પૂજારીએ કહ્યું લાડુમાંથી ગંધ આવે છે, સેમ્પલ લઈ FSL માં મોકલો...

તિરૂપતિ બાલાજી મંદિર બાદ હવે ડાકોર મંદિરમાં પ્રસાદમાં ભેળસેળનો વિવાદ થયો છે. આક્ષેપ મંદિરના સેવક પૂજારીએ કર્યો છે.

પૂજારીએ કહ્યું લાડુમાંથી ગંધ આવે છે, સેમ્પલ લઈ FSL માં મોકલો...
image credit - Google images

Dakor Mandir Prasad Laddu Controversy તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ હજી સમેટાયો નથી ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર ઠાલવી ભક્તોને અપાતીનો પ્રસાદીના લાડુની તપાસ કરવા માંગ કરી છે.

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરમાં ભક્તોને અપાતો પ્રસાદને લઈને મંદિરના એક સેવક પૂજારીએ નારાજગી દર્શાવી છે અને પ્રસાદની ટેસ્ટીગ તેમજ ચકાસણી કરવા માંગ કરી છે. મંદિરના સેવક આશિષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી તે જ રીતના ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી માંગણી છે. આ પોસ્ટ મૂકી કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કરવામા આવ્યો છે.

લાડુના પ્રસાદમાંથી જુદા પ્રકારની ગંધ આવે છે

મંદિરના પૂજારી આશિષ સેવકે જણાવ્યું કે, લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. અગાઉના વર્ષોમાં આ લાડુના પ્રસાદમાં જામખંભાળિયાનુ ઘી વાપરવાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અન્ય બ્રાન્ડેડ કંપનીનું ઘી વાપરવાં આવે છે. આ લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થવી જોઈએ એફ એસ એલમા સેમ્પલો લેવા જોઈએ, આ લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી રહેતો હતો પરંતુ હવે ત્રણથી ચાર જ દિવસમાં લાડુ પ્રસાદ સ્મેલ મારે છે. આશરે 22 દિવસ અગાઉ સેવક ટ્રસ્ટીની અમારી મીટીંગ હતી ત્યારે મે‌ મૌખિક રજૂઆત પણ કરી હતી. ગતરોજ મારા ફેસબુક પેજ પર પ્રસાદીના વિડિયો સાથેની પોસ્ટ મુકી છે. આ સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈ તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જેણે આક્ષેપ કર્યા છે તે પુરાવા સાથે આવી શકે ચેરમેને પડકાર ફેંક્યો

આ બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરેન્દુ ભગતે તમામ આક્ષેપો ફગાવતાં જણાવ્યું હતું કે, ડાકોરમાં આ એક જ પ્રસાદ આપવામાં આવે છે. ઘી પહેલાથી અમૂલનું જ વાપરવામાં આવે છે અને દરેક લોટ સાથે અમને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. આ પ્રસાદના લાડુની ગંધ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે, એવુ કંઈ નથી. જેમણે આક્ષેપ કર્યા છે તે પુરાવા સાથે આવી શકે છે. બીજી તરફ આ પ્રસાદીના લાડુની પ્રક્રિયા વિશે પુછતા તેમણે જણાવ્યું કે, ઘઉને આગલા દિવસે પાડવામાં આવે છે એ બાદ દળવામાં આવે છે અને એમા માત્ર ખાંડ, ઘી, ગોળ અને ઘી નું મિશ્રણ કરવામાં આવે છે.

હજી સુધી અમને કોઇ ફરિયાદ મળી નથી ટ્રસ્ટી

મંદિરના સેવક ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજે પણ આ સેવક પૂજારી દ્વારા પ્રસાદને લઈને જે આક્ષેપ લગાવ્યા હતા તે ફગાવ્યા છે અને જણાવ્યું હતું કે, ઘણા સેવકો, ભક્તો પ્રસાદ લઈ જાય છે. પણ કોઈની પ્રસાદ બગડી જવાની કે, સ્મેલ મારતી હોવાની ફરિયાદ આવી નથી.

આ પણ વાંચો: ગાય-ડુક્કર-માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.