"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર

ઉનાકાંડના સક્રિય આંદોલનકારી કાંતિભાઈ વાળા છેલ્લાં 8 વરસથી જેલમાં છે. હાલમાં જ તેમણે જેલમાંથી એક પત્ર લખ્યો છે જેમાં આ ભીમયોદ્ધાની હિંમત તૂટી રહી હોય તેમ સ્પષ્ટ વર્તાય છે.

"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર
image credit - khabarantar.com

ઉનાકાંડના સક્રિય આંદોલનકારી અમરેલીના કાંતિભાઈ વાળા છેલ્લાં 8 વર્ષથી જેલમાં બંધ છે. આંદોલનકારી આ ભીમયોદ્ધાનો પરિવાર તેમની ગેરહાજરીમાં આર્થિક, સામાજિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેમની બંને દીકરીઓ તેમને યાદ કરીને સતત રડતી રહે છે. ભલભલાં કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે તેવી પીડા કાંતિભાઈ અને તેમનો પરિવાર છેલ્લાં 8 વરસથી ભોગવી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ કાંતિભાઈના પત્ની મક્કમ મનોબળ સાથે પરિવારને સંભાળી રહ્યાં છે. જો કે હવે જેલમાં બંધ કાંતિભાઈની હિંમત તૂટી રહી હોય તેમ સ્પષ્ટ જણાય છે. હાલમાં જ તેમણે જેલમાંથી એક હૃદયદ્રાવક પત્ર લખ્યો છે, જેમાં તેમની વ્યથા, મનોદશા અને પીડા સ્પષ્ટ વર્તાઈ આવે છે. કાંતિભાઈ અને તેમના પરિવારની આ મનોદશા સમગ્ર બહુજન સમાજ સામે પણ અનેક સવાલો પેદા કરે છે.


કાંતિભાઈએ જેલમાંથી તેમના મિત્ર ધીરૂભાઈ પિટોલીયાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે જેલવાસ દરમિયાન બહુજન સમાજ પાસેથી રાખેલી આશા ઠગારી નીવડી હોવાનું સ્પષ્ટ વર્તાઈ આવે છે. કાંતિભાઈને આશા હતી કે જેમના માટે તેમણે આ આંદોલનનો હિસ્સો બનવાનું નક્કી કર્યું હતું તે સમાજ કપરી પરિસ્થિતિમાં તેમની અને તેમના પરિવારની પડખે ઉભો રહેશે. પણ તેમની એ અપેક્ષાઓ પર બહુજન સમાજ ખરો ઉતર્યો હોય તેમ જણાતું નથી. ઉલટાનો તેમનો સમાજ પરથી ભરોસો ઉઠી રહ્યો હોય તેમ જણાય છે.

