નવી વહુને ક્યા કૂવામાંથી પાણી નથી ભરવાનું તે સમજાવવું પડે છે...
અમારા ઘરે નવી વહુ આવે ત્યારે અમે તેની સાથે જઈએ છીએ અને તેને કયા કૂવામાંથી પાણી નથી ભરવાનું તે પહેલા બતાવવું પડે છે.

The Story of Haryana Elections, whose well is its water : બાપોડા ગામમાં ઝાડના ઝુંડ વચ્ચે ત્રણ કૂવા છે - એક બ્રાહ્મણનો, બીજો દલિતોનો અને ત્રીજો મુસ્લિમોનો. સૌથી સ્વચ્છ, વ્યવસ્થિત કૂવો બ્રાહ્મણોનો છે. દલિતોનો કૂવો જર્જરિત છે, ઘણા સમયથી તેનું સમારકામ થયું નથી, પરંતુ તેનું પાણી સ્વચ્છ છે. મુસ્લિમોના કૂવાની હાલત સૌથી ખરાબ છે, પાણી અત્યંત ગંદુ છે.
આ કૂવા હરિયાણાના ભિવાની જિલ્લામાં આવેલા આ ગામની ત્રિકોણીય સમાજ વ્યવસ્થાની કહાની કહે છે. બ્રાહ્મણ કૂવામાં તેના સાળાની વહુ મુનેશ સાથે સ્ટીલના ઘડામાં પાણી ભરતી ઓમપતિએ કહ્યું, ‘અમે બામણ છીએ. આ અમારો કૂવો છે. અગાઉ, અમારી પાસે એક બીજો કૂવો હતો જે ઘણાં વર્ષો પહેલા બંધ થઈ ગયો હતો,'
ઓમપતિએ આવતા-જતા મુસ્લિમોના કૂવા જોયા છે પણ ગામમાં મુસ્લિમો ક્યાં રહે છે તેની તેને ખબર નથી. તેને અનુસૂચિત જાતિના લોકોની વસ્તી વિશે થોડો ખ્યાલ છે. તે હાથથી ઈશારો કરીને કહે છે, 'તે બાજુ હરિજનોની વસ્તી છે અને પેલો તેમનો કૂવો છે.'
શમા નામની મુસ્લિમ મહિલા કહે છે, 'અમે ભાગ્યે જ કૂવામાંથી પાણી લાવીએ છીએ કારણ કે તે હવે ગંદુ થઈ ગયું છે. 4-5 દિવસમાં એકવાર નળમાંથી પાણી આપવામાં આવે છે, પરંતુ આ પાણી પીવા માટે નથી. પીવા માટે થોડે દૂર આવેલા હેન્ડપંપ પરથી પાણી લાવવું પડે છે."
દલિત વસ્તીમાં તેમના ઘેટાં વચ્ચે ખુલ્લી ગટર પાસે ખાટલા પર બેઠેલા પતેશ અને કરણ સિંહ કહે છે, 'ઘણી જગ્યાએ નળની લાઇન તૂટી ગઈ છે, જેના કારણે પાણીમાં ગંદકી ભળે છે. તે ન્હાવા યોગ્ય છે, પણ ક્યારેક પીવું પણ પડે છે.'
આ પણ વાંચોઃ હરિયાણાના દલિત, ઓબીસી મતદારો કોની તરફ છે?
જો દલિતોના કૂવામાં પાણી ન હોય તો શું દલિતો બ્રાહ્મણોના કૂવામાંથી પાણી ભરી શકે? બંનેએ માથું હલાવ્યું. ‘અમે બ્રાહ્મણો અને ઠાકુરોના કૂવામાંથી પાણી ભરી શકતા નથી’ વાલ્મિકી સમાજના પતેશ અને કરણે જણાવ્યું કે ગામમાં રૈદાસ અને ધાનકના 300 જેટલા પરિવારો છે અને એટલી જ સંખ્યામાં વાલ્મિકીઓ પણ છે.
ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો કરનારા ગામના સરપંચ સુગ્રીવ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું માત્ર બ્રાહ્મણો જ કૂવામાંથી પાણી ભરી શકે છે, તો તેમણે કહ્યું કે, 'અલગ-અલગ કૂવા છે, બ્રાહ્મણોનો અલગ અને નીચલી જાતિઓનો અલગ. રાજ્યના અન્ય ભાગોમાં ઠાકુર અને ઓબીસીના કૂવા પણ છે પરંતુ તે ઉપયોગમાં નથી. ઓબીસી કૂવો જર્જરિત હાલતમાં છે, જ્યારે ઠાકુરોનો કૂવો પાણીથી ભરેલો છે પરંતુ ગંદકીથી ખદબદે છે.
ઠાકુરોના કૂવાની ખરાબ સ્થિતિનું કારણ તેમની સમૃદ્ધિ છે. તે પાણી માટે કૂવા પર નિર્ભર નથી કારણ કે તેણે ઘરમાં વોટર પ્યુરિફાયર લગાવ્યું છે. પરંતુ થોડા સમય પહેલા સુધી, ઠાકુરો પણ પાણીના આ જાતિગત વિતરણનો ભાગ હતા.
ઓબીસી જાતિના લોકો જેમ કે પ્રજાપતિ, ખાટી, લુહાર વગેરે બ્રાહ્મણોના કૂવામાંથી પાણી ભરી શકે છે, પરંતુ દલિતો અને મુસ્લિમોને તેની મંજૂરી નથી. ઓબીસી સમાજના સીતારામ પ્રજાપતિએ તેની પુષ્ટિ કરી.
તેમણે પોતાના ઘરમાં એક હેન્ડપંપ લગાવ્યો છે, જેનું પાણી નહાવા, વાસણ-કપડાં વગેરે ધોવા માટે વપરાય છે, જ્યારે પીવા માટે તે બ્રાહ્મણોના કૂવામાંથી પાણી લાવે છે. પતેશ અને કરણસિંહ કહે છે કે, 'અમારા ઘરે નવી વહુ આવે ત્યારે અમે તેની સાથે જઈએ છીએ અને તેને કયા કૂવામાંથી પાણી લેવું તે સમજાવીએ છીએ.'
વાલ્મિકી સમાજના 37 વર્ષીય યુવક અમિત બાગરીએ બાળપણમાં એક વખત અજાણતા બ્રાહ્મણના કૂવામાંથી પાણી પીધું હતું. બાગરી કહે છે, 'બ્રાહ્મણોએ તરત મને ઠપકો આપ્યો અને મારા પરિવારના સભ્યોને ફરિયાદ કરી, ત્યારબાદ મને તે કૂવાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી. ત્યારથી હું એ કૂવા તરફ ક્યારેય ગયો નથી.
બાપોડા રાજસ્થાનનું સરહદી ગામ છે, જ્યાં જળસંકટનો ઇતિહાસ છે. ગામના એકમાત્ર ગુર્જર પરિવારના વડા શિવ કુમાર, જે વ્યવસાયે શિક્ષક છે, તેઓ કહે છે, 'અહીં એક મોટી પાણીની ટાંકી છે, જે એક સમયે 68 ગામોને પાણી પહોંચાડતી હતી, આજે આ ગામમાં પાણીનો પુરવઠો ઉપલબ્ધ નથી.' ગામમાં અલગ અલગ જગ્યાએ હપ્તેથી વોટર પ્યુરીફાયર લગાવવાની જાહેરાતો અને માથે ઘડા લઈને પાણી ભરતી સ્ત્રીઓ નજરે ચડે છે.
આ પણ વાંચોઃ હરિયાણાની '36 બિરાદરી' શું છે, જેની વાત દરેક પક્ષ કરી રહ્યો છે?
આ સ્થિતિ જોઈને પ્રખ્યાત સાહિત્યકાર ઓમપ્રકાશ વાલ્મીકીની પંક્તિઓ મનમાં આવે છે: કુઆં ઠાકુર કા, પાની ઠાકુર કા, ખેત-ખલિહાન ઠાકુર કા, ગલી મુહલ્લે ઠાકુર કે, ફિર અપના ક્યા? - આ કવિતાનો દરેક શબ્દ તેના વાસ્તવિક રૂપમાં આ ગામમાં જોવા મળે છે.
