કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
83 વર્ષના દિગ્ગજ દલિત નેતાની ચાલુ સભામાં તબિયત લથડી. છતાં કહ્યું- મોદીને સત્તામાં હટાવ્યા વિના મરવાનો નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કઠુઆમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમની તબિયત લથડી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે તે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા છે એ દરમિયાન અચાનક બોલતા બોલતા અટકી જાય છે. તેમની તબિયત લથડી હોવાનું જાણતા જ આસપાસના લોકો ટોળે વળી જાય છે અને તેમને પાણી પીવડાવે છે.
જમ્મુ કશ્મીરના કઠુઆમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે આ ઘટના ઘટી હતી. જો કે સ્વસ્થ થયા બાદ તેમણે કહ્યું હતું કે, અમે કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું ૮૩ વર્ષનો છું પણ હજુ આટલી જલદી મરવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવતો રહીશ.
કઠુઆમાં ભાષણ આપતી વખતે ખડગેની તબિયત અચાનક લથડી હતી. મંચ પર હાજર કોંગ્રેસના નેતાઓએ તરત જ તેમની મદદ કરી હતી. થોડીવાર પછી તેમણે બેસીને ભાષણ આપ્યું, પરંતુ ફરીથી વચ્ચે જ અટકી ગયા. બાદમાં તેઓ ઉભા થયા અને ૨ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડી રહી છે.
જતી વખતે તેમણે ફરીથી બધાંને સંબોધતા કહ્યું કે તેઓ ૮૩ વર્ષના છે અને હજુ મરવાના નથી. જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી મરીશ નહીં. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ ચૂંટણીઓ થઈ રહી છે. કાશ્મીરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત રાહુલ ગાંધીએ પણ સભા સંબોધી હતી. હાલ ખડગેની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?