ભાજપ નેતાએ બી.એડ. કોલેજ હડપ કરી, હાઈકોર્ટેનો FIR નોંધવા આદેશ

બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી-ઠગાઇ મામલે એફઆઇઆર નોંધવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

ભાજપ નેતાએ બી.એડ. કોલેજ હડપ કરી, હાઈકોર્ટેનો FIR નોંધવા આદેશ
image credit - Google images

પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પાલનપુર હડપ કરવાના મામલે હાઇકોર્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતા સામે છેતરપિંડી અને ઠગાઇની એફઆઇઆર નોંધવા માટે આદેશ કર્યો છે. જે અંગે પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા ભાજપના મોટા નેતા ગણાતા અને અરવલ્લી જિલ્લા ભાજપના પ્રભારી ગિરીશ જેઠાભાઇ જગાણિયા સામે પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પચાવી પાડવા અંગે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પાલનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ડૉ. ભરતભાઈએ આરોપી ગિરીશ જગાણિયા સામે એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ગિરીશ જગાણિયાએ ડૉ. ભરત બાન્ટિયાને રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને બંધ પડેલી ઉમિયા બીએડ કોલેજ ચલાવવા માટે કુલમુખત્યારનામું કરી આપ્યું હતું. ત્યાર બાદ ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ બીએડ કોલેજને શરૂ કરવા માટે સમયાંતરે રૂ. ૬૦ લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. જેના કારણે ઉમિયા બીએડ કોલેજ સારી ચાલવા લાગી હતી.

ઉમિયા બીએડ કોલેજ સારી ચાલવા લાગતાં ગિરીશ જગાણિયાએ કોલેજનો વહીવટ પડાવી લેવા માટે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયા સાથે કરેલા કરારનો ભાગ કર્યો હતો. એટલું જ નહીં, ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ કોલેજ શરૂ કરવા માટે તેમજ અન્ય બાબતો માટે કરેલા ખર્ચ પેટેના રૂ. ૬૦ લાખની રકમ પરત આપી ન હતી. આમ કરીને ગિરીશ જગાણિયાએ ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયા સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

આ મામલે જે તે સમયે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પોલીસ ફરિયાદ કરવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સમયે પોલીસ દ્વારા ગિરીશ જગાણિયા સામે ફરિયાદ લેવામાં આવી ન હતી. જેના કારણે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ગિરીશ જગાણિયા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જેના અંતર્ગત પાલનપુર પોલીસ દ્વારા ભાજપના નેતા ગિરીશ જગાણિયા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાજપ નેતાએ OBC મહિલા સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.