ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ: સંઘ
RSS ના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં સંઘના સભ્ય રતન શારદાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળાં પ્રદર્શન માટેના કારણો જણાવ્યા છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ટિપ્પણી કરી છે. આ અંગે RSSએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીના આ પરિણામો બીજેપીના અતિઉત્સાહિત કાર્યકર્તાઓ અને નેતાઓનો રિયાલિટી ચેક છે, જે પોતાની દુનિયામાં મગ્ન હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. આ જ કારણોસર આ લોકો સુધી સામાન્ય માણસોનો અવાજ પહોંચી રહ્યો નહોતો. સંઘે પોતાના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ના તાજેતરના અંકમાં આ ટિપ્પણી કરી છે. સંઘના મુખપત્રના લેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ચૂંટણીમાં સહકાર માટે સ્વયંસેવકોનો સંપર્ક સુધ્ધાં કર્યો ન હતો. આ ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આવા અનુભવી સ્વયંસેવકોની પણ અવગણના કરવામાં આવી હતી, જેમણે સોશિયલ મીડિયાના આ યુગમાં પ્રસિદ્ધિની લાલસા વિના અથાક મહેનત કરી છે.
આરએસએસના સભ્ય રતન શારદાએ આ લેખમાં કહ્યું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામો અતિ ઉત્સાહી કાર્યકરો અને ભાજપના ઘણા નેતાઓ માટે રિયાલિટી ચેક જેવા આવ્યા છે. તેમને ખ્યાલ ન હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ૪૦૦ પાર કરવાનું સૂત્ર તેમના માટે લક્ષ્ય અને વિપક્ષ માટે પડકાર છે. આ ચૂંટણીમાં ભાજપને ૨૪૦ બેઠકો મળી છે, જે બહુમતીથી ઓછી છે પરંતુ એનડીએ ૨૯૩ બેઠકો સાથે બહુમતી મેળવવામાં સફળ રહ્યું છે.
કોંગ્રેસને ચૂંટણીમાં ૯૯ બેઠકો મળી હતી, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને ૨૩૪ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં જીતેલા બે અપક્ષોએ કોંગ્રેસને સમર્થન આપ્યું, જેના પછી ઈન્ડિયા બ્લોકની સંખ્યા વધીને ૨૩૬ થઈ ગઈ. શારદાએ લખ્યું કે ચૂંટણીમાં લક્ષ્યાંકો મેળવવા માટે ભારે મહેનત કરવી પડે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટર અથવા સેલ્ફી શેર કરીને નહીં. તેઓ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો જશ્ન મનાવતા પોતાની જ દુનિયામાં મગ્ન થઈ ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે સામાન્ય લોકોનો અવાજ સાંભળ્યો નહીં.
આરએસએસના મુખપત્રે ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન માટે બિનજરૂરી રાજકારણને એક કારણ ગણાવ્યું હતું. આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર બિનજરૂરી રાજકારણનું મુખ્ય ઉદાહરણ છે. અજિત પવારની આગેવાની હેઠળનું એનસીપી જૂથ ભાજપમાં જોડાયું. જ્યારે ભાજપ અને શિવસેના પાસે બહુમતી હતી. જ્યારે શરદ પવારનો પ્રભાવ બે-ત્રણ વર્ષમાં ખતમ થઈ ગયો હોત કારણ કે એનસીપી આંતરિક કલહથી ઝઝૂમી રહી હતી. મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નથી કારણ કે તે ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં માત્ર નવ બેઠકો જીતી શકી હતી. શિંદેના નેતૃત્વમાં શિવસેનાને સાત બેઠકો મળી હતી. જ્યારે અજિત પવારના નેતૃત્વમાં એનસીપીને માત્ર એક બેઠક મળી હતી.
આ પણ વાંચો: ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?