રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંઘર્ષ ફળ્યો, માણાવદરમાં 116 પ્લોટ મંજૂર થયા

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે 18 મહિનાની સતત લડત બાદ 116 ગરીબ પરિવારોને પ્લોટ અપાવ્યા છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંઘર્ષ ફળ્યો, માણાવદરમાં 116 પ્લોટ મંજૂર થયા
image credit -Devayatbhai Manavadar

એકતામાં શક્તિ છે એવું આપણે વર્ષોથી વાતોમાં સાંભળતા આવ્યા છીએ. પણ એ વાતનો જમીની પુરાવો જોવો હોય તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની જૂનાગઢની ટીમની કામગીરી પર નજર નાખવી પડે. દલિત બહુજન સમાજ માટે રાત કે દિવસ જોયા વિના સંઘર્ષ કરવા માટે ઉતરી પડતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા સ્થાપિત આ સંગઠનના કાર્યકરો પણ એવા જ અડીખમ છે. જે કામ તેઓ હાથ ઉપર લે છે તેમાં એવું તો માઈક્રો લેવલનું આયોજન કરે છે કે, વહીવટી તંત્રની મેલી મુરાદ તેમની સામે બર આવતી નથી. સંઘર્ષ બાદ સફળતાના આવા અનેક ઉદાહરણો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ખાતામાં બોલે છે અને તેમાં વધુ એક છોગું જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાની દલિત અધિકાર મંચની ટીમે ઉમેર્યું છે. અહીં એક વર્ષ પહેલા 97 જેટલા ગામોના બહુજન સમાજના અઢીસો જેટલા લોકોએ 100 ચોરસ વારના પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી. પણ વહીવટી તંત્ર એક વર્ષ સુધી ગણકારી નહોતી. દલિત અધિકાર મંચે 18 મહિના તંત્ર સામે લડત ચલાવી, જેના પરિણામે અહીં 249 પૈકી 116 પ્લોટને હાલમાં જ મંજૂરી આપી દેવામાં આવી છે. અને બાકીના પ્લોટને પણ ટૂંક સમયમાં મંજૂરી આપી દેવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે 15 માર્ચ 2023ના રોજ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વિવિધ ગામોના 249 અરજદારોએ 100 ચોરસ વારના પ્લોટ માટે ફોર્મ ભરીને અરજી કરી હતી. જો કે, સરકારી તંત્રની વર્ષોની ખોરી દાનત રહી છે કે, દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજના લોકોને કશું આપવું નહીં, એમાંય તેઓ જો જમીનની માંગણી કરતા હોય તો તો બિલકુલ ન આપવી. તેના માટે તેઓ કોઈપણ બહાનું કાઢીને પણ આ સમાજને તેમના હકથી વંચિત કરી શકે છે.

માણાવદરમાં પણ સરકારી તંત્રે આવું જ કર્યું હતું. તેમણે એક વર્ષ કરતા વધુ સમય વીતી જવા છતાં આ અરજીઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી નહોતી. જેના કારણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર અને જૂનાગઢની ટીમોએ તંત્ર સામે લડત આપવાનું શરૂ કર્યું હતું. લાંબો સમય તેઓ સરકારી કચેરીઓના ધક્કા ખાતા રહ્યાં, તેના માટે ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના ધરણાં પર પણ બેઠાં. આખરે વહીવટી તંત્રે ઝૂકવું પડ્યું અને પહેલા તબક્કામાં 116 પ્લોટને મંજૂરી આપી છે. જ્યારે બાકીના પ્લોટ માટેની અરજીઓનો પણ ટૂંક સમયમાં નિકાલ લાવવાની ખાતરી આપી છે.

ગઈકાલે તા. 28 જૂન 2024ને શુક્રવારના રોજ અહીંના મરઠમ ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જૂનાગઢના મંત્રી અને મરઠમ ગામની મંચની ટીમ સાથે ગામના સરપંચ પરબતભાઈ, ઉપસરપંચ સુરેશભાઈ બાકુ, પૂર્વ તલાટી, વર્તમાન તલાટીની હાજરીમાં અરજદારોને સ્થળ પર 100 ચોરસ વાર પ્લોટની ફાળવણી કરીને તેમનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. અહીં (1)રવિ પરસોતમભાઈ સોંદરવા (2)રાહુલ દિલીપભાઈ સોંદરવા (3)મહેશ છગનભાઈ સોંદરવા (4)નીરજ લાખાભાઈ સોંદરવા (5)રાહુલ અમરશીભાઈ સોંદરવા (6)વિમલ નાથાભાઈ સોંદરવા અને (7) OBC સાજણબેન નાથાભાઈ ભારવડીયાને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?

