લેટરલ એન્ટ્રી મુદ્દે 72 કલાકમાં મોદી સરકારે નમતું જોખ્યું, જાહેરાત પાછી ખેંચી
Lateral Entry મામલે વિપક્ષો બાદ સાથી પક્ષોમાં પણ ભારે વિરોધના સૂર ઉઠતા મોદી સરકારે આખરે લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાનો નિર્ણય 72 કલાકમાં જ પાછો ખેંચવો પડ્યો છે.
Lateral Entry ને લઈને મોદી સરકારે ફરી એકવાર યુટર્ન લેવો પડ્યો છે. છેલ્લાં થોડા દિવસોમાં આ ત્રીજો એવો નિર્ણય છે જેમાં સરકારે વિપક્ષો અને સાથી પક્ષોના દબાણને કારણે નમતું જોખવું પડ્યું હોય. અગાઉ વક્ફ બોર્ડ બિલ, બ્રોડકાસ્ટિંગ બિલ પણ સરકારે સાથી પક્ષો કે વિપક્ષોના દબાણને કારણે પરત ખેંચવું પડ્યું હતું. હવે તેમના મહત્વકાંક્ષી લેટરલ એન્ટ્રી મામલે પણ તેણે નમતું જોખવું પડ્યું છે અને જાહેરાત પાછી ખેંચી લેવી પડી છે. વિપક્ષો ખાસ કરીને બીએસપી, એસપી અને કોંગ્રેસ બાદ એનડીએના સાથી પક્ષો લોક જનશક્તિ પાર્ટી, હિન્દુસ્તાન અવામ મોરચા અને જેડીયુએ પણ વિરોધ નોંધાવતા તેને અનામત વિરોધી ગણાવી હતી. ચોતરફથી દબાણ વધતા આખરે મોદી સરકારે પોતાનો અહમ છોડીને નમતું જોખવું પડ્યું હતું. તેનાથી એ પણ સાબિત થાય છે કે, મોદી સરકાર હવે અગાઉની જેમ સરકારમાં પોતાની મનમાની ચલાવી શકે તેમ નથી.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના વડાને પત્ર લખીને સિવિલ સર્વિસ બોડીને લેટરલ એન્ટ્રી માટેની તેની જાહેરાત રદ કરવા જણાવ્યું હતું. વિપક્ષના નેતાઓ ખાસ કરીને બીએસપી સુપ્રીમો માયાવતી, અખિલેશ યાદવ બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે દિવસથી સતત ટ્વીટ કરીને આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા હતા. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે વિરોધ કરવાની ચીમકી આપી હતી. બસપાના વડા માયાવતીએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો.
જિતેન્દ્ર સિંહના પત્રમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાઓને ટાંકીને બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને અનુરૂપ લેટરલ એન્ટ્રીની જરૂરિયાત માટે આહવાન કર્યું હતું. એનો અર્થ એવો થયો કે, હવે જો સરકાર લેટરલ એન્ટ્રી લાવે તો તેમાં રિઝર્વેશનનું પાલન થશે. ટૂંકમાં, સરકારે આ મામલે નમતું જોખવું પડ્યું છે અને વિપક્ષની વાતને માનવી પડી છે.
યુપીએસસીએ ગયા શનિવારે કેન્દ્ર સરકારમાં વિવિધ વરિષ્ઠ હોદ્દાઓ માટે લેટરલ એન્ટ્રી દ્વારા "પ્રતિભાશાળી ભારતીય નાગરિકો" શોધવા માટે એક જાહેરાત બહાર પાડી હતી. આ પદોમાં 24 મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીનો સમાવેશ થતો હતો, જેમાંથી કુલ 45 જગ્યાઓ ખાલી છે. આ જાહેરાત આ 45 પોસ્ટ માટે જ હતી.
