આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો: અનામત મુદ્દે જીતનરામ માંઝી

એસસી, એસટી અનામતમાં ભાગલા પાડતા સુપ્રીમ કોર્ટના ચૂકાદાને લઈને બિહારી નેતા જીતનરામ માંઝીએ તમામ દલિત નેતાઓ કરતા વિરોધાભાસી સૂરો વ્યક્ત કર્યા છે.

આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો: અનામત મુદ્દે જીતનરામ માંઝી
image credit - Google images

એસસી, એસટી અનામતમાં ભાગલા પાડતા સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને જ્યાં એક બાજુ દેશભરમાં દલિત નેતાઓ એક થઈને આર યા પારની લડાઈ લડવા મક્કમ બન્યાં છે, ત્યાં બીજી તરફ કેટલાક એવા નેતાઓ પણ છે જે મોદી સરકારમાં ભાગીદાર હોવાથી સમગ્ર દલિત સમાજની ભાવનાથી વિરુદ્ધના સૂર કાઢી રહ્યાં છે. આવા જ એક નેતા એટલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, જેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે, એટલું જ નહીં તેમણે આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો તેવું આકરું નિવેદન આપ્યું છે.

એક તરફ એલજેપી (રામ વિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સરકારમાં મંત્રી હોવા છતાં સુપ્રીમ કોર્ટના અનામતમાં ભાગલા પાડતા નિર્ણયનો બેધડક વિરોધ કર્યો છે, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાન અવામી મોરચા(હમ)ના વડા જીતનરામ માંઝીએ આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીને સમગ્ર દલિત સમાજથી વિરોધના સૂર કાઢ્યાં છે. એકબાજુ ચિરાગ પાસવાને કહ્યું છે કે તેમની પાર્ટી આ નિર્ણય સામે રિવ્યૂ પિટિશન દાખલ કરશે, બીજી બાજુ માંઝીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે પાસવાન સહિતના દલિતો સાથે અન્ય જાતિઓની સરખામણી કરીને કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે, આ નિર્ણય ૧૦ વર્ષ પહેલા આવવો જોઈતો હતો.

માંઝી બિહારના ગયાથી સાંસદ છે. તેઓ હિન્દુસ્તાની અવામ મોરચા(સેક્યુલર)ના અધ્યક્ષ છે. તેમણે એલજેપી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાનને સ્વાર્થી ગણાવીને ઉલટાની તેમની ટીકા કરતા જણાવ્યું હતું કે, “જે વ્યક્તિએ પ્રગતિ કરી છે તેમણે અનામતમાંથી આગળ વધવું જોઈએ અને જે લોકો પાછળ રહી ગયા છે તેમના વિશે વિચારવું જોઈએ. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૧૦ વર્ષ પહેલા આવવો જોઈતો હતો.”

આ પણ વાંચો: છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર

માંઝીએ કહ્યું કે, “બાબાસાહેબના મતે, સાક્ષરતાનો દર જે તે સમાજની પ્રગતિને માપવાનો માપદંડ છે. એસસીનો સાક્ષરતા દર માત્ર ૩૦ ટકા છે અને આ ૩૦ ટકામાં પણ ઘણી જ્ઞાતિઓ છે. હું એ બાબતનો વિરોધ નથી કરતો કે, 30 ટકાથી ઉપરનાને અનામતનો લાભ મળતો રહે. પરંતુ જે લોકોનો સાક્ષરતા દર ૭-૮ ટકા છે તેમને તો આગળ વધવાની તક મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે સમાજ નીચે પડેલો છે, તેને આગળ લઈ જવાના પ્રયત્નો કરવા જોઈએ.”

દેશમાં દલિતો સાથે ભેદભાવ છે, તેમને મંદિરોમાં પૂજા કરવાની મંજૂરી નથી, લગ્નમાં તેમને ઘોડી પર બેસવાથી રોકવામાં આવે છે તેવા ચિરાગ પાસવાનના નિવેદન મુદ્દે જીતનરામ માંઝીએ કહ્યું કે, “આ વાતો સ્વાર્થી લોકો કરી રહ્યા છે. ભુઈયા, મુસહર, ડોમ, મેહતર જાતિના લોકોમાં કેટલાં આઇએએસ, આઇપીએસ, એન્જિનિયરો અને ચીફ એન્જિનિયર છે? આજે જે લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે તે ચાર જાતિઓના છે. તેનો મતલબ છે કે એસસીનો હક એ જ લોકોને મળતો રહે. આ જ લોકો ૭૬ વર્ષથી અનામતનો લાભ લઈ રહ્યા છે.”

વાસ્તવમાં જીતનરામ માંઝીની આ દલિત સમાજની જ ઘોર ખોદતી વિચારસરણીના મૂળ બિહારના રાજકારણમાં રહેલા છે. બિહારના રાજકીય નિષ્ણાતોના મતે, બિહાર સરકારે ગયા વર્ષે ૨ ઓક્ટોબરે જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર કર્યા હતા. એ મુજબ બિહારમાં પાસવાનની જાતિ દુસાધની વસ્તી ૫.૩૧ ટકા છે. જ્યારે માંઝીની મુસહર જાતિની વસ્તી ૩.૦૮ ટકા છે. અનુસૂચિત જાતિ માટે અનામત નોકરીઓમાં દુસાધ ઘણી આગળ છે. જ્યારે મુસહર આ મામલે પાછળ છે.

આ આંકડાઓના આધારે માંઝીને લાગે છે કે જો એસસી-એસટીમાં સબ-કેટેગરી બનાવવામાં આવે તો તેમના સમાજને ફાયદો થઈ શકે છે અને એ બહાને તેમનું રાજકારણ પણ ચાલતું રહે. એટલે તેઓ સમગ્ર દલિત સમાજનું હિત જોવાને બદલે માત્ર તેમની વોટબેંક સમાન પેટાજાતિઓને સારું લગાડવા આ નિવેદન કરી રહ્યાં છે. તેઓ ચિરાગ પાસવાનનો વિરોધ પણ એટલા માટે જ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Nikhil chauhan
    Nikhil chauhan
    જુનાગઢ માં મારે તમારા સમાચાર માં કામ પણ કરવું છે
    4 months ago
  • Jagruti
    Jagruti
    Reservation jaruri che,kaij badlayu nathi aje pn,sc st ni ej halat che j bhutkad ma hati
    4 months ago