માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP કોર્ડિનેટર પદથી હટાવ્યા

BSP સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય ઉત્તરાધિકારીથી વંચિત કરી દીધા છે. સોશિયલ મીડિયામાં તેમણે આ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP કોર્ડિનેટર પદથી હટાવ્યા
all image credit - Google images

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો બહેન કુમારી માયાવતીજીએ તેમના ભત્રીજા આકાશ આનંદને પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર પદેથી હટાવી દીધા છે. બરાબર લોકસભા ચૂંટણી ટાણે આકાશ આનંદ સામે મોટી કાર્યવાહી કરાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. માયાવતીએ આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની સાથે તેમના ઉત્તરાધિકારી પદ પરથી પણ હટાવી દીધા છે. માયાવતીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ તેમનો આ નિર્ણય પાછો ખેંચી લેતા કહ્યું કે આકાશ આનંદ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેમને બંને મહત્વપૂર્ણ જવાબદારીઓથી દૂર રાખવામાં આવશે.

આ ફેરબદલનું કારણ શું?

હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે જ આકાશ આનંદને હટાવવાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણી વચ્ચે બસપામાં આ મોટા ફેરબદલનું કારણ શું છે. જ્યારે આકાશ આનંદને લોન્ચ કરવામાં આવ્યા ત્યારે તેમને ખાસ કરીને યુપીમાં ભારે સમર્થન મળી રહ્યું હતું. લોકો તેમની સભાઓમાં તેમને સાંભળવા આવતા હતા. ખાસ કરીને યુવા વર્ગમાં ફરી એકવાર જોશ જોવા મળતો હતો, જેના કારણે બીએસપી ફરી બેઠી થઈ રહી હોવાનું અને નવી રિધમ મેળવી રહી હોવાનું લાગી રહ્યું હતું. પરંતુ આકાશ આનંદના છેલ્લાં કેટલાક નિવેદનોથી બસપાને ઘણું નુકસાન થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

થોડા દિવસો પહેલા તેમણે સીતાપુરમાં ભાજપ સરકારને 'આતંકવાદીઓની સરકાર' ગણાવી હતી. જેના પછી આકાશ આનંદ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. આ સિવાય બે-ત્રણ જગ્યાએ નિવેદન આપતી વખતે આકાશ એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે તેમના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા. તેમના આવા નિવેદનોની ઘણી ટીકા થઈ હતી, જેમાં ભાજપવાળા મત માંગવા આવે તો જૂતા ફેંકીને મારજો વાળા નિવેદને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.

એવું મનાય છે કે આકાશ આનંદના વિવાદિત નિવેદનોથી માયાવતી નારાજ છે. આકાશ આનંદની આ ભાષાશૈલી, તેમની રાજનીતિ કરવાની સ્ટાઈલ અને તેમના ભાષણો માયાવતીને અનુરૂપ નથી લાગી રહ્યા. એવું પણ માનવામાં આવે છે કે પાર્ટીની અંદર એક મોટો વર્ગ આકાશ આનંદના આ નિવેદનોથી નારાજ છે.

આ મામલે સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને માયાવતીએ પોતાનો નિર્ણય જાહેર કરતા લખ્યું હતું કે, બીએસપી એક પક્ષની સાથે જ બાબાસાહેબ આંબેડકરના આત્મ સન્માન અને સ્વાભિમાન તથા સામાજિક પરિવર્તનની પણ ચળવળ છે. જેના માટે માન્યવર કાંશીરામ અને મેં પણ મારી આખી જિંદગી સમર્પિત કરી છે અને તેને ગતિ આપવા માટે નવી પેઢીને પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, પાર્ટીમાં અન્ય લોકોને પ્રમોટ કરવાની સાથે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને મારા ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. પરંતુ પક્ષ અને ચળવળના વિશાળ હિતમાં તેઓ સંપૂર્ણ પરિપક્વતા સુધી ન પહોંચે ત્યાં સુધી તેમને આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ રાખવામાં આવી રહ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે, આકાશ આનંદને લઈને બહેનજી આગળ શું નિર્ણય લે છે. ખાસ કરીને પક્ષમાં બીજા કોઈ પીઢ નેતાને આ જવાબદારી સોંપવામાં આવે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો: ‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.