કચ્છમાં ભીમગર્જનાઃ RDAM એ 41 વર્ષ બાદ દલિતોને હકની જમીન અપાવી

15મી ઓગસ્ટનો દિવસ કચ્છના બે ગામો માટે ખરા અર્થમાં આઝાદી લાવનારો બની રહ્યો. અહીં RDAM એ 41 વર્ષ બાદ દલિતોને તેમના હકની જમીન ગુંડાઓ પાસેથી પરત અપાવી હતી.

કચ્છમાં ભીમગર્જનાઃ RDAM એ 41 વર્ષ બાદ દલિતોને હકની જમીન અપાવી
image credit - Google images

15મી ઓગસ્ટના દિવસે એકબાજુ દેશભરમાં લોકો તિરંગો ફરકાવીને નિયમિત રીતે ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બે ગામોના દલિતો ખરા અર્થમાં આઝાદીની અનુભૂતિ કરી રહ્યા હતા. અહીંના અનેક ગામોમાં દલિતોને સરકારી રાહે મળેલી જમીનો પર જાતિવાદી ગુંડાઓ દાદાગીરીથી કબ્જો જમાવીને બેસી ગયા છે. જેના કારણે દલિતોના હકની હજારો એકર જમીન પર આ લુખ્ખા તત્વોનું રાજ ચાલી રહ્યું છે. દલિતો તેમની જ જમીન પર નજર સુદ્ધાં કરી શકતા નહોતા. પણ આ વખતે આ સિલસિલો તૂટ્યો હતો અને બેલા અને નાંદા ગામના દલિતોને તેમની જમીનનો પ્રત્યક્ષ રીતે કબ્જો મળ્યો હતો.

અહીં એ યાદ રાખવું જોઈએ કે વર્ષ 1960 થી 1990ની વચ્ચે ગુજરાતમાં હજારો એકર જમીન દલિતોને ફાળવવામાં આવી હતી, પણ એ જમીનો પર જાતિવાદી લુખ્ખાઓ દાદાગીરીથી હક જમાવીને બેસી ગયા છે. પણ છેલ્લાં 8 વર્ષથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી(Jignesh Mevani)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે(RDAM) આ જમીનો પરત અપાવવાનું બીડું ઉઠાવ્યું છે. તેમાં તેને સારી એવી સફળતા પણ મળી છે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ(Rashtriya Dalit Adhikar Manch)ની ટીમે અત્યાર સુધીમાં અંદાજે 2500 એકર(અંદાજે રૂ. 600 કરોડની કિંમતની) જમીન જાતિવાદી ગુંડાઓના કબ્જામાંથી છોડાવીને સ્થાનિક દલિતોને અપાવી છે.

જિગ્નેશ મેવાણીના નેતૃત્વમાં કચ્છ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી અને રાપર અનુસૂચિત જાતિ સામાજિક ખેતી સહકારી મંડળના સભ્યોએ 15મી ઓગસ્ટના દિવસે રાપરના બેલા અને નાંદા ગામમાં મંડળીના પ્રમુખ રામજીભાઈ ભદરૂ, જેમનું થોડા દિવસ પહેલા જ નિધન થયું હતું, તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને 41 વર્ષ બાદ આ બંને ગામોની કરોડોની કિંમતની જમીન જાતિવાદી ગુંડાઓના કબ્જામાંથી છોડાવીને તેના અસલી માલિક એવા દલિત સમાજના લોકોને પરત કરી હતી. ખુશીના આ પ્રસંગે દલિતોએ જય ભીમના નારાઓથી સીમ ગજવી મૂકી હતી. ભીમગર્જના વચ્ચે આ જમીન પર વાદળી ઝંડાઓ ફરકી ઉઠ્યા હતા. દલિતોએ આ જમીન પર જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી પણ આપી હતી.

આ પણ વાંચો: કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી

આ પ્રસંગે હાજર રહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, RDAM ના આંદોલનનો ઉદ્દેશ્ય ભૂમિહીન દલિતોને 5 એકર જમીન આપવાનો છે. દેશભરમાં લગભગ 20 હજાર એકર જમીન એવી છે કે જે આદિવાસીઓ કે દલિતોને ફાળવવામાં આવ્યા પછી ગેરકાયદે કબજા હેઠળ છે, જેના કારણે વંચિત સમુદાયને તેના હક્કો મળી શક્યા નથી.