આ પણ વાંચોઃ અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ

કાંતિભાઈ વાળાએ પત્રમાં શું લખ્યું છે?
કાંતિભાઈએ જેલમાંથી લખેલા પત્રમાં તેમના મિત્ર ધીરૂભાઈ પીટોલીયાને સંબોધીને લખ્યું છે કે, “ધીરૂભાઈ, તમે જાણો છો કે, તા. 19-7-2016થી હું સમાજના હિતમાં સંઘર્ષ કરવા બાબતે છેલ્લાં 8 વર્ષથી જેલમાં છું. તમે તથા સમાજના સારા વ્યક્તિઓ મને જેલમાંથી મુક્ત કરાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યાં છો. પરંતુ વિધ્નસંતોષીઓના કારણે મારા જામીન થઈ શકતા નથી. હવે કેસ પૂરો થવા આવ્યો છે છતાં હું છેલ્લાં 8 વર્ષથી જેલ ભોગવી રહ્યો છું. હું નિર્દોષ છું તેમ છતાં સમાજના અમુક ગદ્દારોના કારણે મારે આ સજા ભોગવવી પડી રહી છે. મારી નજર સામે કાયદેસર મર્ડર કરેલા વ્યક્તિઓ છૂટી ગયા છે, પણ હું હજુ જેલમાં છું. હવે શું કરવું તે મને સમજાતું નથી. મારો કેસ તા. 5-7-2023ના રોજ જજમેન્ટ પર હતો પણ આ કેસના આરોપીના વકીલ નવચેતનભાઈ પરમાર દ્વારા ફરીવાર તપાસ અધિકારીને કોર્ટમાં જુબાની આપવા અને ઉલટતપાસ માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેના અનુસંધાને હાઈકોર્ટમાંથી સ્ટે આવી ગયો છે. જેને આજે 9 મહિના થઈ ગયા છે, તેમાં તારીખ ઉપર તારીખ પડે છે અને હું આ કેસના જજમેન્ટની રાહ જોઈને હેરાન થઈ ગયો છું. હું બાબાસાહેબ નથી કે આટલું બધું સહન કરી શકું. મારા પરિવારમાં કોઈ છે અને તેમની વેદના મારાથી હવે સહન નથી થતી. આ ટપાલ લખતા લખતા મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં છે, કારણ કે મારી બે દીકરીઓ મારી રાહ જોઈ રહી છે. હવે હદ થઈ છે. હું આર્થિક અને માનસિક બંને રીતે ભાંગી ગયો છું. મારી વેદના તમે જાણો જ છો. પણ હવે આ પત્ર લખીને તમને જણાવવાનું કારણ એ જ કે મારી સહનશક્તિની મર્યાદા આવી ગઈ છે. તમે મારા પરમમિત્ર અને આંબેડકરવાદી હોવાના નાતે તમને વિનંતી કરું છું કે મારા પરિવારને રૂબરૂ મળીને હિંમત આપજો. ભાઈ હવે અલવિદા. જય ભીમ, નમો બુદ્ધાય. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ભાનુભાઈ, અરવિંદભાઈ, મનસુખભાઈ અને આપણા બધાં મિત્રોને જય ભીમ.”

આ પણ વાંચોઃ પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે

બહુજન સમાજ માટે એના યોદ્ધાને મદદ કરવાની ઘડી આવી પહોંચી છે
બહુજન સમાજ માટે કામ કરતા અનેક આંદોલનકારીઓની વર્ષોથી એક કોમન ફરિયાદ રહી છે કે, અન્ય સમાજના લોકો જે રીતે તેના સમાજ માટે કામ કરતા સામાજિક કાર્યકરો, આંદોલનકારીઓને આર્થિક, સામાજિક, રાજકીય અને માનસિક મદદ કરે છે તેવી બહુજન સમાજ નથી કરતો. બહુજન આંદોલનકારીઓની આ ફરિયાદ આજકાલની નથી, બાબાસાહેબની પણ પહેલાના વર્ષોથી આ ચાલ્યું આવે છે અને તેમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. એક આંદોલનકારી 8-8 વર્ષથી જેલ ભોગવી રહ્યો છે, તેમની એક-એક સેકન્ડ, પરિવારની યાદમાં કેવી રીતે વિતતી હશે, તેની કોઈએ કલ્પના પણ કરી છે ખરી?  આપણે અત્યંત સ્વાર્થી બનતા જઈ રહ્યાં છીએ. કાંતિભાઈ જે કેસમાં જેલમાં છે તેમાંના મોટાભાગના આરોપીઓ છુટી ગયા છે, પણ કાંતિભાઈ વાળા આજેય જેલ ભોગવી રહ્યાં છે. આમાં કાંતિભાઈ અને તેમનો પરિવાર જે દુઃખ સહન કરી રહ્યાં છે, તેની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. એ તો જેના પર વીતે એને જ ખબર પડે. પણ આશા રાખીએ કે કાંતિભાઈનો આ પત્ર અહીં વાંચ્યાં પછી બહુજન સમાજના જાગૃત નાગરિકો સક્રિય થશે અને કાંતિભાઈની નિરાશામાં આશાનો સંચાર કરશે, તેમને અને તેમના પરિવારને રૂબરૂ મળીને હિંમત બંધાવશે અને તેમના પરિવારને તમામ પ્રકારની મદદ કરશે.

