અમદાવાદની SVP હોસ્પિટલના 150થી વધુ સફાઈકર્મીઓ હડતાલ પર
અમદાવાદની (એસવીપી)માં હાઉસકિપીંગનું કામ કરતા 150થી વધુ સફાઈકર્મીઓ કોન્ટ્રાક્ટપ્રથા રદ કરીને કાયમી કામદારોનો દરજ્જો આપવાની માંગ સાથે આજથી હડતાળ પર ઉતરી ગયા છે

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ(એસવીપી)માં હાઉસકિપીંગનું કામ કરતા 150થી વધુ સફાઈકર્મીઓ કોન્ટ્રાક્ટપ્રથા રદ કરીને કાયમી કામદારોનો દરજ્જો આપવાની માંગ સાથે આજથી હડતાળ પર ઉતરી ગયા છે. આ સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે, તેઓ સિંદુરી ફેબર નામની કંપનીના કર્મચારી તરીકે નોકરીએ લાગ્યા હતા. આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પણ હવે રાતોરાત અમારો વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને નિયમો પણ બદલી દેવામાં આવ્યા છે. આ કોઈ કાળે ચલાવી શકાય તેમ નથી. અમે 6 વર્ષ કરતા વધુ સમયથી અહીં કામ કરીએ છીએ. તેથી અમને કાયમી કામદારનો દરજ્જો મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથાને નાબૂદ કરવી જોઈએ.
આ પણ વાંચો: આજે શ્રમિકોના તારણહાર પ્રોફેસર અબ્દુલ બારીની પુણ્યતિથિ
ધરણાં પર ઉતરેલા કર્મચારીઓનું કહેવું છે કે સિંદુરી ફેબર નામની કંપનીના કર્મચારી છીએ. વર્ષ 2018થી અહીંયા ફરજ બજાવીએ છીએ. કોરોનામાં પણ અમે ખૂબ કામ કર્યું હતું, તેથી અમને તેનો લાભ મળવો જોઈએ. પણ રાતોરાત કંપનીનો કોન્ટ્રાક્ટ બદલી નાખવામાં આવ્યો છે. અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. બે મહિના પહેલા જાણ કરવાની હોય છે, છતાં પણ કોન્ટ્રાક્ટ બદલ્યો તો અમને જાણ કરવામાં આવી નથી. અમે છ વર્ષથી અહીંયા કામ કરીએ છીએ તેમ છતાં પણ અમને કાયમી કરવામાં આવ્યાં નથી. અમારી માંગ છે કે અમને કાયમી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે.
આ પણ વાંચો: કે.બી. રાઠોડ સાહેબની દલીલોએ મૃતકને 13.70 લાખનું વળતર અપાવ્યું
બીજી તરફ ધરણાને સમર્થન આપતા અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ જણાવ્યું હતું કે, “ભાજપ ક્યાંય પણ પોતાની જવાબદારી લેવા માંગતી નથી. કોઈપણ જગ્યાએ કન્સલ્ટન્ટ હોય અથવા સફાઈ કર્મચારી હોય, તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ભાજપ પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપી દે છે. કોન્ટ્રાક્ટર દ્વારા કંપનીના કર્મચારીઓને લેવામાં તો આવે છે પરંતુ તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે જૂનો કચરો લઈએ છીએ. તો શું આ કર્મચારીઓ કચરો છે? શું આ બહેનો કચરો છે? મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષ 1995થી કર્મચારીઓ અહીંયા નોકરી કરી રહ્યાં છે. તેઓને કાયમી કરવા જોઈએ. ક્યાં સુધી તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવશે? આ તેમનો અધિકાર છે, તેઓ કોઈની પાસે ભીખ નથી માંગી રહ્યાં. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓનું કેટલું શોષણ થાય છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. મારી ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચીમકી છે કે, જો આ રીતે જ વર્તન ચાલુ રહેશે તો આ આંદોલન ઉગ્ર બનશે. માત્ર ચોથા વર્ગના જ કર્મચારી નહીં, પરંતુ બીજા અને ત્રીજા વર્ગના કર્મચારીને પણ હડતાલમાં જોડીશું.”
આ પણ વાંચો: RTE માં ફોર્મ ભરવાની મુદત વધી છતાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Chaman ParmarGujarat