એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે

ડોક્ટરે લખ્યું, "મોટાભાગના મકાનમાલિકો પહેલા મને મારી જાતિ પૂછે છે, હું તેમને દલિત છું એવું કહું એટલે તરત તેઓ ઘર આપવાની ના પાડી દે છે. આવું ચાર વર્ષથી ચાલે છે."

એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે
image credit - Google images

ભારત એક જાતિપ્રધાન દેશ છે અને અહીં બધું તમારી જાતિના આધારે નક્કી થાય છે. જાતિગત ભેદભાવને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ છે કે, જેમના ઘરનું પાણી પીવામાં પણ ઉબકા આવે એવા લોકો ચોક્કસ જાતિમાં જનમ્યા હોવાનો ગર્વ લઈને તેનાથી ક્યાંય સ્વચ્છ, શિક્ષિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિને પણ તેની કથિત નિમ્ન જાતિના કારણે ઉતારી પાડતા શરમાતા નથી. મનુવાદની આ દેને ભારત દેશની ઘોર ખોદવામાં કોઈ કસર બાકી નથી રાખી. એનું જ કારણ છે કે, ગુજરાતના ગિફ્ટ સિટીમાં જેપી મોર્ગન જેવી મલ્ટિનેશનલ કંપનીના ઉચ્ચ અધિકારીપદે રહેલા એક દલિત વ્યક્તિને તેની જાતિના કારણે ગાંધીનગર (Gandhinagar) ગિફ્ટ સિટી (Gift City) માં કોઈએ ઘર નહોતું આપ્યું. અનેક પ્રતિષ્ઠિત દલિત લેખકો, ઉચ્ચ સરકારી અફસરો સાથે પણ પાટનગરમાં આવું બની ચૂક્યું છે. હવે આ જ ક્રમમાં એક ડોક્ટર સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્ઞાતિ ભેદભાવ હવે ઘટી રહ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવું નથી, પરંતુ તાજેતરમાં વિશાખાપટ્ટનમના એક ડૉક્ટર દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ સ્પષ્ટ કરે છે કે સારું શિક્ષણ અને વ્યાવસાયિક સ્થિતિ હોવા છતાં લોકો જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ 'જય ભીમ'નું સ્ટેટસ મૂકનાર વિદ્યાર્થીને માર મારી 'જય શ્રી રામ' બોલાવડાવ્યું

Reddit પ્લેટફોર્મ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં, ડૉક્ટરે (Doctor) તેમનો આવો જ એક કડવો અનુભવ શેર કર્યો છે. દલિત સમાજ (Dalit Community) માંથી આવતા એ ડોક્ટર લખે છે કે તેઓ આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં અરિલાવા હેલ્થ સિટી (Arilava Health City) પાસે ભાડા પર ઘર (house on rent) શોધી રહ્યાં છે. એના માટે તેઓ અનેક મકાનમાલિકો (Landlord) ને મળ્યાં છે અને ઘણા મકાનમાલિકોએ પહેલા તેમને તેની જાતિ વિશે પૂછ્યું છે.

ડોક્ટર આગળ લખે છે, "જ્યારે હું તેમને કહું છું કે, હું અનુસૂચિત જાતિ (Scheduled Caste (SC)માંથી છું, ત્યારે તેમણે મને ઘર આપવાનો ઇનકાર કર્યો છે. કોઈ વાંધો નહીં, હું હવે આનાથી ટેવાઈ ગયો છું અને ખુશ છું કે તેમણે તરત જ ના પાડી દીધી અને મારો ઓછામાં ઓછો સમય બગાડ્યો."

આધારકાર્ડમાં જાતિ જોઈ અને ઘર આપવાની ના પાડી દીધી
આ ડોક્ટર હમણાંની એક ઘટનાને યાદ કરતા ભારે નિરાશા વ્યક્ત કરે છે. તેઓ લખે છે, "થોડા દિવસ પહેલાની એક ઘટનાએ મને ભારે નિરાશ કરી દીધો છે. જ્યારે બે દિવસની વાટાઘાટો અને મૌખિક કરાર પછી મકાનમાલિકે જ્યારે ભાડાકરાર કરી શકાય તે માટે મારું આધાર કાર્ડ માંગ્યું. તેણે મારી અટક જોતાની સાથે જ મારી જાતિ વિશે પૂછ્યું અને પછી તરત મકાન આપવાની ના પાડી દીધી."

ડૉક્ટરે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, "તેણે પણ અંતે ના પાડી દીધી... સમય અને પૈસા બંને વેડફાયા. તેણે એ પણ જણાવ્યું કે, તેણે ફર્નિચર અને પૂજા સ્થળનો ઓર્ડર આપી દીધો હતો, જે હવે રદ કરવો પડ્યો છે."