આ પણ વાંચોઃ દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો

કાંતિભાઈ જે કેસમાં જેલમાં છે તે શું હતો?
તારીખ 11/7/2016ના રોજ થયેલા ઉનાકાંડ બાદ રાજ્યભરના અનુસૂચિત જાતિના લોકોએ એ અમાનવીય અત્યાચાર વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન ચલાવ્યું હતું. આરોપીઓ સામે કડક કાનૂની પગલાં ભરવા અને તેમને ઝડપી લેવા માગણી કરવામાં આવી હતી. એ દરમ્યાન રાજ્યમાં ૩૨ લોકોએ ઝેર પીધું હતું જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. ગુજરાતભરમાં આ આંદોલન આગની જેમ પ્રસર્યું હતું. જેમાં અમરેલી ખાતે રેલી પૂરી થયા બાદ અફરાતફરીમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું આકસ્મિક મોત થયું હતું. આ મોતનો આરોપ અનુસૂચિત જાતિના લોકો પર નાખી દેવામાં આવ્યો હતો અને હત્યાના આરોપ હેઠળ ૩૯ લોકોને પકડી પોલીસે જેલમાં ધકેલી દીધા દતા. આ કેસમાં અન્ય લોકો જો કે એક પછી એક છુટી ગયા હતા પણ કાંતિભાઈ વાળા આજેય જેલવાસ ભોગવી રહ્યાં છે. આજકાલ કરતા જેલમાં તેમને 8 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. પણ હજુ સુધી કોઈ નીવેડો આવતો નથી. હવે તેમની ધીરજ ખૂટવા આવી છે. તેઓ કશું આડુંઅવળું વિચારે તે પહેલા બહુજન સમાજના જાગૃત નાગરિકો તેમને સાચવી લે, તેમના માટે એડીચોડીનું જોર લગાવે, બનતાં તમામ પ્રયત્નો કરીને તેમને બચાવી લે તે જરૂરી છે. કાંતિભાઈની પરિસ્થિતિએ બહુજન સમાજ પર વર્ષોથી લાગેલો ‘સ્વાર્થી’નો ડાઘ ધોવાનો મોકો આપ્યો છે અને બહુજન સમાજના જાગૃત નાગરિકોએ તેને એક સેકન્ડ પણ ગુમાવ્યા વિના ઝડપી લેવો રહ્યો. જો કાંતિભાઈ જેવા ભીમયોદ્ધા હિંમત હારી જશે તો બીજો કોઈ કાંતિભાઈ સમાજ માટે લડવા માટે ઉભો થતા પહેલા હજાર વાર વિચાર કરશે. કાંતિભાઈ વાળાના કેસમાં બહુજન સમાજ શું સ્ટેન્ડ લે છે તેના પર બહુજન આંદોલન અને આંદોલનકારીઓનું ભવિષ્ય આકાર પામશે.

