મજૂરના દીકરાએ એક ઝાટકે JEE પાસ કરી નાખી, પણ હાય રે ગરીબી...
દહાડિયા મજૂર દલિત પિતાના હોંશિયાર દીકરાએ અઘરી ગણાતી JEE પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી નાખી હતી પણ...
મેરિટની પૂંછડીયું થઈને ફરતી જાતિવાદી ઈયળો છાશવારે દલિતો, આદિવાસીઓ અને ઓબીસીની અનામત પર રોદણાં રડવાની એક તક જતી નથી કરતી. અનામતને કારણે તેમને તક નથી મળતી જેવી તદ્દન વાહિયાત વાતો કરીને તેઓ કાયમ એસસી, એસટી, ઓબીસીની અનામતને ટોણો મારતી રહે છે. પણ આ જાતિવાદી ઈયળોને જ્યારે તમે સમાન તકોની વાત કરો ત્યારે તેઓ ભોંમાં મોં ખોસીને મૌન બની જાય છે. એમને ખબર નથી કે તમને જે સુવિધાઓ માત્ર તમારી જાતિના કારણે જન્મતા વેત મળી ગઈ છે, તે મેળવવા માટે અનામત મેળવતો સમાજ તનતોડ મહેનત કરતા છતાં માત્ર જાતિવાદના કારણે ત્યાં સુધી પહોંચી શકતો નથી. જો સમાન તકની વાત કરવી જ હોય તો સ્પર્ધાની શરૂઆતની લીટી પણ સૌના માટે સરખી હોવી જોઈએ. પણ એવું થતું નથી. આ ઘટના પણ જાતિવાદી દેશની સદીઓ જૂની અસમાનતાની ખાઈને રજૂ કરે છે.
મેરિટની પૂંછડીઓને જડબાતોડ જવાબ
ઘટના એવી છે કે, એક દહાડિયા દલિત મજૂર પિતાનો દીકરો ભણવામાં ભલભલી મેરિટની પૂંછડિયુંને આંટી જાય તેવો છે. તેના તેજ દિમાગનો અંદાજ તમે એના પરથી લગાવી શકો છો કે, તેણે પહેલા જ પ્રયત્ને અઘરી મનાતી IIT એડમિશન માટેની JEE પરીક્ષા પાસ કરી નાખી છે. સવર્ણોના છોકરા-છોકરીઓ આ પરીક્ષા પાસ કરવા માટે લાખો રૂપિયા ભરીને ટ્યુશન રખાવે છે, ઘર-પરિવારનો નિર્વાહ ચલાવવાની જેમના પર ચિંતા નથી તેવાઆ સુખી સંપન્ન પરિવારના છોકરા-છોકરીઓને આ પરીક્ષા પાસ કરાવવા તેમના માતાપિતા બધી જ સગવડો કરી આપે છે. પણ આ દલિત યુવકે અનેક અભાવો વચ્ચે પરિવાર સાથે રહીને JEE પાસ કરી બતાવી છે. પણ કમનસીબી એ રહી કે IIT માં એડમિશન મેળવવા માટે જરૂરી ફી જેટલી રકમ તેની પાસે નહોતી. જેના કારણે તે JEE પાસ કર્યા પછી એડમિશન મેળવી શક્યો નથી.
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના ટિટોરા ગામનો યુવાન
ઘટના ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મુઝફ્ફરનગર(Muzaffarnagar) જિલ્લાના ટિટોરા(Titora village) ગામના અતુલ કુમાર (Atul Kumar) નામના એક દલિત યુવાનની છે. દહાડિયા મજૂર પરિવારના અતુલે અત્યંત અઘરી મનાતી IIT પ્રવેશ માટે લેવાતી JEE પરીક્ષા એક ઝાટકે પાસ કરી નાખી છે. પણ તેમ છતાં તેને એડમિશન ન મળતા તેણે હાઈકોર્ટ(High Court) અને હવે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં ધા નાખી છે.
અતુલને IIT ક્રેક કર્યા પછી પણ આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો ન હતો. ગરીબ દલિત પરિવારમાંથી આવતો અતુલ સમયસર ફી જમા કરાવી શક્યો નહોતો. જેના કારણે તેની સીટ બીજા કોઈ વિદ્યાર્થીને ફાળવી દેવામાં આવી છે, હવે તે પ્રવેશ માટે સંઘર્ષ કરી રહ્યો છે.