ચાર વર્ષમાં જાતિવાદ ઘટવાને બદલે વધ્યો
ડૉક્ટરે એ પણ કહ્યું કે, ચાર વર્ષ પહેલાં જ્યારે તેઓ છેલ્લીવાર ભાડાનું મકાન શોધી રહ્યા હતા, ત્યારની સરખામણીમાં હવે જાતિ આધારિત ભેદભાવ વધી ગયો છે. ડોક્ટર આગળ લખે છે, "રસપ્રદ વાત એ છે કે હવે જાતિના આધારે મકાન આપવાની ના પાડનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જે દર્શાવે છે કે કથિત નિમ્ન જાતિના લોકો શહેરી વિસ્તારોમાં પણ હજુ જાતિગત ભેદભાવના પડકારોનો સામનો કરી રહ્યા છે."

વારંવાર આ રીતે ભાડેથી મકાન માટે ના સાંભળ્યા પછી ડૉક્ટરે નૈતિક મૂંઝવણ પણ શેર કરી. તેમની પત્ની ઉચ્ચ જાતિની છે, તે વિચારી રહ્યા હતા કે તેમણે પોતાની પત્નીની જાતિ જણાવીને પોતાની જાતિ છુપાવી લેવી જોઈએ જેથી તેને ભાડા પર મકાન મળી શકે. જો કે તેમનું અંતરમન તેના માટે તૈયાર નહોતું થતું.

આ પણ વાંચોઃ શાળા બની સમરાંગણઃ દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત

ડૉક્ટરે તેમની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ મકાનમાલિકોએ તેમને જાતિના આધારે ઘર આપવાની ના નહોતી પાડી. કેટલાક મકાનો તેમના બજેટની બહાર હતા. તેઓ આગળ લખે છે, "મેં મદિલાપાલેમથી યેનાડાડા અને વિશાલાક્ષી નગર સુધી ઘર શોધ્યું, પરંતુ 99% ઘરો મારા બજેટની બહાર છે. મારું બજેટ 2BHK માટે ₹10,000 અને 3BHK માટે ₹15,000 છે."

તેમ છતાં જાતિના કારણે ઘર આપવાનો ઈનકાર કરી દેવો તેમના માટે મુખ્ય અવરોધ બની રહ્યો. ડૉક્ટરે અરિલાવા હેલ્થ સિટી પાસે પરવડે તેવા હાઉસિંગ વિકલ્પો વિશે સલાહ માંગી અને કટાક્ષમાં લખ્યું કે શું તેણે તેની પત્નીની જાતિ છુપાવવી જોઈએ કે જેથી તેને ઘર મળી શકે?

શહેરોમાંથી જાતિગત ભેદભાવ વધ્યાં
જો કે, તેમણે એ અંગે ચિંતા વ્યક્ત કરી કે, જો મકાનમાલિકને પાછળથી મારી જાતિ વિશે જાણવા મળે તો આનાથી કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે લખ્યું, "શું તેનાથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉભી થશે જો મકાનમાલિકને ખબર પડે કે તેમના ઘરમાં, તેમની જાણબહાર એક અનુસૂચિત જાતિની વ્યક્તિ રહે છે? "

ડોક્ટર જેવા પ્રતિષ્ઠિત ફિલ્ડમાં રહેલી વ્યક્તિનો આ અનુભવ દર્શાવે છે કે મોટા શહેરોમાં જ્ઞાતિ ભેદભાવ હજુ પણ અસ્તિત્વમાં છે. જો કે સવર્ણો જ એ સ્વીકારવા તૈયાર નથી કે હવે જાતિભેદભાવ જેવું કશું અસ્તિત્વ ધરાવે છે. આ તેમની સત્યને અવગણવાની ચાલાકી છે. એક ડોક્ટરનું તેમની લાયકાતના આધારે મૂલ્યાંકન કરવાને બદલે તેની જાતિના આધારે મૂલ્યાંકન ભારત જેવા જાતિપ્રધાન દેશમાં જ શક્ય છે. આ ઘટના એ લોકોના મોં પર સણસણતો તમાચો છે, જેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે શહેરોમાં જાતિભેદભાવ આજેય અસ્તિત્વ ધરાવે છે.

આ પણ વાંચોઃ જે.પી. મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદીઓએ ગિફ્ટ સિટીમાં ઘર ન ખરીદવા દીધું?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Dinesh Panchal
    Dinesh Panchal
    Go back to foreigners.
    29 days ago
  • Rameshchandra S Vaghela
    Rameshchandra S Vaghela
    . Chandkheda Ahmedabad
    29 days ago
    • Dinesh Panchal
      Dinesh Panchal
      It is very important to put foreigners back.
      29 days ago