આ લડતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદરના પ્રમુખ દેવાયતભાઈ મગરા અને તેમના સાથીઓ રમેશભાઈ રાઠોડ(ઉપ પ્રમુખ રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ માણાવદર), સુરેશભાઇ કાબા (શહેર પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર), મગનભાઈ પારઘી, રમેશભાઈ રાખડીયા, રમેશભાઈ પરમાર, દિલીપભાઈ સોંદરવા, મનસુખભાઇ સોંદરવા, ગોરધનભાઈ સોંદરવા, કાન્તિભાઈ રાઠોડ, મેઘજીભાઈ દાફડા,  અશ્વિનભાઈ ચૌહાણ(ઉપ પ્રમુખ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, જૂનાગઢ) તેમજ નામી અનામી અનેક લોકોએ રાતદિવસ જોયા વિના સંઘર્ષ કર્યો છે. સંઘર્ષના આ સાથીઓની મહેનતનું આ સહિયારું પરિણામ છે.

આ સમગ્ર લડતના સુકાની અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદરના પ્રમુખ દેવાયતભાઈ મગરા ખબરઅંતર.કોમ સાથે સંઘર્ષના એ દિવસો વાગોળતા જણાવે છે કે, "માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં એવા સેંકડો ગરીબ પરિવારો અમે જોયા હતા, જેઓ આખી જિંદગી કમાય તો પણ ઘરનું ઘર કે 100 ચોરસવારનો પ્લોટ ખરીદી શકે નહોતા. અમે તેમના માથે છત બને તેવું કંઈક કરવા ઈચ્છતા હતા. ઘરમાં ત્રણ પરિણીત છોકરાઓ હોય, તેમની પત્નીઓ હોય અને રહેવા માટે એક જ ખોરડું હોય ત્યારે કેવી દયનિય પરિસ્થિતિ પેદા થાય તે તો જેણે વેઠ્યું હોય તેને જ ખબર પડે."

દેવાયતભાઈ આગળ કહે છે, "એટલે અમે તમામ 97 ગામોના તમામ જ્ઞાતિ ધર્મના ગરીબ લોકોની એક યાદી તૈયાર કરી હતી. એ પછી જે તે ગામોના સરપંચ, તલાટી પાસે તેની અરજી કરી અને આ લોકો માટે 100 ચોરસ વારના પ્લોટની માંગણી કરી હતી. પણ વહીવટી તંત્ર અમને ગાંઠતું નહોતું. અમે તેના માટે ટીડીઓથી લઈને ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરી હતી. પણ તેમણે મચક ન આપી. આખરે મામલો જિગ્નેશભાઈ મેવાણી સુધી પહોંચ્યો, તેમણે એડવોકેટ સુબોધ પરમારને મામલો સોંપ્યો. બંનેએ મળીને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ત્યારે તેઓ ઢીલાં પડ્યાં અને પ્લોટ ફાળવવા સહમત થયા હતા. આ રીતે 18 મહિનાના અમારા સંઘર્ષનો અંત આવી રહ્યો છે. મેં વહીવટી તંત્રને આત્મ વિલોપન કરવા સુધીની ચિમકી આપી હતી. પહેલાં રાઉન્ડમાં 179 અરજીઓ પૈકી તૈયાર 116 અરજીઓ લેન્ડ કમિટીમાં મંજૂર કરી હતી. જ્યારે બાકીની અરજીઓમાં અમુક ડોક્યુમેન્ટ્સ બાકી હોવાથી તેને સુધારવા મોકલી હતી. આ અરજીઓને બીજા રાઉન્ડમાં સમાવી લેવામાં આવશે. હાલ અહીના મરમઠ, સીતાણા, સુલતાનપુર, મીતડી સહિતના ગામોમાં કુલ 116 અરજદારોના પ્લોટ મંજૂર થયા છે અને ફાળવણી કરી દેવાઈ છે."

આ પણ વાંચો: રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.