શું ISKCON એક કટ્ટરપંથી સંગઠન છે? બાંગ્લાદેશ તો આવું જ કહે છે!
બાંગ્લાદેશમાં ઈસ્કોનના એક પૂજારી પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે અને જામીન પણ નથી મળી રહ્યાં. બાંગ્લાદેશ શા માટે ઈસ્કોનને એક કટ્ટરપંથી સંગઠન માને છે?

બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે વધી રહેલી હિંસા વચ્ચે બુધવારે ત્યાંની હાઈકોર્ટમાં International Society for Krishna Consciousness (ISKCON) પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં અશાંતિને રોકવા માટે ચટગાવ અને રંગપુરમાં કટોકટી લાદવાની પણ માંગ કરવામાં આવી હતી. અરજીમાં ઈસ્કોનને કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું છે. બાંગ્લાદેશ સરકારે પણ હાઈકોર્ટમાં આ જ વાત કહી છે.
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ, હાઈકોર્ટ એ જાણવા માગે છે કે બાંગ્લાદેશ સરકારે ઈસ્કોનની તાજેતરની પ્રવૃત્તિઓ અંગે શું પગલાં લીધાં છે. કોર્ટે એટર્ની જનરલ એમડી અસદુઝમાનને કહ્યું કે તેઓ આજે (ગુરુવાર 28 નવેમ્બર) સુધીમાં કોર્ટને સરકારની કાર્યવાહી વિશે જણાવે.
બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને ઇસ્કોન પરના બે અખબારોના અહેવાલોને બેંચ સમક્ષ મૂક્યા બાદ જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની હાઇકોર્ટ બેન્ચે આ આદેશ આપ્યો હતો.
બાંગ્લાદેશ હાઈકોર્ટે દેશમાં ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા સરકારને પરિસ્થિતિનો સામનો કરવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. બાંગ્લાદેશમાં તાજેતરની અશાંતિની શરૂઆત 25 નવેમ્બરના રોજ ઢાકા એરપોર્ટ પર અગ્રણી હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ (chinmay krishna das prabhu) ની ધરપકડથી થઈ હતી. ધાર્મિક લઘુમતીઓના અધિકારો અને રક્ષણની તરફેણ કરવા માટે જાણીતા ચિન્યમ કૃષ્ણ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને જામીન નકારવામાં આવ્યા હતા. તેમની ધરપકડ પછી, સમગ્ર બાંગ્લાદેશમાં વિરોધ ફાટી નીકળ્યો અને હિંદુઓએ તેમની મુક્તિની માંગ શરૂ કરી. ચિત્તાગોંગ કોર્ટની બહાર પ્રદર્શન હિંસક બન્યું, જેના પરિણામે ટોળાના હાથે વકીલનું મૃત્યુ થયું. સંબંધિત અથડામણમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઇસ્કોને સમગ્ર દુનિયા પાસે સમર્થન માંગ્યું
ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, ઇસ્કોને ધરપકડની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમાજને દરમિયાનગીરી કરવા વિનંતી કરી. ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું- “સંયુક્ત રાષ્ટ્રોએ બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા માટે પગલાં લેવા જોઈએ.
ભારતે ચિંતા વ્યક્ત કરી
વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં "ઊંડી ચિંતા" વ્યક્ત કરી. વિદેશ મંત્રાલયે કહ્યું- “આ ઘટના બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર અનેક હુમલાઓ બાદ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લઘુમતીઓના ઘરો અને વેપાર સંસ્થાઓમાં આગ અને લૂંટફાટ તેમજ ચોરી, તોડફોડ અને દેવી-દેવતાઓના મંદિરોને અપવિત્ર કરવાના અનેક મામલા સામે આવ્યા છે. તેમણે હિંદુઓ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પરના હુમલાની પણ નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયે લખ્યું, "અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે હિંદુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરે, જેમાં શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર પણ સામેલ છે."
અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરોઃ બાંગ્લાદેશ
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતના જવાબની ટીકા કરતા કહ્યું કે આ મુદ્દો બાંગ્લાદેશનો "આંતરિક મામલો" છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અત્યંત નિરાશા અને ઊંડા દુઃખ સાથે બાંગ્લાદેશ સરકાર નોંધે છે કે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનું અમુક લોકો દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે કારણ કે ચિન્મય કૃષ્ણ દાસની ચોક્કસ આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે."
બાંગ્લાદેશે એમ પણ કહ્યું કે ભારતનું નિવેદન તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે અને પડોશી દેશો વચ્ચે મિત્રતા અને સમજણની ભાવનાનું ખંડન કરે છે. બાંગ્લાદેશના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું નિવેદન તમામ ધર્મના લોકો વચ્ચે ઉપસ્થિત સદ્ભાવ અને આ સંબંધમાં સરકાર અને લોકોની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોને પ્રતિબિંબિત નથી કરતું.
મૂળ સવાલ એ છે કે, ભારતમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ શું છે? સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતીઓમાં છે તેની ચિંતા કરે છે, પણ ખુદ ભારતમાં લઘુમતી સમાજના ઘરો તોડી પાડે છે. તેમની સામે અત્યાચારની સેંકડો ઘટનાઓ બને છે તેમાં ન્યાય નથી મળતો તેના વિશે કેમ કશું બોલતી નથી. એવું નથી લાગતું કે આપણે પહેલા પોતાનું મોં ચહેરામાં જોવાની જરૂર છે?
આ પણ વાંચો: ભારતની ચૂંટણી પર વિદેશી મીડિયા શું કહે છે?