આ પણ વાંચોઃ આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં

આ પણ વાંચોઃ રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો


કાંતિભાઈના પરિવારની શું સ્થિતિ છે?
ઉનાકાંડના મુખ્ય આંદોલનકારી ગણાતા કાંતિભાઈ વાળા 19 /7 /2016થી જેલમાં બંધ છે. જેને હાલ આઠમું વર્ષ ચાલુ થઈ ગયું છે. તેમની બે નાની દીકરીઓ પિતાને યાદ કરી-કરીને રડી રહી છે. નાની બાળાઓ પિતા વગર વલખા મારે છે અને થાકીને માતાના ખોળામાં માથું મૂકીને સુઈ જાય છે. તે કાયમ ‘પિતા ક્યારે આવશે?’ એ સવાલનું રટણ કર્યા કરે છે અને ચોધાર આંસુએ રડતી રહે છે. બંને દીકરીઓ પિતાનો પ્રેમ ગુમાવી ચૂકી છે. તેમના ઘરમાં પિતા કાંતિભાઈ સિવાય કમાનાર કોઈ જ નથી, જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ભારે કફોડી બની ગઈ છે. દીકરીઓ અને પરિવારની આ સ્થિતિ જોઈને જેલમાં રહેલા કાંતિભાઈની હિંમત પણ તૂટવા આવી છે. જે એક રીતે તો બહુજન સમાજ માટે કલંકરૂપ કહેવાય, કે તે પોતાના એક યોદ્ધાને સાચવી નથી શકતો. ચાલો આપણે સૌ સાથે મળીને કાંતિભાઈને સધિયારો આપીએ, તેમને એ અહેસાસ અપાવીએ કે આ જંગમાં તેઓ એકલા નથી. આજે અંધારું છે તો પ્રકાશ પણ રેલાશે. બસ તમે હિંમત ન હારશો. કાંતિભાઈ 8-8 વર્ષથી જરાય ભગતસિંહની અદાથી જેલવાસ વેઠી રહ્યાં છે. કોઈ તેમને મળવા જાય ત્યારે પણ તેમનો અવાજ બુલંદ જ હોય છે, ક્યારેય પણ તેઓ ઢીલી વાત કરતા નથી. કાંતિભાઈ સમાજનો આભાર માનતા થાકતા નથી, કારણ કે સમાજના કેટલાક આંબેડકરવાદીઓ તેમના પરિવારને આર્થિક સહકાર આપે છે જેના કારણે તેઓ ટકી રહ્યા છે. જો કે હવે તેમની હિંમત તૂટી રહી છે, ત્યારે સમાજ એક સેકન્ડની પણ વાર જોયા વિના તેમની વ્હારે આવે તે જરૂરી છે.

આ પણ વાંચોઃ એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

કાંતિભાઈના પત્નીનો વલોપાત ‘હવે તો મરવા સિવાય...’
કાંતિભાઈ વિના તેમનાં પત્ની કવિતાબેન અને બન્ને પુત્રીઓ સંકટમાં મુકાયેલાં છે. થોડા મહિના પહેલા Khabarantar.com સાથેની વાતચીતમાં કવિતાબેને જણાવ્યું હતું કે ‘હવે આ પરિસ્થિતિ સહન થતી નથી. મારા પતિનો કેસ સાતમા મહિનામાં પૂરો થઈ જાય તેમ હતો પણ હવે તેના પર સ્ટે આવી ગયો છે. આ કેસ ક્યારે પૂરો થશે અને મારા પતિ ક્યારે જેલમાંથી છૂટશે તેનું કંઈ નક્કી નથી. હું અને મારો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં છીએ. હવે તો મરવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી.’ એમ કહીને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. જોકે Khabarantar.com તરફથી એમને સાંત્વના આપી, આ વિકટ પરિસ્થિતનો હિંમતથી સામનો કરવા સમજાવવામાં આવ્યા અને સમાજના સંવેદનશીલ અને જાગૃત લોકો હરહંમેશ તેમની સાથે છે એમ જણાવી સધિયારો આપવામાં આવ્યો હતો.


કાન્તિભાઈ વાળાના પરિવારને આ રીતે મદદ કરી શકો
કાન્તિભાઈ વાળાનાં પત્ની હાલ ઘરે બેઠા કામ કરી ઘર ચલાવે છે. જોકે એનાથી તેમનું ગુજરાન ચાલી શકતું નથી તેથી તેમને આર્થિક મદદની અત્યંત જરૂર છે. આપ તેમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપ મદદ કરી શકો છો. તેમના બેન્ક એકાઉન્ટની વિગતો નીચે મુજબ છે.


