"ગાળ ન બોલો..." કહેતા જાતિવાદીઓએ દલિત યુવકની હત્યા કરી

લુખ્ખા તત્વો રસ્તાની વચ્ચોવચ બાઈકો લઈને ઉભા હતા. દલિત યુવક ટ્રેક્ટર કાઢી શકે તેમ નહોતો, તેણે બાઈક હટાવવા કહ્યું અને જાતિવાદીઓએ હત્યા કરી નાખી.

"ગાળ ન બોલો..." કહેતા જાતિવાદીઓએ દલિત યુવકની હત્યા કરી
image credit - Google images

ગમે તેટલી દિવાળી કે બેસતા વર્ષ આવીને જતા રહે, પણ આ દેશના જાતિવાદી તત્વોની દલિતો, આદિવાસીઓ પ્રત્યેની માનસિકતામાં તસુભાર પણ ફરક આવે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા જણાતી નથી. આવું એટલા માટે લાગે છે, કેમ કે દિવાળી અને બેસતા વર્ષે પણ દલિતો પર અત્યાચારની અનેક ઘટનાઓ ઘટી છે.

આવી જ એક ઘટનામાં નજીવી બાબતે જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને લાકડીઓ-દંડાથી ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે હવે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને એક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશના પીલીભીતના પ્રતાપદાંડીની ઘટના

મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં પીલીભીતના બરખેડા પોલીસ સ્ટેશનમાં આવતા પ્રતાપદાંડી ગામમાં એક દલિત યુવકની જાતિવાદી તત્વોએ માર મારીને હત્યા કરી નાખી. મૃતક દલિત યુવક સીતારામ 42 વર્ષનો હતો અને તે ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત શનિવારે સાંજે તેનો ભાઈ હરિઓમ ટ્રેક્ટર લઈને ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન ગામના કેટલાક જાતિવાદી તત્વોએ તેમની બાઇક રોડ પર પાર્ક કરી હતી. સીતારામે તેમને બાઇક હટાવવાનું કહેતાં તેમણે ગાળાગાળી કરીને મારામારી શરૂ કરી હતી. જો કે પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિવાદ શાંત પાડ્યો હતો.

મામલો થાળે પડ્યાં બાદ ઘરે જઈને હુમલો કર્યો

મામલો થાળે પડી ચૂક્યો હતો. પરંતુ થોડા સમય બાદ ગામના ગંગાપ્રસાદ, ઓમપાલ, સુરેન્દ્ર અને રામનિવાસ સહિતના જાતિવાદીઓ સીતારામના ઘરે આવ્યા અને અપશબ્દો બોલી લાકડીઓ-દંડાથી હુમલો કર્યો હતો. જ્યારે સીતારામે તેમનો પ્રતિકાર કર્યો તો તેના પર તૂટી પડ્યા હતા અને જાતિસૂચક ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોબાળો થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેનાથી આરોપીઓ સીતારામના પરિવારને ધમકી આપીને ભાગી ગયા હતા.

સીતારામનું સારવાર દરમિયાન મોત

હુમલા બાદ દરમિયાન ઈજાગ્રસ્ત સીતારામને તાત્કાલિક બરખેડા સીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. અહીં પણ તેની તબિયતમાં સુધારો ન થતાં તેને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી મામલો હત્યામાં પલટાયો હતો.

બીજી તરફ પોલીસે ચારેય આરોપીઓ સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો. રવિવારે સીતારામના મોતની માહિતી મળતાની સાથે જ પોલીસે ગામમાં પહોંચીને કાર્યવાહી તેજ કરી હતી. બિસલપુરના સીઓ પ્રતિક દહિયા પણ ગામમાં પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ કરી હતી. પોલીસે એક આરોપીને પણ કસ્ટડીમાં લીધો છે.
સીતારામના મોત બાદ પરિવારનો આક્રંદ

આ બાજુ સીતારામના મોત બાદ તેના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. તેની પત્ની પાર્વતીદેવીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. મૃતક સીતારામને બે પુત્રો અરવિંદ અને ધર્મેન્દ્ર છે અને બંનેની જવાબદારી હવે પાર્વતીદેવી પર આવી પડી છે. તેમની આ સ્થિતિ જોઈને દલિતવાસમાં સોંપો પડી ગયો છે.

બરખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ મુકેશ શુક્લાના જણાવ્યા પ્રમાણે, હુમલા બાદ પરિવારની ફરિયાદના આધારે મારામારી અને એસસીએસટી એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. સીતારામનું બરેલીની હોસ્પિટલમાં મોત થયું હતું અને બરેલી પોલીસ દ્વારા જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અગાઉ દાખલ કરાયેલી ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.