાણપત્રને લઈને ફરીથી તબીબી તપાસના આદેશ કરાયા છે. ત્યારે મહિલા સનદી અધિકારી અને ગીર સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકરના મૂક બધિર શ્રેણીના પ્રમાણપત્ર અંગે પણ ફરીથી તબીબી તપાસ કરાવવામાં આવશે. વર્ષ 2017માં સ્નેહલ ભાપકરે યુપીએસસીની પરીક્ષામાં પાસ કરી હતી. વર્ષ 2017ની યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી પ્રથમ 93ને આઇએએસ કેડર મળી હતી તેમ કહી શકાય. જેમાં અનામત કેટેગરીના ઉમેદવાર પણ આવી જાય છે. કુમારી સ્નેહલ ભાપકર જનરલ કેટેગરીમાં આવે છે અને તેમનો રોલ નંબર 0600875 હતો. પરંતુ માત્ર ને માત્ર શારીરિક વિકલાંગતા (પીએચ)કેટેગરીમાં હોવાને કારણે તેમને આઇએએસ કેડર મળી હતી. યુપીએસસીની સત્તાવાર યાદી મુજબ આ પરીક્ષામાં લગભગ 10 લાખ લોકોએ પરીક્ષા આપી હતી.

ક્યાં પાંચ સનદી અધિકારીએ તપાસ કરાવવી પડશે? 

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલા આદેશ મુજબ જેમણે શારીરિક દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરીને શારીરિક વિકલાંગતાના ક્વોટામાં નોકરી મેળવી છે. તેમના પ્રમાણપત્રની ખરાઈ કરાવવા માટે ફરીથી તબીબી તપાસણીના આદેશ કરાયા છે. જેમાં જેમણે ફરીથી તબીબી તપાસ કરાવવી પડશે તેમાં સોનલ મિશ્રા, સ્નેહલ ભાપકર, સંદીપ સાંગલે, મનીષ કુમાર બંસલ અને અમોલ અવાટેનો સમાવેશ થાય છે.  

કોણે-કોણે તબીબી તપાસ કરાવવી પડશે?

સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં તમામ આઈએએસ, આઈપીએસ અને આઇએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગતાના પ્રમાણપત્ર રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ તબીબી તપાસ થયા બાદ તેમની વિકલાંગતાનું આ નવું પ્રમાણપત્ર યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.

આ પણ વાંચો: નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.