સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં 'ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય'નું ઉદ્ધઘાટન અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ
image credit - c.j soya,ravi doriya

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં માન્યવર કાંશીરામની જન્મજયંતીના દિવસે 'ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય'નું ઉદ્ધઘાટન અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ દસ્તક ન્યૂઝના ચીફ એડિટર શંભુકુમાર સિંહ, સોશિયલ એક્ટિવિસ્ટ શક્તિદાસ નીમ, ડી.સી. સોલંકી અને બહુજન સમાજ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અશોક ચાવડા સહિતના મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : 80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?

વઢવાણનો ગણપતિ ફાટસર તરીકે ઓળખાતો વિસ્તાર ગઈકાલે ગણપતિ બાપ્પા મોરીયા નહીં પરંતુ જય ભીમના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આંબેડક એક્શન ગ્રુપ સુરેન્દ્રનગરના ઉત્સાહી બહુજન કાર્યકરો દ્વારા અહીં ડૉ. આંબેડકરની પંચધાતુની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ અને ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા

આ પુસ્તકાલય માટે જમીનનું દાન મનસુખભાઈ રાઠોડે કર્યું હતું અને બાબાસાહેબની પંચધાતુની પ્રતિમા બનાવડાવવા માટે ઘેર ઘેરથી તાંબુ, પિત્તળ, કાંસુ સહિતની ધાતુઓની ચીજવસ્તુઓ ઉઘરાવી પ્રતિમા તૈયાર કરાવવા માટે લખનઉ મોકલવામાં આવી હતી. આ પ્રતિમા અને લાઈબ્રેરીનો ખર્ચ આશરે 30 લાખ આસપાસ થવા જાય છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને તમામ પ્રકારના જરૂરી પુસ્તકો મળી રહેશે. આ સિવાય કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પુસ્તકો પણ મળી રહે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ ખર્ચ સુરેન્દ્રનગર અને તેની આસપાસના ગામોના સમગ્ર બહુજન સમાજના લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારની પહેલી લાઈબ્રેરી છે.

પુસ્તકો માટે રૂ. 2 લાખનું દાન આવ્યું

આ લાઈબ્રેરીમાં પુસ્તકો ખરીદવા માટે રૂ. 2 લાખ જેટલી રકમનું દાન આવ્યું હતું. મૂળ સુરેન્દ્રનગરના લીંબડીના વતની અને હાલ પરિવાર સાથે આયર્લેન્ડ વસતા નિકેશ જૈને આ પુસ્તકાલયમાં પુસ્તકો ખરીદવા માટે આ રકમનું દાન આપ્યું હતું. આ કાર્યક્રમ ખરા અર્થમાં બહુજન સમાજનો બની રહ્યો હતો, કેમ કે તેમાં ઓબીસી ભરવાડ સમાજના લોકોએ પણ સક્રીય રીતે ભાગ લીધો હતો. તો આદિવાસી નેતા રાજુ ટેલરે પણ ખાસ ઉપસ્થિત રહીને ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. પુસ્તકાલય માટે મનસુખભાઈ રાઠોડે જમીન દાનમાં આપી છે.

ગોદી ટીવી ચેનલો જોવાનું બંધ કરો, બહુજન મીડિયાને મજબૂત કરોઃ શંભુકુમાર સિંહ

આ કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ દિલ્હીથી આવેલા નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલના એડિટર શંભુકુમાર સિંહે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહ્યું હતું કે, બહુજન સમાજે ટીવી સીરિયલો જોવાનું બંધ કરી દેવું જોઈએ. સવર્ણ ગોદી મીડિયા આપણું સૌથી મોટું દુશ્મન છે. જ્યાં સુધી બહુજન સમાજનું પોતાનું મજબૂત મીડિયા નહીં હોય ત્યાં સુધી આપણો અવાજ કોઈ સાંભળવાનું નથી.

આપણી સમસ્યાને વાચા આપવા માટે જરૂરી છે કે બહુજન સમાજનું પોતાનું મીડિયા મજબૂત થાય અને તેના માટે જે પણ મદદની જરૂર પડે તે સમાજે કરવી જોઈએ. આપણા જેટલા પત્રકારો હશે તેટલો અવાજ બુલંદ થશે. આજે બહુજન પત્રકારત્વની સ્થિતિ સારી નથી, તેને સુધારવાની જવાબદારી આપણી સૌની છે. એટલે ગોદી મીડિયાની ટીવી ચેનલો જોવાનું બંધ કરી દો અને બહુજન મીડિયાને આગળ વધારો.

વિશેષ માહિતી:રવિ ડોરીયા,કુસુમબેન ડાભી

આ પણ વાંચો : માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.