80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?
khabarantar.com ના લોન્ચિંગ વખતે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સિનિયર પત્રકાર, લેખક-કવિ, નાટ્યકાર, અભિનેતા મેહુલ મંગુબહેને આપેલા ધારદાર વક્તવ્યના અંશો અહીં તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
નમસ્કાર
મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને અને મંચ પર નથી એ આપ સૌ મહાનુભાવોને પણ જયભીમ-જય સાવિત્રીબાઈ.
આપણે પણ બાકીનાં લોકોની જેમ ખાઈ-પીને જલસા કરવા હોય છે પણ નથી થઈ શકતા. કેમ? આપણે પણ ફૂલ-પતંગિયા, વાદળ-વરસાદ, ઝાકળ-મોતીની કવિતાઓ કરવી છે પણ નથી થઈ શકતી. કેમ? રવિવારે માંડ રજાનો એક દિવસ મળતો હોય છે ત્યારે આપણે આ શું ઉપાડો લઈને બેઠા છીએ અને શું કામ બેઠા છીએ એ વિષય પર મારે આજે તમારી સાથે વાત કરવાની છે. હું પેટછૂટી વાત કરનારો માણસ છું એટલે ગોળ ગોળ કોઈ વાત નહીં કરું. ભારતમાં ઈસવીસન 1780માં અખબારોની શરૂઆત થઈ. 1927માં રેડિયો આવ્યો. આજે 2023ની 15 ઑક્ટોબર છે. આજે ભારતમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ છે. 1000 જેટલી સેટેલાઇટ ચેનલો છે. 400થી વધારે ન્યૂઝ ચેનલો છે. દેશમાં 17 હજારથી વધારે અખબારો નીકળે છે અને 36,000થી વધારે અઠવાડિક મેગેઝિનો છે જેની લાખો નકલો વેચાય છે. આ સિવાય નાની-મોટી યુટ્યુબ ચેનલો, સોશિયલ મીડિયા વગેરે તો અલગ અને છતાં આજે નરેશભાઈ અને તેમની સાથે સંકળાયેલા આપણે સહુએ બહુજન મીડિયાની વાત કેમ કરવી પડે છે? આ વાતને મૂળથી સમજવી પડશે. તો ચાલો મૂળમાં જઈએ.
2023માં દલિતોની, આદિવાસીઓની, ગરીબ ખેડૂતો અને ખેતમજરોની, મુસલમાનોની, અગરિયાઓ અને ખાણિયાઓની, ભૂમિહીન મજૂરોની અને મહિલાઓની વાત મીડિયામાં કેમ નથી થઈ રહી એ સમજવા માટે હું તમને સહેજ ઇતિહાસમાં લઈ જઈશ. કાન દઈને સાંભળજો હવે હું જે બોલવાનો છું એ મારાં શબ્દો નથી અને એ કોનાં શબ્દો છે એ તમને હું બોલી રહું પછી પૂછીશ.
“ભારતમાં પત્રકારત્વ એક સમયે વ્યવસાય હતું જે આજે હવે એક ધંધો બની ગયું છે. એની નૈતિકતા સાબુ બનાવનાર જેટલી જ બચી છે. તે પોતાને પબ્લિક માટે એક જવાબદાર સલાહકાર તરીકે જોતું નથી. તે પોતે પોતાને કોઈ હેતુ વગર પક્ષપાતવિહિન સમાચાર આપનાર તરીકે જોતું નથી, તે લોકોનાં હિતમાં જાહેર નીતિઓ બાબતે ચોક્કસ દ્રષ્ટિકોણ રજૂ કરતું નથી, તે કોઈ પણ હેતુ વગર કેવળ સમાચાર નથી આપતું, તે નથી તો ખોટી વાત કરનાર-ખોટા રસ્તે ચાલનાર મોટાં માણસોની સાન ઠેકાણે લાવતું કે નથી સત્યને પુનસ્થાપિત કરતું. આ બધું કરવું તે પત્રકારત્વનું સૌપ્રથમ કર્તવ્ય છે પણ ભારતમાં એવું નથી. ભારતમાં તેને પત્રકારત્વ ગણવામાં આવતું નથી. કોઈને હીરો બનાવી દેવો અને પછી તેની ભક્તિ કર્યા કરવી એ ભારતીય પત્રકારત્વનો ધર્મ બની ગયો છે. આ કરવામાં એ સમાચારને બદલે સનસનાટી ફેલાવે છે, તાર્કિક મત રજૂ કરવાને બદલે અતાર્કિક ઉન્માદ ઊભો કરે છે, બેજવાબદાર લોકોની લાગણીઓને ઉશ્કેરે છે."
