હરિયાણાની '36 બિરાદરી' શું છે, જેની વાત દરેક પક્ષ-નેતા કરે છે?
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને દરેક નેતા અને પક્ષના મોંઢે આ 36 બિરાદરી શબ્દ સતત સંભળાય છે ત્યારે જાણો શું છે '36 બિરાદરી'.
haryana 36 biradari: હરિયાણામાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક જ વાક્યનું વારંવાર પુનરાવર્તન કરતા રહે છે કે તેઓ રાજ્યના તમામ "36 બિરાદરી"ના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા હોય, તેઓ એ વાત પર ભાર મૂકે છે કે કોંગ્રેસ "36 બિરાદરીની પાર્ટી" છે અને તેને બધાનું સમર્થન છે.
સામે ભાજપ પણ આવા જ દાવા કરે છે. તાજેતરમાં, ભાજપના રાષ્ટ્રીય સચિવ અને પાર્ટી મેનિફેસ્ટો કમિટીના વડા ઓમ પ્રકાશ ધનખડે કહ્યું હતું કે, "જો પાર્ટી ચૂંટણીમાં ફરી સત્તામાં આવે છે તો અમે '36 બિરાદરી'માંથી દરેકના હિતોનું ધ્યાન રાખવા માટે કલ્યાણ બોર્ડનું વચન આપ્યું છે." એ અલગ વાત છે કે એ જ ભાજપ જ્યારે મુસ્લિમ બહુમતીવાળા મેવાતમાં પ્રચાર કરે છે ત્યારે ત્યાં '36 બિરાદરી'ની વાત નથી કરતી. કારણ કે આ 36 બિરાદરીમાં હરિયાણાના મુસ્લિમો અને દલિતો પણ આવે છે.
બિરાદરીનો અર્થ શું છે?
એક મીડિયા રિપોર્ટ મુજબ, કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર એસ. કે. ચહલ કહે છે કે, "આ શબ્દ બરાદર પરથી આવ્યો છે, જે એક કુળ અથવા સમાન વંશવાળી જનજાતિના ભાઈચારા માટેનો એક ફારસી શબ્દ છે. અંગ્રેજી શબ્દ Brother આના પરથી આવ્યો છે.
ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને સામાજિક વિજ્ઞાન ફેકલ્ટીના ડીન પ્રોફેસર ચહલ કહે છે, “બિરાદરી શબ્દને કૌમ (રાષ્ટ્ર) અથવા જાટ (જાતિ) તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે છેલ્લા બે શબ્દોનો અર્થ અલગ-અલગ છે, ઉત્તર ભારતમાં ત્રણેય શબ્દો જાતિના પર્યાયરૂપે વપરાય છે.
આ પણ વાંચોઃ આરએસએસ કહે છે હિંદુ ધર્મમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ'માં શું છે?
ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં ઈતિહાસ ભણાવતા પ્રોફેસર એમ. રાજીવલોચન કહે છે કે 'બિરાદરી' વિસ્તૃત પરિવારની જેમ છે. હરિયાણા મહાભારતનો પ્રદેશ છે. એવી કલ્પના કરવામાં આવે છે કે મહાભારતના સમયથી 'બિરાદરી' જેવી રચના અસ્તિત્વમાં છે.
જો કે, છ વખતના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ નાણાપ્રધાન સંપત સિંહ કહે છે કે "36 બિરાદરી" માત્ર એક રૂઢિપ્રયોગ છે અને વાસ્તવમાં 36 થી વધુ જાતિઓ છે.
સંપતે કહ્યું, “2016 માં, મેં તમામ જાતિઓમાં ભાઈચારો મજબૂત કરવા હિસારમાં મારા ઘરે એક કાર્યક્રમ રાખ્યો હતો અને તેમાં લગભગ 85 જાતિના સભ્યોએ હાજરી આપી હતી. સિંહ કહે છે, '36 બિરાદરી'નો ભાઈચારો હરિયાણામાં ખૂબ જ સામાન્ય શબ્દ છે જેનો ઉપયોગ સમાજમાં સદભાવને પ્રોત્સાહન આપવા માટે થાય છે, જેમાં તમામ સમાજના લોકો સામેલ છે."
36 બિરાદરી શબ્દપ્રયોગમાં કેવી રીતે આવ્યો?
પ્રોફેસર ચહલના જણાવ્યા અનુસાર, અજમેર-મેરવાડ ગેઝેટિયર (1951)માં 36 નહીં પરંતુ 37 જાતિના અસ્તિત્વનો ઉલ્લેખ છે. તેઓ જણાવે છે કે "પ્રારંભિક મધ્યયુગીન ફારસી લખાણો અને પ્રવાસવર્ણનો ઉત્તર ભારતમાં 36 બિરાદરીઓ (કુળો અથવા સામ્રાજ્યો) ના અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. તેવી જ રીતે, રાજપુતાનાના પ્રખ્યાત ઇતિહાસકાર, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ ટોડ, 36 રાજવંશો અથવા સામ્રાજ્યોનો ઉલ્લેખ કરે છે.
પ્રોફેસર ચહલ કહે છે કે હરિયાણામાં બીજો એક શબ્દ જેના અંતમાં એક નંબર જોડાયેલ છે તે છે "ખાપ 84". જે 84 ગામોની ખાપ પંચાયતનો ઉલ્લેખ કરે છે, પરંતુ તમામ ખાપ 84 ગામોને નથી જોડતી.” તેમના મતે, "36 બિરાદરી" એ મુખ્ય સમાજોને સંદર્ભિત કરવા માટે વપરાતો શબ્દ છે તેનો અર્થ એ નથી કે ખરેખર 36 સમુદાયો છે.
36 બિરાદારીઓનું સામાજિક મહત્વ
ચૂંટણીની મોસમ દરમિયાન, જ્યારે પણ ઉમેદવાર ગામમાં પહોંચે છે, ત્યારે "36 બિરાદારીઓ" વતી અગ્રણી ગ્રામજનો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે. આ કેટેગરીની જાતિઓ અને સમાજોમાં બ્રાહ્મણો, વૈશ્ય, જાટ, ગુર્જર, રાજપૂત, પંજાબી (હિંદુ), સોની, સૈની, આહીર, રોર, કુંભાર અને મુસ્લિમોનો સમાવેશ થાય છે. લગભગ અડધી અનુસૂચિત જાતિઓ (SC)નો પણ તેમાં સમાવેશ થાય છે.
પ્રોફેસર ચહલના જણાવ્યા અનુસાર, '36 બિરાદરી'ની વિભાવનાનો પંજાબ (ભારત અને પાકિસ્તાન બંને), હરિયાણા અને રાજસ્થાનની સંસ્કૃતિઓમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેમણે કહ્યું- "સામાજિક રીતે, બિરાદરી વૈવાહિક સંબંધો બનાવવા, આંતર જ્ઞાતિય વિવાદોનું સમાધાન કરવા અને અન્ય સામાજિક સમસ્યાઓના ઉકેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે તેના લોકોને સામાજિક સુરક્ષા, ઓળખ અને ગૌરવની ભાવના પણ પ્રદાન કરે છે. તેથી, લોકોમાં તેમની બિરાદરી સાથે જોડાણ અને પોતિકાપણાંની ઊંડી ભાવના હોય છે."
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશ સરકારે એસસી-એસટીના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં