જજે આરોપીને રાષ્ટ્રધ્વજને 21 વાર સલામી આપવાની શરતે જામીન આપ્યા

પંચરની દુકાન ચલાવતા ફૈઝાન નામના યુવકે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘ભારત મુર્દાબાદ’ કહેતા જજે વિચિત્ર સજા ફટકારી.

જજે આરોપીને રાષ્ટ્રધ્વજને 21 વાર સલામી આપવાની શરતે જામીન આપ્યા
image credit - Google images

મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટે દેશવિરોધી નારા લગાવનારા આરોપીને અનોખી શરતો પર જામીન આપ્યા છે જેની સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. હાઈકોર્ટે આરોપીને કહ્યું છે કે, તેણે દર મહિને દેશના ગુણગાન ગાવા પડશે. ઉલ્લેખનીય છે કે, આરોપી ફૈઝાન ખાને દેશ વિરોધી નારા લગાવ્યા હતા અને તેનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. આ પછી આરોપી વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ, જેમાં તે જામીન માટે અરજી કરતો રહ્યો, હવે જબલપુર હાઈકોર્ટે તેને શરતો સાથે જામીન આપી દીધા છે.

જબલપુર હાઈકોર્ટે આરોપીને એક શરત સાથે જામીન આપતા કહ્યું કે, “તેણે દર મહિને બે વખત ભોપાલ પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને ૨૧ વખત ત્રિરંગાને સલામી આપી ‘ભારત માતા કી જય’ બોલવું પડશે.” 

આ કેસની સુનાવણી જસ્ટિસ દિનેશ કુમાર પાલીવાલે કરી હતી. જસ્ટિસ પાલીવાલે પોતાના આદેશમાં કહ્યું કે, મંડીદીપ (રાયસેન)ના રહેવાસી ફૈઝાન ખાને ભોપાલના મિસ રોડ પોલીસ સ્ટેશનની સામે લગાવવામાં આવેલા ત્રિરંગા સામે આ શરત પૂરી કરવી પડશે. ફૈઝાન ખાને કેસ પૂરો ન થાય ત્યાં સુધી દર મહિનાના પહેલા અને ચોથા મંગળવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યાની વચ્ચે આ પ્રક્રિયા કરવી પડશે.

રાજધાની ભોપાલ પાસેના મિસરોડમાં પંચરની દુકાન ચલાવતા ફૈઝાન નામના વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને ભારત મુર્દાબાદ કહ્યું હતું. ૧૭ મે, ૨૦૨૪ના રોજ આ વીડિયો વાયરલ થયા બાદ બજરંગ દળે તેનો વિરોધ કર્યો અને આ યુવકની ધરપકડની માંગ કરી હતી. ત્યારબાદ મિસરોડ પોલીસે કલમ ૧૫૩ (મ્) હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી.

મહત્ત્વપૂર્ણ છે કે, મામલો ૧૭ મે, ૨૦૨૪નો છે, જ્યારે ફૈઝાનનો ‘પાકિસ્તાન ઝિંદાબાદ, ભારત મુર્દાબાદ’ના નારા લગાવતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩મ્ હેઠળ ફૈઝાનની ધરપકડ કરી હતી. તેની સામે ૧૨ અન્ય ગુનાઈત કેસ પણ નોંધાયેલા છે. તે જ સમયે, ફરિયાદ પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે, ફૈઝાનનું પગલું રાષ્ટ્રીય એકતા અને સૌહાર્દને નુકસાન પહોંચાડનારું છે, તેથી તેને જામીન ન મળવા જાઈએ. બચાવ પક્ષે દલીલ કરી હતી કે, ફૈઝાનને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તે આ દેશનો નાગરિક છે. તમામ દલીલો ધ્યાને લઈ હાઈકોર્ટે શરતો સાથે જામીન મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: ગેંગરેપના આરોપીઓને જામીન મળતા ભાજપ ધારાસભ્યે કેક કાપી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.