Gurmeet Ram Rahim ને દિલ્હીની ચૂંટણી પહેલા 30 દિવસના પેરોલ મળ્યાં

બળાત્કારી Gurmeet Ram Rahim ને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કરાયો. જેલમાંથી બહાર આવતા જ સિરસા જવાની મંજૂરી મળી. દિલ્હી ચૂંટણી સાથે કનેક્શન હોવાની આશંકા.

Gurmeet Ram Rahim ને દિલ્હીની ચૂંટણી પહેલા 30 દિવસના પેરોલ મળ્યાં
image credit - Google images

Gurmeet Ram Rahim ને ફરી એકવાર પેરોલ મળી ગયા છે. બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને વહીવટી તંત્રે બરાબર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા પેરોલ આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે મંગળવારે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો અને આ વખતે તે સિરસા સ્થિત કેમ્પમાં રહેશે. આ પહેલીવાર છે જ્યારે તેને સિરસામાં તેના કેમ્પમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉના પેરોલ અથવા ફર્લો દરમિયાન તેને ફક્ત ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત આશ્રમમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.

જેલમાંથી બહાર આવતી વખતે કડક સુરક્ષા વ્યવસ્થા 

ગુરમીત રામ રહીમને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પહેલી વાર છે જ્યારે તેમને સિરસાના ડેરામાં જવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ, રામ રહીમને તેમના આશ્રમની બહાર અન્ય કોઈ જગ્યાએ જવાની મંજૂરી નહોતી.

Gurmeet Ram Rahim નો યુટ્યુબ પર સંદેશ

પેરોલ પર મુક્ત થયા બાદ ગુરમીત રામ રહીમે (Gurmeet Ram Rahim) તેની યુટ્યુબ ચેનલ પર એક સંદેશ જાહેર કર્યો. આમાં તેણે પોતાના અનુયાયીઓને સિરસા ન આવવા અને ડેરાના સેવકો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. રામ રહીમે પોતાના અનુયાયીઓને જણાવ્યું કે આ વખતે તે સિરસા સ્થિત આશ્રમમાં રહેશે અને કોઈને મળવા જશે નહીં.

ચૂંટણી વખતે જ મળતા પેરોલને લઈને વિવાદ

Gurmeet Ram Rahim ની આ છેલ્લાં 12 મહિનામાં ચોથી પેરોલ છે. 2017 માં તેને દોષિત ઠેરવવામાં આવ્યા પછી આ તેની કુલ 16મી મુક્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને મળતા પેરોલમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળી રહી છે અને તે મુજબ જ્યારે પણ ઉત્તર ભારતના કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે તેને પેરોલ પર છોડવામાં આવે છે. પછી ભલે તે મ્યુનિસિપલ ચૂંટણી હોય કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી. રામ રહીમને ચૂંટણી દરમિયાન પેરોલ આપવાની જાણે એક પરંપરા બની ગઈ છે.

રામ રહીમનો વિવાદાસ્પદ ઇતિહાસ અને જેલમાંથી મુક્તિ

Gurmeet Ram Rahim ને 2017 માં તેની બે મહિલા અનુયાયીઓ પર બળાત્કારના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે, મે મહિનામાં, હરિયાણા હાઈકોર્ટે તેને અને અન્ય ચાર દોષિતોને 2002માં ડેરા સચ્ચા સૌદાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. રામ રહીમની મુક્તિ અને પેરોલના કેસ ઘણીવાર વિવાદાસ્પદ રહ્યાં છે, ખાસ કરીને ચૂંટણી દરમિયાન તેને મળતા પેરોલને લઈ અનેક સવાલો ઉઠતા રહ્યાં છે. આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા તેને પેરોલ મળ્યાં છે.

Gurmeet Ram Rahim ના પેરોલ પર વિવાદ અને રાજકીય અસર

રામ રહીમ (Gurmeet Ram Rahim)નો હરિયાણા અને પંજાબમાં મોટો રાજકીય પ્રભાવ છે. તેના પેરોલ અને ફર્લોના મામલાઓ અંગે ઘણીવાર પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને જ્યારે તે ચૂંટણી સમયે બને છે. ખાસ કરીને ભાજપને મદદ કરવા માટે તેને ચૂંટણીમાં પેરોલ આપવામાં આવતા હોવાની ચર્ચા થતી રહે છે. આ વવખતે Gurmeet Ram Rahimને દિલ્હી વિધાનસભા ચૂંટણીના આઠ દિવસ પહેલા મુક્ત કરવામાં આવ્યો છે. અગાઉ, તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા 20 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં લોકસભા ચૂંટણી પહેલા તેમને ૫૦ દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ ૧૩ ઓગસ્ટે તેને ૨૧ દિવસ માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હરિયાણા પંચાયત ચૂંટણી પહેલા જુલાઈ 2023માં તેને 30 દિવસના પેરોલ મળ્યા હતા. 2020 પછી આ 12મી વખત છે જ્યારે તેને જેલમાંથી કામચલાઉ ધોરણે જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: યુપીના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા ૧૨૦થી વધુના મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.