જમીન કાયદામાં સુધારાથી ખેડૂતોની જમીન મૂડીપતિઓના હાથમાં જશે
ખેડૂતની જમીન બિન ખેડૂતને આપવાની સરકારની હિલચાલ સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. જાણો શું તર્ક આપ્યો.
કોંગ્રેસ સરકારે ખેતમજૂરો-ગણોતિયાઓને કાયદા દ્વારા ખેડૂતો બનાવ્યા હતા. કોંગ્રેસ સરકારના બનાવેલા કાયદાથી તેમની જમીન સચવાઇ રહી છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા જમીન કાયદામાં સુધારા કરીને ખેડૂતોને જમીન વિહોણા બનાવશે અને તેમની જમીનો મૂડીપતિઓના હાથમાં આવશે તેવું આયોજન કર્યું હોવાનો આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો છે. રાજ્ય સરકારના આ કાયદાથી ખેડૂતો જમીન મૂડીપતિઓના હાથમાં આવતા ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે તેવી આશંકા અમિત ચાવડાએ વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીન બિન ખાતેદાર (બિન ખેડૂત) ખરીદી શકે તે અંગે જમીન કાયદામાં સુધારા કરવાનું આયોજન કરાયું છે. જે અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.
ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૫૬ લાખ કરતા વધુ ખેડૂત ખાતેદારો છે. છેલ્લા ૩૦ વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની નીતિ અને નિયતના કારણે દિવસે-દિવસે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો બરબાદ થાય એવો એક નિર્ણય કરવાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે, જેના કારણે તેની મોટી દુરોગામી અસરો પડશે અને ખેડૂતોને નુકસાન થવાનું છે.
દેશ આઝાદ થયો ત્યારે દેશમાં મોટાભાગની જમીનો દેશી રજવાડા, ગરાસદાર કે ગામધણી સાથે જમીનદારોના કબ્જામાં હતી. તે વખતે સામાન્ય ગરીબ લોકો ખાસ કરીને એસ.સી., એસ.ટી. પછાતવર્ગના લોકોએ જમીનોમાં ખેત મજૂરી કરતા હતા, ગણોતિયા હતા. આવા લોકોને સમૃદ્ધ બનાવવા કોંગ્રેસ સરકાર અને એની નીતિઓ દ્વારા જમીનના કાયદા લાવ્યા હતા. જેના કારણે જે જમીનમાં ખેતમજૂરો, ગણોતિયા, ભાગિયા લોકોને "ખેડે એની જમીન" નો કાયદો લાવી જમીનના માલિકો બનાવ્યા હતા. આવા કાયદા દ્વારા એક વ્યક્તિ પાસેથી જમીન લઇને નાના-નાના લોકોને આપી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિ વધી અને લોકોનું જીવન ધોરણ સુધર્યું છે.
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અનેક સરકારી વિભાગોમાં ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર ૨૦૨૩માં જમીનમાં સુધારણા કરવા, નિયમો બદલવા, એના માટેની જોગવાઈ કરવા માટે સી. એલ. મીના અધ્યક્ષ પદે એક કમિટીની રચના કરાઇ હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં આ કમિટીએ ગુજરાત સરકારમાં અહેવાલ રજૂ કર્યો છે. જે અંગે સરકારે ચર્ચા-વિચારણા કરી રહી છે.
ચાવડાએ જણાવ્યું હતું કે, આ અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જમીન કાયદામાં સુધારો કરીને સરકાર "બિન ખેડૂત હોય તેવી વ્યક્તિ પણ ખેતીની જમીન ધારણ કરી શકે" એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જેના માટે પૂર્વ કાયદામાં પણ સુધારા કરવા પડશે, સરકારનું પગલું રાજ્ય માટે ખૂબ જોખમી પુરવાર થશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજયમાં ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે એને અમલમાં મુકવા માટેનું આ પગલું છે. આ કાયદામાં સુધારાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં બિન ખેડૂતને ખોટી રીતે ખેડૂત બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ભાજપ સરકાર જમીન કાયદામાં સુધારો કરી "બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે" તેવો સુધારો કરશે તો કોંગ્રેસ પક્ષ સડકથી લઇ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા ઉગ્ર વિરોધ કરશે.
આ પણ વાંચો: પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?