અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને કેમ બાકાત રખાયા?
ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બિલમાં ખૂલ્લેઆમ અંધશ્રધ્ધા ફેલાવતા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને બાકાત રખાયું છે.
ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરી દેવાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ(Anti-Superstition Bill) રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને છ મહિનાથી લઈને સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. ૫૦ હજાર સુધીના દંડની જોગવાઈ છે. બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. અંધશ્રદ્ધાને કાબુમાં રાખવા માટે દેશમાં ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક ઓડિશા, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યો આ પ્રકારનો કાયદો બનાવી ચૂક્યો છે. આમ, અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય છે. હવે આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે.
આ કાયદામાં આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમાં અંધશ્રદ્ધાનો ખૂલ્લેઆમ ફેલાવો કરતા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને બાકાત રાખવામાં આવ્યા છે. એ નગ્ન સત્ય છે કે, ગુજરાત સહિત દેશભરમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નામે અંધશ્રદ્ધા ફેલાવી લોકોમાં ભય પેદા કરી તેમની પાસેથી પૈસા પડાવવાનું કામ મનુવાદી તત્વો ખૂલ્લેઆમ કરે છે. ધર્મની આડમાં આવા જ્યોતિષીઓ દ્વારા મહિલાઓ પર બળાત્કાર કર્યાના પણ અનેક બનાવો બન્યા છે. અગાઉ અનેક લોકો આવા જ્યોતિષીઓની ચૂંગાલમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા હોવાના પણ કિસ્સા બન્યાં છે. આવું જ કંઈક વાસ્તુશાસ્ત્રનું તૂત છે. જેમાં લોકોને તેમના ઘર, ઓફિસોમાં તોડફોડ કરાવી, તેમના મનમાં શંકાઓ, વહેમ પેદા કરાવી પોતાનો સ્વાર્થ સાધી લેવાય છે.
ટૂંકમાં જ્યોતિષ અને વાસ્તુનો ધંધો શુદ્ધરૂપે અંધશ્રદ્ધાના દાયરામાં આવતા હોવા છતાં તેને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એનો અર્થ એવો કરી શકાય કે સરકારે અહીં પણ મનુવાદીઓના ધંધાને કોઈ અસર ન પડે તેનું પુરું ધ્યાન રાખ્યું છે? તેમને અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પણ અનામત આપવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર ગરીબ મનુવાદીઓ માટે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર ક્રિમીલેયર મનુવાદીઓની કમાણીનું સાધન છે અને સરકારે આ બંનેને આ કાયદામાંથી બાકાત રાખીને તેમને છાવરી લીધાં છે.
બિલમાં શું જોગવાઈ છે?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને છ માસથી સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે.
આ પણ વાંચો: ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત
આ કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિ અને બીજા અમાનુષી, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને આ કાયદાનો ભંગ કરે તો તેની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો ભંગ કરનારાને બિન જામીનપાત્ર ગુનો નોંધીને ૬ માસથી લઈને ૭ વર્ષ સુધીની કેદ, ૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડની જોગવાઈ છે.
ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 'ભારતમાં જ ખાલી કાળા જાદુની પ્રથા લાગુ નથી, પરંતુ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રકારની પ્રથા જોવા મળે છે. જો કે, દરેક જગ્યાએ કાળા જાદુને રોકવા માટે અલગ કાયદાઓ લાગુ કરવામાં આવ્યાં છે. આઝાદીનાં ૭૮ વર્ષ પછી પણ અંધશ્રદ્ધાની ઘટના બને છે, તે રોકવી જરૂરી છે. વિધાનસભામાં લાગુ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલમાં લોકોની આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.'
કાયદામાં કેવી છટકબારીઓ છે?
ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે વર્ષોથી કામ કરતા એડવોકેટ પિયુષ જાદુગરના મતે આ કાયદામાં કેટલીક એવી છટકબારીઓ છે, જ્યાંથી આરોપીઓ આસાનાથી છટકી જશે. તેમના મતે, "કાયદામાં સાત વર્ષની સજાની જોગવાઈ છે, એનો અર્થ એવો થયો કે ભલે બિનજામીની ગુનો હોય તો પણ પોલીસ અને કોર્ટ તેમાં તાત્કાલિક જામીન આપી શકશે. મતલબ આરોપી નીચેના લેવલથી જ છુટી જશે. સુપ્રીમ કોર્ટ મુજબ 7 વર્ષથી નીચેની સજા હોય તો તેને નીચેના લેવલથી જામીન આપી શકાય છે. વધુમાં વધુ તમે વાંધો લઈ શકો, એટલે તેને રેકર્ડ ઉપર લેવાય."
