સફાઈ કામદારોને ગટરમાં ઉતારનારા તત્વો સામે ફોજદારી કાર્યવાહી થશે

સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ સફાઈકર્મીઓને ગટરમાં ઉતરીને સફાઈ કરવા માટે મજબૂર કરતા તત્વો સામે હવે ફોજદારી રાહે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

સફાઈ કામદારોને ગટરમાં ઉતારનારા તત્વો સામે ફોજદારી કાર્યવાહી થશે
image credit - Google images

ગુજરાતમાં હવેથી સફાઈ કામદારોને ગટરમાં ઉતારવા મજબૂર કરતા તત્વો, સંસ્થા કે એજન્સી સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આવા તત્વો પાસેથી વળતર વસૂલવામાં આવશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, આવી પ્રવૃત્તિ કાયદેસર પ્રતિબંધિત છે, તેમ છતાં રાજ્યમાં જો કોઈ જગ્યાએ આ રીતે સફાઈકર્મીને ગટરમાં ઉતારીને કામ કરવા મજબૂર કરાશે તો તે સંસ્થા, વ્યક્તિ કે એજન્સીને છોડવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટના કડક આદેશ પછી રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે એક આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 20મી ઓક્ટોબર 2023ના આદેશ પ્રમાણે ગટર સફાઈની દુર્ઘટનાના કેસમાં પીડિતના પરિવારને રૂ. 30 લાખનું વળતર આપવાનું રહેશે. રાજ્યની જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં ગટરોની સફાઈની કામગીરી માટે સફાઈકર્મીઓને તેમાં ઉતારવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવે છે. આ રીતે ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને ઉતરવા માટે ફરજ પાડવાને ગેરકાયદે કૃત્ય ગણવાનું રહેશે અને આવા કૃત્ય માટે તમામ જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો રહેશે.

મૃતકના પરિવારને રૂ. 30 લાખ વળતર મળશે
1993થી ગૂંગળામણને કારણે મોતને ભેટેલા સફાઈ કામદારોના કેસમાં તેમના વારસદારોને 10 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. પણ કોર્ટના આદેશ બાદ આ રકમ વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી છે. જો મૃતકના વારસદારને રૂ. 10 લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તો તેમને રૂ. 30 લાખ લેખે વળતર ચૂકવવાનું રહેશે. ગટરસફાઈના કારણે આવેલી વિકલાંગતાના કિસ્સામાં લઘુત્તમ રૂ. 10 લાખ અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં રૂ. 20 લાખનું વળતર ચૂકવવાનું રહેશે. આવા કિસ્સામાં જે તે જવાબદાર સંસ્થા, સોસાયટી, કોન્ટ્રાક્ટર કે વ્યક્તિ દ્વારા તે વળતર વસૂલ કરાશે.

ગ્રામ પંચાયતોએ ગ્રામસભામાં સમજ આપવી પડશે
રાજ્યની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોએ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે સોસાયટી દ્વારા ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને તેમાં ઉતારવા માટે ફરજ પાડવી નહીં. ગ્રામ પંચાયતોએ આ મામલે ગ્રામસભામાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ નહીં કરવા અને કરનારા સામે ફોજદારી કાર્યવાહી અને અકસ્માતે મૃત્યુના કેસમાં ચૂકવવાના થતા વળતર અંગેની સમજ આપવી પડશે.
ગુજરાતમાં 15 વર્ષમાં 91 સફાઈકર્મીઓએ જીવ ખોયા
કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લાં 5 વર્ષમાં ગટરમાં ઉતરીને સફાઈ કરવા દરમિયાન 347 સફાઈકર્મીઓના મોત નીપજ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2005થી 2023 સુધીના સમયગાળામાં કુલ 91 સફાઈ કામદારોના મોત થયા છે. દુઃખની વાત એ છે કે, આમાનાં ઘણાં મૃતકોના પરિવારજનોને હજુ સુધી આર્થિક સહાય પણ મળી નથી. પંચાયત વિભાગે પોતાના આદેશમાં આવા પરિવારને રૂ. 30 લાખની આર્થિક સહાય ચૂકવવા જણાવ્યું છે.

કેટલાક રાજ્યોમાં સ્થિતિ ભયંકર છે
મહારાષ્ટ્રમાં ચિત્ર સૌથી ખરાબ છે, અહીં ગટર સાફ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 54 લોકોના મોત થયા છે. તે પછી ઉત્તર પ્રદેશનો વારો છે જ્યાં આ પાંચ વર્ષમાં 46 લોકોના મોત થયા છે. દિલ્હીની સ્થિતિ પણ શરમજનક છે કારણ કે મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની સરખામણીમાં રાષ્ટ્રીય રાજધાની અને નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં, આ પાંચ વર્ષમાં ત્યાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારનું કહેવું છે કે આ લોકોના મોતનું કારણ ગટર અને સેપ્ટિક ટેન્કની ખતરનાક સફાઈ છે, કાયદામાં આપવામાં આવેલી સલામતીની વ્યવસ્થા રાખવામાં નથી આવતી, ઉપરાંત સફાઈ દરમિયાન ગટરમાંથી ઝેરી વાયુઓ બહાર આવે છે જે વ્યક્તિને મારી શકે છે.

સુધારો કેમ નથી આવતો?
કાયદા મુજબ સફાઈ એજન્સીઓ માટે સફાઈ કામદારોને માસ્ક અને મોજાં જેવા રક્ષણાત્મક ઉપકરણો આપવાનું ફરજિયાત છે, પરંતુ એજન્સીઓ ઘણીવાર તેમ કરતી નથી. કર્મચારીઓને કોઈપણ જાતના રક્ષણ વગર ગટરોમાં ઊતરવું પડે છે. માનવીઓ દ્વારા ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવી એ મેન્યુઅલ સ્કેવેન્જિંગ કે મેલુ ઉપાડવાની પ્રથાનો એક ભાગ છે, જે ભારતમાં કાયદેસર રીતે પ્રતિબંધિત છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા એજન્સીને 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો કે,  વાસ્તવમાં આ પ્રતિબંધનું પાલન થતું નથી જેના કારણે આ પ્રથા ચાલુ રહે છે. આ પ્રથા સાથે સંકળાયેલા લોકોને રોજગારીની અન્ય તકો પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર એક યોજના પણ ચલાવે છે, જે હેઠળ દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. આ પાંચ વર્ષમાં આ યોજના માટે કુલ 329 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, પરંતુ પરિણામ શું છે એ તો સંસદમાં આપવામાં આવેલા આંકડા જ કહે છે.

જાતિવાદનું પરિમાણ
જાતિ વ્યવસ્થામાં ગંદકી સાફ કરવાનું કામ પરંપરાગત રીતે કહેવાતી નીચલી જાતિના લોકો કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે અંગ્રેજોએ શહેરોમાં ગટરોનું નિર્માણ કર્યું ત્યારે તેઓએ પણ શોષણની આ પરંપરાને આગળ ધપાવી અને સફાઈ માટે દલિત જાતિના લોકોને કામે રાખ્યા. આઝાદી પછી અસ્પૃશ્યતા પર પ્રતિબંધ સાથે સ્વતંત્ર ભારતમાં આ પ્રથા બંધ થવી જોઈતી હતી, પરંતુ આવું થઈ શક્યું નહીં અને તે આજ સુધી ચાલુ છે. આજે પણ આ પ્રકારની સફાઈનું કામ માત્ર દલિતો જ કરે છે.

આગળ વાંચોઃ એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.