સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતી માટે દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી અપાશે
મગફળી સહિતના પાકોને બચાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. મહત્તમ વીજ માંગ ૧૨૧૫૭ મેગાવોટથી વધી ૨૪૨૦૫ મેગાવોટ થઈ.

ભૂપેન્દ્ર પટેલ સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રૂપને ૧૦ કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે તેમ ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રૂપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટેશન પદ્ધતિથી દરરોજ નિયમિત ૮ કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલી છે, અને તે રીતે નિર્ધારિત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ ૭૫% થી વધુ સપ્લાય દિવસ દરમિયાન અપાય છે. રાજ્યના આશરે ૨૦.૧૦ લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે ૧૬.૦૧ લાખ ગ્રાહકોને દિવસ દરમિયાન (એટલે કે સવારે ૫ કલાકે થી રાત્રે ૯ કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પડાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવા જરૂરી જણાય તેવા સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાક ને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ ૮ કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પૂરો પડાય છે.
હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હાટિના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રૂપને ૧૦ કલાક વીજળી આપવા અમલવારી કરવાની સૂચના ડિસ્કોમને આપી દેવાઈ છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.
ઊર્જા મંત્રી દેસાઈએ ઉમેર્યું કે, તા.૨૭.૦૮. ૨૦૨૪ના રોજ પીજીવીસીએલની મહત્તમ વીજ માંગ ૩૧૪૭ મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મિલિયન યુનિટસ હતો. જે હાલમાં તા. ૨૩.૦૯. ૨૦૨૪ના રોજ વધીને અનુક્રમે ૯૦૩૫ મેગાવોટ અને ૧૫૪ મિલિયન યુનિટસ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયો છે. એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ ૧૮૭ મેગાવોટ અને વીજ વપરાશ ૩ મિલિયન યુનિટસ હતો. જે હાલમાં તા. ૨૩.૦૯. ૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૫૮૨૦ મેગાવોટ અને ૫૫ મિલિયન યુનિટસ નોંધાયેલ છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે.
તા. ૨૭.૦૮.૨૦૨૪ ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ ૧૨૧૫૭ મેગાવોટ અને વીજ વપરાશ ૨૬૯ મિલિયન યુનિટસ હતો, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૨૪૨૦૫ મેગાવોટ અને ૪૯૩ મિલિયન યુનિટસ નોંધાયેલ છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે.
ઉભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એકમોમાંથી કેન્દ્રીય ક્ષેત્રના જનરેટિંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ ખેતીવાડી ક્ષેત્રે ૧૦ કલાક વીજળી પૂરી પડાય છે તેમ તેમણે ઉમેર્યુ છે.
આ પણ વાંચો: નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર ફાયરિંગ કર્યુંઃ 1 નું મોત, 2 ઘાયલ