દેશભરમાં પહેલીવાર માત્ર બંધારણ અને આંબેડકરની સાક્ષીએ લગ્ન થયા
પ્રેમી યુગલે ન તો પંડિતને બોલાવ્યો, ન મંત્રોચ્ચાર કરાવ્યા, ન મનુવાદીઓના સાત વચનો નિભાવવાની વાત કરી. માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લઈને લગ્ન કર્યા.

Marriage with the Constitution as witness: ડૉ.આંબેડકર શું ચીજ છે અને આ દેશના સામાન્ય માણસ માટે તેઓ શા માટે મનુવાદીઓના કથિત ભગવાન કરતા પણ ક્યાંય ઉંચા આસને બિરાજે છે તેની વધુ એક સાક્ષી પુરતો મજાનો કિસ્સો સામે આવ્યો છે. એકબાજુ દેશના બંધારણના 75 વર્ષ પૂર્ણ થયા છે, બીજી તરફ દેશની સંસદમાં બંધારણ તેમજ તેના સર્જક ભીમરાવ આંબેડકરના અપમાન અને બંધારણમાં ફેરફાર ઉપરાંત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યસભા અને લોકસભામાં પણ આ મુદ્દે ઠપ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ દેશના સામાન્ય માણસ માટે બંધારણ અને મહાનાયક ડો.ભીમરાવ આંબેડકર શું છે તે યાદ અપાવતો એક મજબૂત કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમી યુગલે તમામ મનુવાદી વિધિઓને ફગાવી દઈને માત્ર બંધારણના શપથ લઈને લગ્ન કર્યા હતા.
દેશનો આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ પ્રેમી યુગલે એકબીજાને સ્વીકારીને બંધારણને સર્વોચ્ચ માનીને લગ્ન કર્યા હોય. સામાન્ય રીતે ભારતમાં લગ્ન કોઈને કોઈ વિધિ દ્વારા થતા હોય છે. જેમાં કોઈ અગ્નિના ફેરા લે છે, કોઈ કાજી પાસે કબૂલનામું કરાવીને, પાદરીની હાજરીમાં કે કોર્ટમાં થતા હોય છે. પરંતુ છત્તીસગઢના કાપુમાં એક પ્રેમી યુગલે કરેલા લગ્ન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયા છે. વાસ્તવમાં આ યુગલે બંધારણના શપથ લીધા બાદ ગુરુ ઘાસીદાસની જયંતીના દિવસે લગ્ન કર્યા હતા. આ લગ્નની ચર્ચા હવે માત્ર છત્તીસગઢમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે.
માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા
છત્તીસગઢના રાયગઢ જિલ્લાની કાપુ ગામ પંચાયતમાં થયેલા આ અનોખા લગ્ન હાલ ચર્ચાનો વિષય છે. આ અનોખા લગ્નમાં ન તો સાત ફેરા ન હતા, ન તો બેન્ડવાજા વગાડવામાં આવ્યા હતા કે ન તો કોઈ મંત્ર જાપ થયા હતા. યુગલે માત્ર એકબીજાને માળા પહેરાવી બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાની સામે ઉભા રહી બંધારણની શપથ લઈને લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બીજી કોઈપણ પ્રકારની વિધિ કરવામાં નહોતી આવી. વર્તમાન માહોલમાં ડો.આંબેડકરને આનાથી મોટી અંજલિ બીજી કઈ હોઈ શકે.
કાપૂમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમ દરમિયાન આ યુવક-યુવતીએ પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ પછી તેમની ઇચ્છા મુજબ તેમણે ભારતના બંધારણના શપથ લઈને લગ્ન કર્યા હતા. આ અનોખા લગ્નમાં વર-કન્યાના માતા-પિતાની સાથે સમાજના લોકોએ પણ ભાગ લઈ ખુશી વ્યક્ત કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન કાપુ ગામના યમન લહારે અને પ્રતિમા મહેશ્વરી વચ્ચે થયા હતા. સાત ફેરા લેવાને બદલે તેમણે બંધારણના શપથ લીધા અને લગ્ન કરી લીધા.
વર-વધુ શું કહે છે?
આ અંગે વરરાજા યમન લહરે કહે છે કે, તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને વડીલોને તેમના પ્રેમ વિશે જણાવ્યા બાદ તેમનો અભિપ્રાય લીધો અને ગુરુ ઘાસીદાસ મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને બાબા આંબેડકરને સાક્ષી બનાવીને લગ્ન કરી લીધા. અમારા ડો.આંબેડકર સર્વોપરી છે. તેથી અમે તેમણે લખેલા બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા. તેની સાથે અમે લોકોને પરંપરાગત લગ્નમાં બિનજરૂરી ખર્ચ બચાવવા માટેનો પણ એક મેસેજ આપવા માંગતા હતા. તેથી બાબાસાહેબના ફોટોની સામે માત્ર બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા.
યુવકની પત્ની પ્રતિમા મહેશ્વરીએ જણાવ્યું કે ગુરુઘાસી દાસનો જન્મદિવસ હતો. આ પ્રસંગે બંધારણને જ અમારું સર્વસ્વ માનીને અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. અમે બંને ખૂબ જ ખુશ છીએ. આ પ્રસંગે અમને અમારા પરિવારના સભ્યો ઉપરાંત સમગ્ર સમાજના આશીર્વાદ મળી રહ્યા છે.
આખા ગામના લોકોએ અભિનંદન પાઠવ્યા
આ લગ્ન દરમિયાન હાજર સમાજના અધિકારીએ જણાવ્યું કે અમારો સમાજ ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણ પર ચાલે અને માને છે. ડૉ.આંબેડકરે અમને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, જેના હેઠળ દરેક વ્યક્તિ પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. અમને આ યુગલે લગ્ન કરવા માટેની અરજી કરી હતી. બંને પુખ્ય વયના છે અને બંધારણ તેમને તેમનું જીવન જીવવાનો અધિકાર આપે છે. જેથી અમે રાજીખુશીથી બંનેને તેમની રીતે લગ્ન કરવા કહ્યું.
એ પછી તેમણે અમારા ગુરુ ઘાસીરામના જન્મદિવસે ડો.આંબેડકર લિખિત બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા હતા. અમારા સમાજમાં બંધારણને સર્વોપરિ માનવામાં આવ્યું છે. બંધારણના કારણે જ અમે આજે સારી જિંદગી જીવી શકીએ છીએ. બંધારણ વિરુદ્ધ અમે કોઈ કાર્ય નથી કરતા. સમાજના પ્રમુખે બંધારણને સામે રાખીને પ્રસ્તાવના દ્વારા બંનેને શપથ લેવડાવ્યા હતા અને તરત લગ્નની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