“ભારતમાં પત્રકારત્વ ઢોલકી વગાડનારા લોકો દ્વારા એમના હીરોનું મહિમામંડન કરવા માટે થાય છે. વ્યક્તિપૂજા માટે બેશરમીથી દેશનાં હિતોનું આવું બલિદાન ક્યારેય નથી અપાયું. વ્યક્તિપૂજા ભારતમાં આજે દેખાય છે એટલી આંધળી ક્યારેય ન હતી. મને એ કહેતાં સહેજ સારું લાગે છે આવી સ્થિતિમાં પત્રકારત્વમાં અમુક અપવાદો છે પણ તે ખૂબ ઓછાં છે અને તેમનો અવાજ ક્યારેય સાંભળવામાં નથી આવતો.”
કોનાં શબ્દો છે આ ખબર છે કોઈને? હા. ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના. અને આ ક્યારે બોલેલા? મને પ્રિય એવું “ગાંધી, રાનડે અને ઝીણા” પરનું એ પ્રખ્યાત ભાષણ ડૉ. આંબેડકરે 1943માં પુણેમાં આપ્યું હતું અને એમાં એમણે દેશનાં મીડિયાની હાલત વિશે આ વાત કરી હતી.
એ વખતે ખાલી અખબારો અને રેડિયો જ હતાં. ટીવી ન્યૂઝ ચેનલો હજી હમણાં 70-80માં આવી અને સ્માર્ટફોન્સની તો કોઈએ ક્લ્પના પણ કરી ન હતી. 1943થી 2023. 80 વર્ષનો લાંબો સમય. શું લાગે છે આ 80 વર્ષોમાં કંઈ ફરક પડ્યો છે મીડિયાની હાલતમાં? જવાબ છે ના. નથી ફરક પડ્યો અને એ વખતે જે હાલત હતી એનાથી બદતર હાલત અત્યારે મીડિયાની છે. મીડિયા અને રાજનીતિ વચ્ચે રણમાં વરસાદ જેવો સહેજ શરમનો છાંટો હતો એ પણ હવે રહ્યો નથી. ભારતનું મીડિયા મુઠ્ઠીભર લોકોનાં હાથમાં છે.
એ મુઠ્ઠીભર લોકો દેશની સમસ્યા શું છે એ આપણને જણાવે છે. એ મુઠ્ઠીભર લોકો દેશની નીતિ નક્કી કરે છે. એ મુઠ્ઠીભર લોકો દેશની રાજનીતિની દિશા નક્કી કરે છે. એ મુઠ્ઠીભર લોકો તમારા ઘર સુધી ઘૂસી ગચેલા છે અને રોજેરોજ તમારા મનમાં-મગજમાં ઝેરનું વાવેતર કરે છે. એ મુઠ્ઠીભર લોકો રોજ તમને તુચ્છ બાબતો પર ગર્વ લીધે રાખવાની ગોળીઓ પીવડાવે છે. એ મુઠ્ઠીભર લોકો જે વાત પર શરમ આવવી જોઈએ એ વાત પર અભિમાન કરવા માંડો એવું તમને શીખવાડે છે. એ મુઠ્ઠીભર લોકો તમે નાચ-ગાન-તહેવાર-તાયફામાંઓ વ્યસ્ત રહો એમ ઇચ્છે છે. એ મુઠ્ઠીભર લોકો તમને વ્યક્તિપૂજામાં વ્યસ્ત રાખે છે.
અહીં જે યુવાનો છે એમને વિનંતી કે ઘરે જઈને ગુગલને પૂછજો કે ભારતમાં મીડિયાનાં માલિકો કોણ કોણ પરિવાર છે. અહીં જે યુવાનો છે એમને બીજી એક વિનંતી છે કે ફક્ત 2 કલાકનો સમય કાઢો. તમારા ઘરે જે છાપું આવતું હોય એમાં દરેક પેજ પર જે પણ સમાચારો હોય એને વિષય પ્રમાણે વિભાજિત કરો. તમને મીડિયામાં તમારુ સ્થાન શું છે એ સમજાઈ જશે. કુલ પાનાં અને કુલ શબ્દોમાં વંચિતોનો અવાજ એક ટચૂકડી જાહેરખબરથી વિશેષ નથી.