મેવાણીએ આગળ જણાવ્યું હતું કે, "ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં જમીનને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવી તેના અસલ માલિકોને પરત અપાવવા માટે આવા પ્રયાસો થઈ રહ્યા નથી. આપણે માત્ર જાતિના ભેદભાવ અને અનામત પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. સ્વાભિમાનની લડાઈની સાથે સાથે દલિત આંબેડકરવાદી આંદોલન પણ ચાલી રહ્યું છે. આર્થિક અધિકારો માટે પણ લડવું જોઈએ અને સંસાધનોના સમાન વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે દલિતો અને આદિવાસીઓ કે પછાત વર્ગના સંસાધન-વિહોણા પરિવારોના જમીન અધિકારોની વાત કોઈ કરતું નથી. દલિત-આંબેડકરવાદી સંગઠનો માત્ર આત્મસન્માન, અનામત અને નોકરીઓ પૂરતા મર્યાદિત થઈ ગયા છે. જો કે આપણા બંધારણમાં વર્ણવેલા સમાજવાદ માટે જરૂરી છે કે, સંસાધનોનું પણ સમાન રીતે વિતરણ કરવામાં આવે. આવી પાકી ગયો છે કે, આપણે આર્થિક અને ભૌતિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

મેવાણી સમજાવે છે કે જમીનની ટોચમર્યાદાનો કાયદો આ જ હેતુથી લાગુ કરવામાં આવ્યો હતો. SC/ST ભૂમિહીન પરિવારોને જમીન ફાળવવાનું કામ 1950થી દેશભરમાં શરૂ થયું હતું, પરંતુ મોટાભાગની જગ્યાએ તે કાગળ પૂરતું જ સીમિત રહ્યું હતું. જાતિવાદી અને સામંતવાદી તત્વોએ ફાળવેલી જમીનો પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે અને દલિત- વંચિત સમાજના લોકો હજુ પણ તેમના અધિકારોથી વંચિત છે.

ગુજરાતમાં દલિતો માટે 5 એકર જમીનનું આંદોલન

ગુજરાતમાં દલિતોનો જમીન અધિકાર માટેનો સંઘર્ષ નવો નથી. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ હજારો એકર જમીન દલિતોને ફાળવવામાં આવી હતી, પરંતુ જાતિવાદી તત્વોએ આ જમીનો પર કબજો કરી લીધો હતો.

આ પણ વાંચો: પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?

2009 થી 2012 દરમિયાન જિગ્નેશ મેવાણીએ એવી હજારો એકર જમીન વિશે માહિતી એકત્રિત કરી, જે ફાળવણી પછી પણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજામાં હતી. આ અંગે તેમના દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જે 2012 થી 2016 સુધી ચાલી હતી. તેમના પ્રયાસોને કારણે, હજારો એકર જમીન સામંતવાદીઓ પાસેથી પાછી મેળવવામાં આવી હતી જેની બજાર કિંમત કરોડો રૂપિયા છે.

હવે RDAM જમીનની માલિકી જેવા ભૌતિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેઓ માને છે કે જમીનની માલિકી એ જાતિની સ્થિતિનું મુખ્ય સૂચક છે અને દલિતો માટે સમાનતાનો સૌથી સીધો રસ્તો એ જમીનની માંગ કરવાનો છે, જે તેમના હકની છે અને તેમના કબજામાં હોવી જોઈએ. તેઓ માને છે કે, દરેક ભૂમિહીન દલિતને 5 એકર જમીન મળવી જોઈએ.

જીગ્નેશ મેવાણીના નેતૃત્વમાં RDAM એવા દલિતોના કેસોમાં પણ સક્રિય રીતે કામ કરી રહ્યું છે જેમને કાગળ પર જમીન ફાળવવામાં આવી છે પરંતુ હજુ સુધી જમીનનો પ્રત્યક્ષ કબજો આપવામાં આવ્યો નથી. 2017 સુધીમાં, મેવાણી અને RDAM ના પ્રયત્નો રંગ લાવવા લાગ્યા છે. અમદાવાદ જિલ્લાના સરોધા ગામમાં 115 દલિત પરિવારોને 220 વીઘા જમીન સોંપવા માટે લેન્ડ મેપિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે ગુજરાત સરકાર પર દબાણ કરવામાં તે સફળ થયું છે. ગુજરાતના અન્ય ભાગોમાં જમીન માલિકી ઝુંબેશ ચલાવીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે એક સર્વસામાન્ય પ્લેટફોર્મ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત રાપર અને સુરેન્દ્રનગર માટે પણ આવા જ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, કચ્છ વગેરે જિલ્લાઓમાં આ અભિયાનને ખૂબ જ સમર્થન અને સફળતા મળી છે.

આ પણ વાંચો: અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરે છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.