ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો મુદ્દે મંત્રી ભાનુબહેનને અરજી કરાઈ
અમદાવાદના રાણીપ સ્થિત ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના અનેક કામો છેલ્લાં 17 વર્ષથી બાકી છે. ત્યારે આ મામલે મંત્રી ભાનુબહેન બાબરિયાને આવેદનપત્ર અપાયું છે.
અમદાવાદના રાણીપમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનમાં છેલ્લાં 17 વર્ષથી અનેક કામો અધૂરાં છોડી દેવાયેલી હાલતમાં પડ્યાં છે. આ મામલે બહુજન સમાજના જાગૃત નાગરિકોએ ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન લડત સમિતિની રચના કરીને અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો આપ્યા છે. તેમ છતાં સરકાર તરફથી આ મામલે કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે આ મામલે હવે લડત સમિતિ દ્વારા ગાંધીનગર જઈને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી હતી.
ડૉ. આંબેડકર ફાઉન્ડેશન લડત સમિતિના મુખ્ય કન્વીનર બાલકૃષ્ણ આનંદે ખબરઅંતર.કોમ સાથે વિસ્તારથી આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, રાણીપમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ વર્ષ 2007ની 14મી એપ્રિલે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફાઉન્ડેશનની અંદર અનેક કામો છેલ્લાં 17 વર્ષથી બાકી છે. જેના કારણે આ વિસ્તારના નાગરિકો તેના લાભથી વંચિત રહી જાય છે. અહીં બહુજન સમાજની 17 જેટલી સોસાયટીઓ આવેલી છે અને તેમના માટે આ ફાઉન્ડેશનમાં અનેક સુવિધાઓ વિકસાવવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તેમ છતાં કામો અધૂરાં છોડી દેવાયા છે. જેને લઈને તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી સાથે ડૉ. આંબેડકર વિચાર મંચ અને લડત સમિતિનું એક પ્રતિનિધિ મંડળ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાને મળી બાકી કામો તાત્કાલિક પૂર્ણ થાય અને ઓડિટોરિયમ સત્વરે બને તેની માંગણીનું આવેદનપત્ર આપેલ હતું."
આ પણ વાંચો: દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ
પ્રતિનિધિ મંડળમાં ડૉ.આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન લડત સમિતિના મુખ્ય કન્વીનર બાલકૃષ્ણ આનંદ અને ડૉ. આંબેડકર વિચાર મંચ રાણીપના કન્વીનરો જે. સી. પરમાર, મિલિંદ પ્રિયદર્શી સાથે રાણીપના જાગૃત નાગરિકો નારણભાઈ સોલંકી અને અંબાલાલ સોલંકી પણ જોડાયા હતાં.
આ બાકી કામો પૂર્ણ કરાવવામાં મંત્રીશ્રી અંગત રસ લઈ રહ્યાં હોઈ સત્વરે કામો પૂર્ણ કરાવવાની તેમણે ખાત્રી આપેલ હતી. કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ પણ બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરાવવા અંગેનો ભલામણ પત્ર મંત્રીશ્રીને સુપ્રત કરેલ હતો.
મામલો શું છે?
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલું ડૉ. આંબેડકર ફાઉન્ડેશન બહુજન સમાજ માટે અનેક રીતે મહત્વનું છે. તેનું ઉદ્ઘાટન વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. એ વખતે અહીં રૂ. 5 કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ફોટો-મલ્ટિમીડિયા ગેલેરી, ચલચિત્ર અને મ્યૂઝિક વિભાગ, ઈ-લાઈબ્રેરી, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ઍરકન્ડિશનર ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ અને આધુનિક ઓપન ઍર થિયેટર તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વાતને આજકાલ કરતા 17 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા આ કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી. આ મામલે અનેક વાર રજૂઆતો કરી છે છતાં કામોમાં કોઈ પ્રગતિ ન જણાતા આખરે બહુજન સમાજના આગેવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને અધૂરાં કાર્યો પૂર્ણ કરાવવા માટે લડત છેડી છે.
આ પણ વાંચો: અમદાવાદના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીને આવેદન પત્ર અપાશે