મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં બમણો માર

ચોતરફ મોંઘવારીથી ઘેરાયેલા સામાન્ય માણસ માટે માઠા સમાચાર એ છે કે, ગત મહિના મોંઘવારીએ છેલ્લાં 15 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં બમણો માર
image credit - Google images

જથ્થાબંધ બજારની કિંમતો પર આધારિત મોંઘવારીના નવા આંકડા સામે આવી ગયાં છે. એ મુજબ એપ્રિલની સરખામણીએ મે મહિનામાં મોંઘવારી બમણાંથી વધારે ઉપર ગઈ છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જોતા મોંઘવારી છેલ્લાં 15 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. જથ્થાબંધ મોંઘવારીની આ અસર આગામી સમયમાં દેશના માર્કેટ પર અને ત્યાંથી સામાન્ય માણસની કેડ પર આવીને પડશે તે નક્કી છે. જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું પગલાં લે છે.

મે મહિનામાં દેશમાં જથ્થાબંધ મોંઘવારીનો દર ૨.૬૧ ટકા રહ્યો છે. જે એપ્રિલ 2024ના ૧.૨૬ ટકાથી લગભગ બમણાથી વધુ છે. જ્યારે ગત વર્ષે મે મહિનામાં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી પણ ઓછો એટલે કે નેગેટિવ હતો. એ વખતે મોંઘવારી દર -૩.૬૧% રહ્યો હતો.

આંકડાઓ પર નજર કરતા ખ્યાલ આવે છે કે, સામાન્ય માણસના ખિસ્સા પર સૌથી વધુ મોંઘવારીનો માર શાકભાજીની કિંમતોએ નાખ્યો છે. બટાકા અને ડુંગળી સહિત અન્ય શાકભાજીઓની જથ્થાબંધ કિંમતમાં વધારો જોવા મળ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં ૩૨.૪૨% રહ્યો છે. એપ્રિલમાં આ આંકડો ૨૩.૬૦ ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર મે માં ૫૮.૦૫ ટકા અને બટાકાનો મોંઘવારી દર ૬૪.૦૫ ટકા રહ્યો છે.

આ પણ વાંચો: ધનવાનો શોષણને પોતાનો ઈશ્વરદત્ત અધિકાર સમજે છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગઈકાલે ડબ્લ્યૂપીઆઈ ઈન્ફ્લેશનના આંકડાઓ જારી કર્યાં હતા. જેમાં ફૂડ ઈન્ફલેશનના આંકડા પણ સામે આવ્યા છે. એ મુજબ મે મહિનામાં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર ૯.૮૨ % રહ્યો છે, જે એપ્રિલ મહિનામાં ૭.૭૪ ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળની કિંમતોમાં જોવામાં આવી છે. દાળનો મોંઘવારી દર મે મહિનામાં ૨૧.૯૫ ટકા રહ્યો છે.

મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વીજળીએ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરી છે. મે મહિનામાં ઈંધણ અને વીજ સેક્ટરનો મોંઘવારી દર ૧.૩૫% રહ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્‌સની કેટેગરીમાં મોંઘવારી દર ૦.૭૮ ટકા રહ્યો છે.

આ પણ વાંચો: નોટબંધી 2.0 - ફરી માર અસંગઠિત ક્ષેત્રના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ પર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.