KANTIBHAI MULJIBHAI VALA
A/C - No. 274710110001923
BANK OF INDIA-SAVARKUNDALA (GUJARAT)
IFSC CODE: BKID0002747

આગળ વાંચોઃ જે પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદ નડ્યો, ગિફ્ટ સિટીમાં જાતિવાદીઓએ ફ્લેટ ન ખરીદવા દીધો?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Ramesh vinzuda
    Ramesh vinzuda
    ઊના કાંડ પસી જે અમરેલી માં રેલી નીકળેલી તેમાં અમે અન્ય 6 વ્યક્તિ ઓ પણ સીએ જ્યારે અમે સોશિયલ મીડિયા વિડિયો કે પોસ્ટ મૂકીએ તો અમારી પોસ્ટ આગળ વધતી નથી જેથી અમને મદદ કરનાર સમાજ ના નિષ્ઠાવાન માણસ સુધી અમારી અવાજ નથી પહોસતો આનું ઉદા. ભાનુભાઇ એ તેમની સેનલ માં મુકેલ આ બાબત(કાંતિભાઈ વાળા)વિડીયો માં મે મારી વેદના વ્યક્ત કરતા તેમણે (ભાનુભાઇ એ)મારી કોમેન્ટ ને હટાવી દીધી.... અમારી સમાજ ને નમ્ર અપીલ કે અમારી વેદના સમજો નસમજો તો આગળ તો વધવા દો... અમે ક્યાં કોઈ પાસે પૈસા ની માગણી કરીએ સીયે પણ અમે આર્થિક કે માનસિક રીતે નબળા ના પડિયે કમસે કમ એટલી તો મદદ કરો..જો તમને ખરેખર સમાજને મદદ કરવા માગતા હોય તો બાબાસાહેબ ના વંશજ હોય તો તમારું યોગદાન સમાજને આગળ વધારવા માં આપજો નહિકે સમાજમાં મણીધર પેદા કરવામાં........જેથી આ મણીધર નું જહેર થી આખા સમાજ ને હેરાન કરશે...... એક જૂનો દુહો આને લગત આપની સમક્ષ મૂકું છું. કે માયા મોટી નાગણ એતો સોરુ પોતાના ખાય એમાંથી જે ઉસરે તે મોટો મણીધર થાય. મારી આ કૉમેન્ટ કોઈ વ્યકત્તી ના વિરોધ માટે નથી આ મારી પોતાની વેદના છે મારી સમાજ ને કરબધ્ધા અપીલ સે. કે આ કેસ ત્રણથી પાંચ તારીખ પડ્યા માં પૂરો થાય તેમ છે માટે કેશ પૂરો કરવા માં અમારી મદદ કરો સજા પડે તો અમે ભોગવવા તૈયાર સિએ. અને આમેય અમારી પાસે કય વધ્યું નથી. અમારા સગા વહાલા ઓરતા બોવ કરે કે તમે કોઈ સુભ પ્રસંગો માં આવતા થી પણ અમારે તેને કેમ સમજાવવા જૂના કપડાં પેરી ને તમારા પ્રસંગ માં અમારી બેયજતી થાય તેના કરતાં અમે અમારા જૂપડા માં રાજા બની ને રેવા દો.???????? બસ હવે કેસ પૂરો કરવો???????? આ કેસ માં અમે એક ભાઈ ને ગુમાવી બેઠ સીએ ફરી કોઈ ઓસુ થાય ત્યાં પેલા કેશ પૂરો કરો. હવે અમારો પાસે રેશનીગ ના અનાજ સિવાય કય ખાવાનું નથી. સરકારે અમારા ઉપર કેસ કર્યો.પસી સરકારે અમને વકીલ આપ્યા. સરકારે એમને ખાવા અનાજ આપ્યું. સમાજે અમને શું આપ્યું?????????
    3 months ago