વ્યાસપીઠ પરથી ભજન લલકારી રહેલા કથાકારને હાર્ટએટેક આવતા મોત
ગુરુપૂર્ણિમાના દિવસે વ્યાસપીઠ પર બેસીને એક કથાકાર ભજન ગાઈને લોકોને કથા સંભળાવી રહ્યા હતા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું.
તમે ક્યાંય એવું જોયું-સાંભળ્યું છે કે, કોઈ જગ્યાએ કથા ચાલી રહી હોય, વ્યાસપીઠ પર બેઠેલા કથાકાર ભગવાનનું ભજન લલકારી રહ્યા હોય અને અચાનક તેમનું મોત થઈ જાય. કલ્પનામાં પણ ન આવે તેવી આ ઘટના હકીકતમાં બની છે, જ્યાં એક કથાકાર મહારાજ વ્યાસપીઠ પર બેસીને ભજન લલકારી રહ્યા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનો જીવ જતો રહ્યો હતો.
ઉજ્જૈનના દમદમા વિસ્તારમાં રહેતા પંડિત ગોપાલ કૃષ્ણ મહારાજ આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે પાઢલિયા આંજણા સમાજ અને શ્રી સદગુરુ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું પઠન કરવા રાજગઢ સ્થિત તેમના ગુરુના સમાધિ સ્થળ પર ગયા હતા. આ કથા દરમિયાન મહારાજ ભજન ગાઈ રહ્યા હતા અને ભક્તોને સમજાવી રહ્યા હતા કે "જો તમે કોઈ કાર્યમાં સફળ થવા માંગો છો, તો તમારે તેનો વધુને વધુ અભ્યાસ કરવો જોઈએ." મહારાજ ભજન લલકારીને કથા સંભળાવી રહ્યા હતા અને ભક્તો નૃત્ય કરીને તેનો આનંદ માણી રહ્યા હતા. ત્યાં જ અચાનક મહારાજે ભજન ગાવાનું બંધ કરી દીધું અને વ્યાસગાદી પર જ ગબડી પડ્યાં હતા.
આ પણ વાંચો: Gujaratમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી હાલત, સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની અછત
મહારાજને આમ અચાનક શાંત થતા જોઈને ભક્તો સ્તબ્ધ થઈ ગયા હતા. નાચતા ભક્તો અને સેવા સમિતિના લોકો તરત જ મહારાજ પાસે પહોંચ્યા, પરંતુ તેમની હાલત વધુ ખરાબ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. મહારાજના મૃત્યુના સમાચાર ફેલાતાની સાથે જ તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં કથા સ્થળે પહોંચી ગયા હતા અને તેમના મોતને લઈને રડી પડ્યા હતા.
એ પછી મહારાજના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાંથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તેમના સેંકડો ભક્તો અને અનુયાયીઓ જોડાયા હતા.
ભાગવતાચાર્ય પંડિત ગોપાલ કૃષ્ણ મહારાજનું નિધન કેવી રીતે થયું તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કારણ કે જે સમયે આ કથા ચાલી રહી હતી તે સમયે તેનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું. ઘટના દરમિયાનના વીડિયોમાં મહારાજ ભજન ગાઈને ઉપદેશ આપતા જોવા મળે છે અને ભક્તો પણ તેમના ભજન પર નાચતા અને ગાતા જોવા મળે છે. એ પછી અચાનક તેમને હાર્ટએટેક આવી જાય છે અને આખો માહોલ બગડી જાય છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ મુદ્દે વિરોધ કરી રહેલા ભાજપના નેતાને હાર્ટએટેક આવ્યો