જૂના ઝાંઝરિયા આચાર્ય આપઘાત કેસઃ માનવ અધિકાર આયોગનો અમરેલી SPને નક્કર કાર્યવાહી કરવા નિર્દેશ

જૂના ઝાંઝરિયા આચાર્ય આપઘાત કેસઃ માનવ અધિકાર આયોગનો અમરેલી SPને નક્કર કાર્યવાહી કરવા નિર્દેશ
મૃતક કાંતિભાઈ ચૌહાણની ફાઈલ તસવીર

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના ઝાંઝરીયા ગામે અનુસૂચિત જાતિના મુખ્ય શિક્ષક કાંતિભાઈ ચૌહણે‍ ગામના સરપંચ, ઉપસરપંચ અને ત્રણ શિક્ષિકાઓના જાતિવાદી અત્યાચારથી ત્રાસીને આત્મહત્યા કરી હતી એ ઘટના અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે જિલ્લા પોલીસવાળા અમરેલીને આ કેસમાં નક્કર કાર્યવાહી કરવાના નિર્દેશો પાઠવ્યા છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી દ્વારા માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની ફરિયાદના આધારે નોંધણી કરવામાં આવી હતી. આયોગે કાંતિભાઈ બધાભાઈ ચૌહાણના આપઘાત કેસમાં તેના માનવ અધિકાર ભંગની ફરિયાદમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને આ માનવ અધિકાર ભંગની ફરિયાદ તબદીલ કરી આઠ અઠવાડિયામાં આ મુદ્દે ફરિયાદીને સાથે રાખી ઠોસ કાર્યવાહી કરવા, યોગ્ય પગલા ભરવા અને કરેલ કાર્યવાહીની જાણ ફરિયાદી તેમ જ ભોગ બનનારને કરવા નિર્દેશ કર્યો છે.


બનાવ શું હતો?

બગસરા તાલુકાના જૂના ઝાંઝરીયા ગામે પ્રાથમિક શાળાના અનુસૂચિત જાતિના મુખ્ય શિક્ષક કાંતિભાઈ ચૌહણે‍ ગામના સરપંચ, ઉપસરપંચ અને શાળામાં નોકરી કરતા ત્રણ શિક્ષિકાઓના જાતિવાદી માનસિક ત્રાસ, જ્ઞાતિ આધારિત ભેદભાવ અને કનડગતના કારણે પોતે પોતાનો જ વિડિઓ બનાવી તારીખ 20/10/2023ના રોજ આપઘાત કર્યો હતો. જેની ફરીયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્ની રામુબેન કાંતિભાઈ ચૌહાણે નોંધાવી હતી.

આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સરપંચ, ઉપસરપંચની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ રિપોર્ટના આધારે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે.

આ ગુનામાં ત્રણ શિક્ષિકાઓમાંથી બેની ધરપકડ પોલીસે કરી હતી, એક ફરાર છે, પોલીસ રિપોર્ટના આધારે મહિલા શિક્ષિકાઓને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. એક શિક્ષિકાને કોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કરી છે. તદુપરાંત ઉપસરપંચ દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી છે.

આગળ વાંચોઃ Bhavnagar: ગટરમાં ગૂંગળાઈને મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી રાજેશભાઈ વેગડનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.