મીડિયા પંખી બચાવો અભિયાન ચલાવશે પણ ગટરમાં મોત થાય છે એની સામે અભિયાન નહીં ચલાવે. મીડિયા દલિતની હત્યા થઈ જાય ત્યારે સમાચાર કવર કરશે પણ આ હત્યાઓ અટકતી કેમ નથી એની ચર્ચા નહીં કરે. મીડિયા અનામત અનામતની વાતો કરશે પણ ખરેખર દલિતો કે બહુજનોને અનામતનો કેટલો લાભ મળ્યો કે ના મળ્યો એની વાત નહીં કરે. ખાલી જગ્યા ભરાતી નથી અને આપણા જુવાનોની આખી જિંદગીની મહેનત બરબાદ થઈ જાય છે એની વાત નહીં કરે. માંડ મળેલી અનામતનો લાભ પણ વધારે દલિતો ના લઈ લે એ માટે કેવી કેવી નીતિઓ ઘડવામાં આવી છે એની વાત નહીં કરે. એક સામાન્ય ઉદાહરણ આપું. દલિતો-આદિવાસીઓમાં ભણતર વધ્યું અને બાળકો સાયન્સ ભણી 90-95 ટકા લાવવા માંડ્યાં અને મેડિકલ એન્જિનિયરિંગમાં જવા માંડ્યાં ત્યાં તો નીટ જેવી પરિક્ષા આવી ગઈ. એ મીડિયા તમને એ નહીં જણાવે કે આપણા જ દેશના તામિલનાડુ રાજ્યે નીટની વિરોધમાં શું કામ નીતિ ઘડી છે. આવી તો હજારો બાબત છે જેની કાં તો આપણને જાણ નથી થવા દેવામાં આવતી અથવા તો એની માત્ર અધકચરી માહિતી આપવામાં આવે છે. મીડિયાનું કામ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ઊભો કરવાનું, પૂર્વગ્રહો તોડવાનું, સત્ય રજૂ કરવાનું અને જનતાનો અવાજ બનવાનું છે પણ એવું થઈ નથી રહ્યું.
જાતિવ્યવસ્થા શું છે? મારી ટૂંકી વ્યાખ્યા કંઈક આવી છે. એક વર્ગ માટે જાતિવ્યવસ્થા એ જ્ઞાન, બળ, સંસાધનો અને તકોની ઈજારાશાહી છે અને જે વર્ગ એનો ભોગ બને છે એ વર્ગ માટે અલગ અલગ સ્તરે જાતિવ્યવસ્થા એ જ્ઞાન, બળ, સંસાધનો અને તકો ન મળવાથી ઊભી થતી લાચારી છે, હેરાનગતિ છે, અન્યાય છે.
અહીં જ્ઞાન એટલે કંઈ ઢોંગી આધ્યાત્મની અને તત્ત્વજ્ઞાનની વાત નથી કહી રહ્યો. જ્ઞાનનો પાયો માહિતી છે. માહિતીનો મોટો સ્રોત મીડિયા છે. મીડિયાની હાલત મેં તમને અગાઉ ડૉ. આંબેડકરને ટાંકીને જણાવી છે. આ કારણે બહુજન ન્યૂઝ પોર્ટલ અનિવાર્ય છે.
તમને બધાને ખબર છે આ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો યુગ છે. માહિતી ક્રાંતિનો પણ યુગ અને માહિતીઓ તોતિંગ શહેરોની જેમ વધી રહી છે. એકબીજા સાથે અથડાઈ રહી છે. આ સમયે બહુજનોને એના ભલા-બુરા વિશે વિચારીને સમાચાર આપે એવા ન્યૂઝ પોર્ટલની જરૂર છે.
સમાજમાં નફરત, ધાર્મિક વિતંડાવાદ વધી રહ્યો છે ત્યારે બહુજનોને વૈજ્ઞાનિક અભિગમ, દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ વિશે તાર્કિક દૃષ્ટિકોણ મળે એ માટે બહુજન મીડિયાની જરૂર છે.
80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયાની જે હાલત વર્ણવી હતી એમાં તસુભાર પણ ફરક પડ્યો નથી એટલે આ Khabarantar.comની નોબત આવી છે.
મારે એ પણ ખાસ કહેવું જોઈએ કે આ કામ નરેશભાઈએ શરૂ ભલે કર્યું હોય પણ એમના એકલાથી થશે નહીં. તમારે એમને સહયોગ આપવો પડશે. સહયોગ આપવાની ઘણી રીતો છે. તમે સામાગ્રીથી સહયોગ આપી શકો. આર્થિક સહયોગ આપી શકો. જાહેરાત આપી શકો.
નરેશભાઈ અને તેમની ટીમ આ સરસ કામ કરી રહ્યા છે ત્યારે મને હરખ થાય કે મારે એમને ચા પીવડાવવી જોઈએ. એટલે હું નરેશભાઈને સવાર-સાંજ બે ટાઈમની ચા આખું વરસ પીવડાવીશ એવી ખાતરી આપું છું. એ સિવાય પણ એમને જે પણ સહયોગ કરી શકાય તે કરીશ એવી પણ ખાતરી.
નરેશ અને તેમની સાથે જોડાયેલા સહુ કોઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
(Khabarantar.comના લોન્ચિંગ નિમિત્તે સિનિયર પત્રકાર મેહુલ મંગુબહેને દસેક મિનિટમાં આપેલું વકતવ્ય સામાન્ય સુધારાઓ સાથે. વકતવ્યમાં ડૉ. આંબેડકરનું ક્વૉટ ટૂંકાવીને સામાન્ય લોકોને સમજાય તે રીતે અંગ્રેજીમાંથી ભાવાનુવાદ કરેલું છે. એમાં ઍકેડેમિક સંદર્ભો જાળવી રાખેલા નથી તેની નોંધ લેશો.)