બાપોડા ગામ જે તોશામ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે તે સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. તે ‘વીર સેનાની ગામ’ની ખ્યાતિ ધરાવે છે. અહીંથી મોટી સંખ્યામાં લોકો ભારતીય સેનામાં જોડાય છે. દેશના પૂર્વ આર્મી ચીફ અને બીજેપી સાંસદ મેજર જનરલ (આર) વીકે સિંહ આ ગામના રહેવાસી છે. કહેવાય છે કે આઝાદી પહેલા ગામના લોકો બ્રિટિશ આર્મીમાં જોડાતા હતા અને તે પહેલા મુઘલ આર્મીમાં પણ જોડાતા હતા.
આ સૈન્ય સંબંધિત ગામના સમૃદ્ધ ઇતિહાસની સાક્ષી આપવા માટે જનરલ વી.કે. સિંહ, જ્યારે તેઓ સાંસદ હતા, તેમણે તેના પ્રવેશદ્વાર પર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી T-55 ટાંકી સ્થાપિત કરી હતી. તેઓ ઈચ્છતા હશે કે મુલાકાતીઓ આ ટેન્ક જોઈને ગર્વ અનુભવશે, પરંતુ ગામના કૂવા એક શરમજનક ચિત્ર રજૂ કરે છે.
આ પણ વાંચોઃ વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...
બાપોડાની હવામાં જાતિનું કેટલું મહત્વ છે તે જનરલ વી.કે. સિંહની આત્મકથા 'કૉરેજ એન્ડ કન્વિક્શન' પરથી સમજી શકાય છે: 'તંવર (તોમર) કુળમાં જન્મ લેવાનો અર્થ એ છે કે તમે કાં તો 'સૈનિક' બનશો અથવા તો 'ખેડૂત'. મંત્રી વીકે સિંહે પણ લખ્યું હતું કે તેમની જાતિ ભારતની 36 'શાસક જાતિઓ'માંથી એક છે. આજે પણ બાપોડામાં દલિતો અને સવર્ણો વચ્ચે સંપૂર્ણ સામાજિક સમરસતા સ્થપાઈ નથી. લગ્ન અને અન્ય પ્રસંગો દરમિયાન એકબીજાના ઘરે ખાવા-પીવાનું ભૂલી જાવ, દલિતો કહેવાતા ઉચ્ચ જાતિના લોકોના ખાટલા પર પણ બેસી શકતા નથી.
20,000 થી વધુ વસ્તી ધરાવતા બાપોડા ગામમાં ઠાકુરો અને બ્રાહ્મણોનું વર્ચસ્વ છે. થોડી સંખ્યા પછાત વર્ગ અને દલિત સમાજની પણ છે. કેટલાક ઘર મુસ્લિમોના પણ છે. જાતિના વસવાટના આધારે ગામ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. રસ્તાની એક તરફ બ્રાહ્મણો રહે છે, આગળની પટ્ટી અને ગામની અંદરના મુખ્ય રસ્તા પર ઠાકુરો વસે છે. ઓબીસી, દલિતો અને મુસ્લિમો ગામની અંદરના ભાગના એક ખૂણામાં વસે છે.
બ્રાહ્મણોના વિસ્તારમાં પરશુરામની એક વિશાળ પ્રતિમા સ્થાપિત છે, જેના એક હાથમાં કુહાડી, બીજામાં ધનુષ્ય અને પીઠ પર તીરોથી ભરેલો ભાથો છે. ઠાકુરોએ તેમના વિસ્તારમાં એક પાર્ક પણ બનાવ્યો છે, જેની બહાર ઘોડા પર સવાર મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા છે. તેનું અનાવરણ કરવાનું બાકી છે.
ગામમાં ઓબીસી, દલિત અને મુસ્લિમોના ગૌરવ સાથે સંબંધિત કોઈ પ્રતીક દેખાતું નથી. આ પરિસ્થિતિ વચ્ચે આ ગામ આજે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યું છે.
(મૂળ લેખ ધ વાયરમાં પ્રકાશિતમાં થયો હતો, જેનો અહીં ગુજરાતી અનુવાદ રજૂ કરાયો છે.)
આ પણ વાંચોઃ દલિતો-મુસ્લિમોના સહારે કોંગ્રેસ વાપસીની તૈયારીઓ કરી રહી છે