મોદી દેશ-વિદેશમાં ફરે છે, મણિપુર કેમ નથી જતા?

મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર નિશાન સાધ્યું છે.

મોદી દેશ-વિદેશમાં ફરે છે, મણિપુર કેમ નથી જતા?
image credit - Google images

મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. મણિપુરના જીરીબામમાં ગુમ થયેલા છ લોકોમાંથી ચારના મૃતદેહ મળી આવતા રાજ્યમાં તણાવ વધી ગયો છે. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓને લઈને કોંગ્રેસે ફરી એકવાર ભાજપને ઘેરી લીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન દેશ-વિદેશનો પ્રવાસ કરે છે પરંતુ મણિપુર જતા નથી. તેમણે કહ્યું કે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણિપુર જઈ શકે છે તો તમે કેમ નથી જઈ શકતા.

કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યું છે કે મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને રાજ્ય હિંસામાંથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે અને તેની વિભાજનકારી રાજનીતિ માટે આવું કરી રહી છે. ખડગેએ કહ્યું કે મણિપુરના લોકો તમને ક્યારેય માફ નહીં કરે કારણ કે તમે તેમને તેમના ભાગ્ય પર છોડી દીધા છે અને આ સમસ્યાના ઉકેલ માટે મણિપુર જવાનું ક્યારેય યોગ્ય નથી માન્યું.

ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. મણિપુરના જીરીબામમાં ગુમ થયેલા છ લોકોમાંથી ચારના મૃતદેહ મળી આવતા રાજ્યમાં તણાવ વધી ગયો છે. શનિવારે રાત્રે શહેરમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ ચર્ચમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.

જે લોકોના મૃતદેહ મળ્યા છે તે બધા મૈઈતૈઈ સમાજના હતા અને તેઓ આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા પછી પોલીસ દ્વારા બનાવવામાં આવેલા રાહત કેમ્પમાં રહેતા હતા. મણિપુરમાં કુકી અને મૈઈતૈઈ સમાજ વચ્ચે ગયા વર્ષથી હિંસા ચાલી રહી છે.

ગઈકાલે હિંસાની આગ પાટનગર ઇમ્ફાલ સુધી પહોંચી ગઈ હતી અને ટોળાંએ ઘણાં નેતાઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ટોળાંએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાને પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને જોતા ઈમ્ફાલના પૂર્વ અને પશ્ચિમ સહિત 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે આજે મણિપુરની સરકારમાં રહેલી નેશનલ પિપલ્સ પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. છેલ્લાં ઘણાં સમયથી અહીં ચાલી રહેલી હિંસાની ઘટનાઓ છતાં પીએમ મોદી એકવાર પણ મણિપુરની મુલાકાતે નથી ગયા. જેના કારણે તેઓ સતત વિપક્ષના નિશાન પર છે.

આ પણ વાંચો: મણિપુર હિંસાના પીડિતોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.