પિયુષભાઈ આગળ કહે છે, "બીજું કે રેપ જેવા ગુનાઓમાં સામાન્ય રીતે 10 વર્ષની આજીવન કેદની સજા છે, નવા કાયદામાં પણ તે છે, પણ અહીં સ્થિતિ એવી પેદા થઈ શકે કે, કોઈ ભૂવો કોઈ મહિલા પર રેપ કરે તો તેને શું આ કાયદા હેઠળ 7 જ વર્ષની સજા થશે? એ જ રીતે કોઈ બાળકને ડામ દેવાથી, મારથી મોત થઈ જાય કે ખૂન થઈ જાય તો પણ 10 વર્ષની આજીવન કેદની સજા છે. પણ કાયદામાં જો આરોપી ભૂવો છે એટલું સાબિત થાય તો પણ તેને મહત્તમ 7 વર્ષની સજા થશે. મતલબ ગુનાની ગંભીરતા એક સરખી હોવા છતાં માત્ર ભુવો હોવાને કારણે તેને ત્રણ વર્ષ ઓછી સજા મળશે?"
આ પણ વાંચો: કાળી ચૌદશ 'અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર' કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા
પિયુષભાઈ વધુમાં જણાવે છે, "અન્ય એક ધ્યાન ખેંચે તેવી બાબત એ પણ છે કે, લેભાગુઓ વશીકરણ, તાંત્રિક વિદ્યાના નામે લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. પણ આ કાયદામાં માત્ર રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. એટલે એવું પણ બને કે ગુનેગાર તાંત્રિક કે ભુવાએ ફરિયાદી પાસેથી વશીકરણ કે વિદ્યા કરવાના બહાને 35 લાખ પડાવ્યા હોય અને તે કોર્ટમાં ગુનો કબૂલ કરીને 50 હજાર દંડ ભરીને છુટી પણ જાય. આવા કેસમાં આગોતરા જામીન ન મળવા જોઈએ."
એડવોકેટ પિયુષ જાદુગરના પોલીસ તંત્રના રોલને લઈને પણ કેટલાક સવાલો કરી રહ્યાં છે. તેમના, "મતે ઘણાં કેસોમાં તો તપાસ કરતા પોલીસ અધિકારીઓ જ આવા લોકોના શરણે ગયેલા હોય છે. નરેન્દ્ર દાભોલકરનો કિસ્સો આપણી સામે છે. જેમાં તેમનું ખૂન આરોપીઓ મળ્યાં નહીં ત્યારે પોલીસ તાંત્રિકો પાસે ગઈ હતી કે આરોપીઓ કોણ છે તેને લઈને કોઈ દિશા દર્શાવે. અનેક મોટા મંદિરો, મઠોમાં પોલીસ અધિકારીઓ માટે ચા-પાણી, નાસ્તો વગેરે બધું ફ્રી હોય છે. મોટા આસ્થા કેન્દ્રોમાં તો પોલીસની જમવાની પણ કાયમી વ્યવસ્થા હોય છે. એવામાં તેઓ ફરિયાદીને કેવી રીતે ન્યાય અપાવશે તે સવાલ છે. ઉત્તરપ્રદેશમાં તો આવા ગુનાના આરોપીઓની મિલકત તોડી પાડીને જમીન શ્રીસરકાર કરવામાં આવે છે. તો ગુજરાતમાં આ કાયદામાં કેમ તેવી કોઈ જોગવાઈ નથી?"
જોવાનું એ રહેશે કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જેમની જવાબદારી છે તેઓ આને કેવી રીતે લે છે. કેમ કે, છેવટે તો કાગળ પર કાયદો ગમે તેટલો સારો હોય પણ તેનો અમલ કરાવનાર નબળાં હોય તો પણ તેની બીક ઘટે છે. અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદામાં એટલું આશ્વાસન લઈ શકાય કે તેમાં 7 વર્ષની સજા છે. પણ સામે છટકબારીઓ પણ એટલી જ છે. જો સરકાર ખરેખર ઈચ્છતી હોય કે ગુજરાતમાંથી અંધશ્રદ્ઘા નિર્મૂલન થાય તો તેણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને નામે ભોળાં લોકોને ભરમાવી કમાણી કરતા તત્વોને પણ આ કાયદામાં આવરી લેવા જોઈએ.
આ પણ વાંચો: સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Bhalchandra D RathodGood job is being done by the Rationalists.
-
Bipin Makwanaઅમારે બૌદ્ધ ધર્મ અપનાવીને અમારી આવનારી પેઢીઓને વિશ્વનાં ૧૩૫ બૌદ્ધ રાષ્ટ્રો સાથે જોડવાની છે. જય ભીમ નમો બુદ્ધાય