હર્ષિલ જાદવના મોત મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે જૂનાગઢ કલેક્ટર, DSP, નાયબ નિયામક પાસે વિગતો માંગી

અમદાવાદના દલિત યુવક હર્ષિલ જાદવને જૂનાગઢ પોલીસ દ્વારા માર માર્યા બાદ તેનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં રૂ. 3 લાખની લાંચ માંગી હતી પણ હર્ષિલના પરિવારે તે ન આપતા તેને ઢોર માર માર્યો હતો. આ કેસમાં હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે તાત્કાલિક વિગતો માંગી છે. વાંચો સમગ્ર અહેવાલ.

હર્ષિલ જાદવના મોત મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે જૂનાગઢ કલેક્ટર, DSP, નાયબ નિયામક પાસે વિગતો માંગી

જૂનાગઢના બી-ડિવિઝન પોલીસના પીએસઆઈ મુકેશ મકવાણા અને અન્ય સ્ટાફ દ્વારા હર્ષિલ જાદવ નામના દલિત યુવકને એક કેસમાં માર ન મારવા માટે રૂ. 3 લાખની લાંચ માંગવામાં આવી હતી. હર્ષિલે આ રકમ આપવાનો ઈનકાર કરી દેતા પોલીસે કસ્ટડીમાં તેને ઢોર માર માર્યો હતો અને બાદમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ કેસમાં હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી આ ઘટનામાં થયેલ FIR, પરિવારના નિવેદનો, પીએમ રિપોર્ટ, ધરપકડ કરાયેલ આરોપીની યાદી, જો આરોપીની ધરપકડ ન થઇ હોય તો ધરપકડ ન થવાના કારણો, સીઆરપીસીની કલમ 164 હેઠળનું કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન, ચુકવેલ વળતર સહિતની માહિતી તાત્કાલિક માંગી છે.

શું હતો મામલો?
જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ મકવાણા અને અન્ય પોલીસ કર્મીઓએ તારીખ 11 અને 13 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના યુવાન હર્ષિલ જાદવને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મૂળ અમદાવાદના ધોળકા તાલુકાના વાલથેરા ગામનો વતની પણ સુરતમાં તનિષ્કા વેકેશન ક્લબ ચલાવતો હર્ષિલ લક્ષ્મણભાઈ જાદવ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતો હતો. થોડા દિવસ પહેલા જૂનાગઢના આસીમ સીડા નામના વ્યક્તિએ હર્ષિલ પૈસા લીધાં પછી પણ તેની ક્લબ હેઠળ યોગ્ય સગવડો ન આપતો હોવાને લઈને તેની સામે રૂ. 1.20 લાખની છેતરપિંડીની ફરિયાદ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. 

હર્ષિલ જાદવ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે ગયો હતો ત્યારે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ મકવાણા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને અમદાવાદથી જૂનાગઢ લઈ જઈ કોર્ટમાં રજૂ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એ દરમિયાન પોલીસે હર્ષિલ જાદવને રિમાન્ડ દરમિયાન માર ન મારવા બદલ તેના પરિવારને અજાણ્યા નંબર પરથી ફોન કરીને પહેલા રૂ. 5 લાખની રકમ માંગી હતી. એ પછી છેલ્લે રૂ. 3 લાખ માંગ્યા હતા. જે પરિવારજનોએ આપવાનો ઈનકાર કરી દીધો હતો. પોલીસે હર્ષિલના ભાઈ અને અન્ય સભ્યોને બોલાવીને લાંચની રકમ આપી દેવા દબાણ કર્યું હતું, પણ તેઓ માન્યા નહોતા. આથી પીએસઆઈ મુકેશ મકવાણા (જેઓ પોતે પણ દલિત સમાજમાંથી આવે છે) અને તેમના સાથી પોલીસકર્મીઓએ હર્ષિલને ઢોર માર માર્યો હતો.
 

દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતા હર્ષિલ જાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તે કોઈના ટેકા વગર ચાલી પણ શકતો નહોતો, તેના માથા પર પાટો બાંધેલો હતો. પોલીસે તેને લાકડી-પટ્ટાથી માર માર્યો હતો કે તેનું માથું ફાટી ગયું હતું, પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું. હર્ષિલની આવી હાલત જોઈને ન્યાયધીશ પણ ચોંકી ગયા હતા અને પૂછપરછ કરતા જૂનાગઢ પોલીસનો ભાંડો ફૂટી ગયો હતો. બાદમાં ન્યાયધીશ દ્વારા પોલીસ સામે ફરિયાદ કરવાની છે તેમ પૂછતાં હર્ષિલ જાદવે હા પાડી હતી. એ પછી જૂનાગઢના ન્યાયધીશ દ્વારા ઈન્કવાયરીનો હુકમ કરી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવા હુકમ કરતા હર્ષિલ જાદવને ત્રણ દિવસ જૂનાગઢની હોસ્પિટલમા સારવાર આપવામાં આવેલ અને 15 જાન્યુઆરીએ કોર્ટમાં વકીલ દ્વારા જામીન અરજી મુકતા જામીન મળેલ, જેથી પરત ઘરે વેજલપુર, અમદાવાદ ખાતે આવેલ હતો.
 
જો કે અહીં તેને પોલીસ કસ્ટડીમાં પડેલો માર ભારે પડી રહ્યો હોવાનું જણાતા સાણંદ સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને અન્ય જગ્યાએ શરીરનું ચેકઅપ કરાવતા લોહી ગંઠાઈ ગયું હોવાનું અને પગમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર દ્વારા થોડાક સમય પછી ઓપરેશન કરવાની સલાહ અપાઈ હતી. વચ્ચે 20મી જાન્યુઆરીના રોજ તે પોતાના વકીલને મળવા જતો હતો ત્યારે મીઠાખળી પાસે તે ચાલતી વખતે પડી જતા અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા ડૉક્ટરે લોહી ગંઠાઈ જવાથી હૃદયરોગનો હુમલો આવી ગયાનું જણાવી સારવાર શરૂ કરી હતી. એ દરમિયાન હર્ષિલ કોમામાં જતો રહ્યો હતો અને ત્રણ દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેનું ફોરેન્સિક પોર્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.


હર્ષિલ જાદવના મોત બાદ 23 જાન્યુઆરીના રોજ પીએસઆઈ મુકેશ મકવાણા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે તેમાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આ પોલીસ ટોર્ચર અને પોલીસ કસ્ટડીમાં થયેલ અત્યાચારના ગુનામાં મરનાર અનુસૂચિત જાતિના યુવાન હર્ષિલ જાદવના બંધારણના આર્ટિકલ 21 મુજબ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારનો અને તેના માનવ અધિકારનો ભંગ થયો છે. 

આ મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને આ ઘટનાના મીડિયા કવરેજ, લિંક, કટિંગ્સ વગેરે મોકલીને સૂઓમોટો કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. જેના આધારે આયોગે સૂઓ-મોટો કાર્યવાહી કરી આ ઘટનામાં જૂનાગઢના જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પાસેથી આ ઘટના અને ત્યાર બાદ કરેલ કાર્યવાહીનો અહેવાલ (એક્શન ટેકન રિપોર્ટ) તાત્કાલિક સબમિટ કરવા આદેશ કરેલ છે.

કાંતિભાઈ પરમાર દ્વારા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવી કેસની તપાસ કરવા, ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણુંક કરવા, આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવા, પરિવારને વળતર આપવા અને આરોપીને ડિસમિસ કરવા સહિતની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.