આ પણ વાંચો: હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી
પીએમઓમાં મંત્રી જિતેન્દ્ર સિંહના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "2014 પહેલા, મોટાભાગની મુખ્ય જગ્યાઓ લેટરલ એન્ટ્રી દ્વારા એડ-હોક રીતે ભરવામાં આવતી હતી, જેમાં કથિત પક્ષપાતના કિસ્સાઓ પણ સામેલ હતા. અમારી સરકારનો પ્રયાસ આને સંસ્થાકીય બનાવવાનો છે. વડા પ્રધાન ભારપૂર્વક માને છે કે લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા આપણા બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો સાથે જોડાયેલી હોવી જોઈએ, ખાસ કરીને અનામતની જોગવાઈઓ સાથે."
મંત્રી જિતેન્દ્ર સિંહના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "PM મોદી માટે જાહેર રોજગારમાં અનામત એ આપણા સામાજિક ન્યાય માળખાનો પાયાનો પથ્થર છે, જેનો ઉદ્દેશ્ય ઐતિહાસિક અન્યાયને દૂર કરવાનો અને સર્વસમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. એ મહત્વનું છે કે સામાજિક ન્યાય પ્રત્યે અનામતની બંધારણીય વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોના લાયક ઉમેદવારોને સરકારી સેવાઓમાં તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે."
જિતેન્દ્ર સિંઘે પોતાના પત્રમાં કેટલાક હાઈ પ્રોફાઈલ કેસોને ટાંક્યા હતા જેમાં યોગ્ય અનામત પ્રોટોકોલનું પાલન કર્યા વિના મુખ્ય હોદ્દા પર નિમણૂકો કરવામાં આવી હતી, જેમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ના અધ્યક્ષ અને અગાઉના વહીવટ દરમિયાન વિવિધ મંત્રાલયોના સચિવો પણ સામેલ હતા.
આ પણ વાંચો: માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?
જિતેન્દ્ર સિંહે પત્રમાં લખ્યું- "આ પદોને ખાસ ગણવામાં આવ્યા છે અને તેને સિંગલ-કેડર પોસ્ટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેથી આ નિમણૂકોમાં અનામતની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાના વડાપ્રધાનના ફોકસને ધ્યાનામાં રાખીને આ નિર્ણયમાં સુધારની જરૂર જણાય છે. હું UPSC ને લેટરલ એન્ટ્રીની જાહેરાત રદ કરવા વિનંતી કરું છું. આ પગલું સામાજિક ન્યાય અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ હશે."
મોદી સરકારના મંત્રીઓ દાવો કરે છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન 2000ના દાયકાના મધ્યમાં લેટરલ એન્ટ્રીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 2005માં, UPA સરકારમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં બીજા વહીવટી સુધારણા કમિશન (ARC)ની સ્થાપના કરવામાં આવી હતી. આ કમિશનને ભારતીય વહીવટી તંત્રમાં સુધારાની ભલામણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે આ કમિશને આ ભલામણ કરી હતી. પરંતુ કોંગ્રેસે તેનો ક્યારેય અમલ કર્યો નથી.
લેટરલ એન્ટ્રીથી ઔપચારિક ભરતી પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારે વર્ષ 2018 પછી 57 અધિકારીઓને લેટરલ એન્ટ્રી દ્વારા સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસાડી દીધા હતા. આ પહેલા ફક્ત IAS અધિકારીઓ જ બઢતી અને અનુભવ દ્વારા આ પદો પર પહોંચતા હતા.
વિપક્ષ ખાસ કરીને બહુજન સમાજની રાજનીતિ કરતા પક્ષો બીએસપી, એસપી, લોક જનશક્તિ પાર્ટી, હમ, આરજેડી, કોંગ્રેસ અને પછી જેડીયુ પણ તેમાં જોડાતા આખરે સરકારે લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાનો નિર્ણય રદ કરવો પડ્યો છે.
આ પણ વાંચો: શું Lateral Entry અનામતને ભૂંસી નાખવાની યુક્તિ છે?