નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ

કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી રહેલા અપના દળના નેતા અનુપ્રિયા પટેલે ઓબીસી અને એસસી કેટેગરીને સરકારી નોકરીઓમાં અન્યાય થઈ રહ્યાંની વાત કરી છે.

નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ
image credit - Google images

સરકારી નોકરીઓમાં ઓબીસી અને દલિત યુવકોને જાણી જોઈને ઈન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને તેમની અવગણના કરવામાં આવે છે. આ આરોપ કોઈ વિપક્ષના નેતાએ નહીં પરંતુ મોદી સરકારમાં મંત્રી રહેલા અપના દળના નેતા અનુપ્રિયા પટેલે લગાવ્યો છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપની સાથી પાર્ટી અપનાદળે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી છે. અનુપ્રિયા પટેલે પત્રમાં લખ્યું છે કે, ઈન્ટરવ્યૂના આધારે મળતી નોકરીઓમાં દલિતો અને ઓબીસી વર્ગના યુવાનોની અવગણના કરવામાં આવે છે. તેમને જાણી જોઈને ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવે છે.

અનુપ્રિયા પટેલે વધુમાં જણાવ્યું છે કે, ઘણીવાર એવું થાય છે કે, ઓબીસી અને એસસી ક્વોટામાંથી કોઈ લાયક ઉમેદવાર મળતો નથી એમ કહીને આ તમામ ખાલી જગ્યાઓને જનરલ કેટેગરીમાં ભેળવી દેવામાં આવે છે. આ રીતે સવર્ણ ઉમેદવારોને લાભ કરાવવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીઓમાં એડમિશન દરમિયાન પણ આવું સામે આવ્યું છે.

અપના દળે માંગ કરી છે કે, આવી સ્થિતિમાં આ ખાલી જગ્યાઓને અનરિઝર્વ કરીને જનરલ કેટેગરીમાં ભેળવી દેવાને બદલે કોઈપણ સંજોગોમાં દલિત, ઓબીસી ક્વોટાથી જ ભરવામાં આવે. હાલમાં જ પુરી થયેલી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષ તરફથી આઉટસોર્ટિંગ એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓ આપવાના મામલે પણ અનામતની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા

અનુપ્રિયા પટેલે યોગી સરકાર દ્વારા ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવતી ભરતીઓને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, યુપીમાં સરકારી ઈન્ટરવ્યૂના આધારે થતી ભરતીઓમાં ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને એમ કહીને નોકરી નથી આપવામાં આવતી કે તે તેઓ લાયક નથી. આ રીતે આ ત્રણેય કેટેગરીના ઉમેદવારોના ક્વોટાની ખાલી પડેલી નોકરીઓ જનરલ જાહેર કરીને તેના પર જનરલ કેટેગરીના કથિત સવર્ણ ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે.

અનુપ્રિયા પટેલે માંગ કરી છે કે, ઈન્ટરવ્યૂના આધારે આ રીતે દલિત, આદિવાસી અને ઓબીસી ઉમેદવારોને સરકારી નોકરીઓમાંથી બહાર કરી દેવાનું આ ષડયંત્ર બંધ કરવામાં આવે. નોટ ફાઉન્ડ સ્યુટેબલ કેન્ડિડેટ લખી દઈને આ ત્રણેય કેટેગરીના ઉમેદવારોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવે છે એ હવે નહીં ચલાવી લેવાય. યુપી સરકારે આ ષડયંત્ર પર તરત બ્રેક લગાવવી જોઈએ.

વધુમાં અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, સરકારે આવા કેસોમાં તરત કાર્યવાહી કરવી જોઈએ. જેથી એસસી, એસટી અને ઓબીસી વર્ગના યુવાનોમાં આક્રોષ ન ભભૂકી ઉઠે.

અનુપ્રિયા પટેલે એકદમ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે, ભલે ગમે તે થાય પરંતુ આ વર્ગની અનામત નોકરીઓ પર જનરલ કેટેગરીના ઉમેદવારોની નિમણૂંક ન થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કથિત સવર્ણો દ્વારા અનામત કેટેગરીના યુવાનો માટેની ખાલી પડેલી સરકારી નોકરીઓ પર યોગ્ય ઉમેદવાર નથી મળતા એમ કહીને તે ખાલી સીટોને પછી જનરલ જાહેર કરી દેવામાં આવે છે. હાલ દેશભરમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના લાખો યુવાનો ભણીગણીને સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહ્યાં છે. અનેક કેસોમાં તો તેઓ નોકરી માટે જરૂરી લઘુતમ લાયકાત કરતા પણ વધુ ભણતર ધરાવતા હોય છે. તેમ છતાં ઈટરવ્યૂ પેનલમાં બેસતા સવર્ણ અધિકારીઓ તેમને નાપાસ કરીને નોકરીમાંથી બહાર કરી દે છે. છેલ્લે એ ખાલી જગ્યાઓને જનરલ જાહેર કરીને પોતાના માણસોને ગોઠવી દે છે. આ રમત વર્ષોથી ચાલતી આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.