પૈસાની વ્યવસ્થા થઈ ત્યાં સુધીમાં સમય નીકળી ગયો
અતુલને IIT ધનબાદ(IIT Dhanbad)માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ(Electrical Engineering)માં એડમિશન લેવું હતું. અતુલ કહે છે કે, "એડમિશન કન્ફર્મ કરાવવા માટે ફી તરીકે જમા કરાવવાના હતા તે 17,500 રૂપિયા એકત્ર કરવામાં મોડું થયું હતું. જેમ તેમ કરીને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ પણ, પણ પછી આખી પ્રક્રિયા પૂરી કરવામાં સમય નીકળી ગયો અને એડમિશન ન મળ્યું." જેની સામે અતુલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર ગયા મંગળવારે સુનાવણી થઈ હતી.
સીજેઆઈ ચંદ્રચૂડની બેંચ સુનાવણી કરી રહી છે
અતુલના જણાવ્યા અનુસાર તેની અરજીની સુનાવણી CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સવાલ ઉઠાવ્યા કે 24મી જૂને સમયમર્યાદા પૂરી થયા બાદ ત્રણ મહિના શું કરી રહ્યા હતા? તેના પર એડવોકેટે રજૂઆત કરી હતી કે 24મી જૂને સાંજે 5 વાગ્યા સુધી 17,500 રૂપિયાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. અતુલના કહેવા પ્રમાણે, કોર્ટે તેમને ખાતરી આપી છે, એ પછી તેની અને તેના પરિવારની આશા બંધાઈ છે.
રસીદ અને દસ્તાવેજો જમા ન થઈ શક્યાં
18 વર્ષીય અતુલ કુમાર કહે છે કે તેના પિતા અને પરિવારજનોએ જેમતેમ કરીને ફીની રકમ ભેગી કરી હતી. પરંતુ જમા કરવાની નિયત તારીખ 24 જૂનની સાંજે 5 વાગ્યા સુધીમાં રસીદ અને અન્ય ડોક્યુમેન્ટ્સ જમા કરાવી શકાયા ન હતા. હવે અતુલની સીટ અન્ય કોઈને ફાળવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં
અતુલના કહેવા પ્રમાણે, તેણે એડમિશન માટે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, પરીક્ષા મદ્રાસ IIT દ્વારા લેવામાં આવી હોવાથી, મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરવા કહેવાયું હતું. મદ્રાસ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા કહ્યું. એ પછી અતુલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને કોર્ટને પોતાના સપનાને બચાવવા માટે પગલાં ભરવા વિનંતી કરી હતી.
અતુલની સીટ અન્ય વિદ્યાર્થીને ફાળવી દેવાઈ
અતુલે જણાવ્યું કે તેની પસંદગી થઈ ગઈ હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે તે સમયસર ફી જમા કરાવી શક્યો નહોતો અને તેની સીટ બીજા કોઈને આપી દેવામાં આવી હતી. આ અંગે તેણે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે.
પૈસા ભેગા કરી જમા કરાવવા ગયા ત્યાં ઓનલાઈન પોર્ટલ બંધ થઈ ગયું
અતુલ કુમારના પિતા રાજેન્દ્રએ જણાવ્યું કે તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે. તે દરજીકામ કરે છે અને દિવસ દરમિયાન મજૂર તરીકે પણ કામ કરે છે. પૂરતા પૈસાના અભાવે તેઓ અતુલના એડમિશન માટેની ફી સમયસર જમા કરી શક્યા ન હતા અને પોર્ટલ સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયું હતું. અતુલ કહે છે, મને એડમિશન મળવું જોઈએ, મને મારી સીટ મળવી જોઈએ.
અતુલની મદદ માટે ગામલોકો આગળ આવ્યા
માત્ર 17,500 રૂપિયા જમા ન કરી શકવાને કારણે આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન મેળવવાથી ચૂકી જનાર અતુલ કુમારની મદદ માટે હવે તેના ગામના લોકો આગળ આવ્યા છે. ગામના અનેક લોકોએ અતુલને આર્થિક મદદ કરી છે. આ સિવાય પણ બીજા અનેક લોકોએ પણ જરૂર પડ્યે કોઈપણ પ્રકારની મદદની ખાતરી આપી છે.
આ પણ વાંચો: સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા