ગરીબ દલિત યુવકને પૈસાદાર સમજી કીડનેપ કર્યો, ખંડણી ન મળતા હત્યા કરી

ત્રણ ગુંડાઓએ એક દલિત યુવકનું પૈસાદાર સમજીને અપહરણ કર્યું હતું, પણ તેનો પરિવાર અત્યંત ગરીબ નીકળ્યો અને રકમ ન આપી શક્યો. વાંચો પછી શું થયું.

ગરીબ દલિત યુવકને પૈસાદાર સમજી કીડનેપ કર્યો, ખંડણી ન મળતા હત્યા કરી
image credit - Google images

ઓટીટી પરની વેબસિરીઝ પ્રકારની એક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત યુવકનું ગુંડાઓએ તે પૈસાદાર છે તેમ સમજીને અપહરણ કર્યું હતું. પણ તેનો પરિવાર અત્યંત ગરીબ નીકળ્યો અને તે અપહરણકારોએ માંગેલી રકમ કોઈ કાળે આપી શકે તેમ નહોતો. પરંતુ અપહરણકર્તાઓ દલિત યુવકના માતાપિતાની મજબૂરી સમજી શક્યા નહોતા અને તેમણે યુવકની હત્યા કરી નાખી હતી. એ પછી તેઓ લાશને ઠેકાણે પાડવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે પોલીસને જાણ થઈ જતા આખો મામલો સામે આવ્યો હતો. 

વાસ્તવમાં અપહરણકારોએ એક નહીં પરંતુ બે યુવકોને કીડનેપ કર્યા હતા. જેમાંથી એક યુવક દલિત પરિવારમાંથી આવતો હતો. જ્યારે બીજો તેનો મિત્ર શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અપહરકારોએ તેને પણ પતાવી દેવાની તૈયારીઓ કરી લીધી, પરંતુ ત્યારે જ પોલીસ આવી પહોંચી અને તે બચી ગયો. હાલ તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં પાટનગર જયપુરમાં પૈસા માટે અપહરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ ગુંડાઓએ જયપુરના મુહાણા વિસ્તારના બે યુવકોને પૈસાદાર સમજીને કીડનેપ કરી લીધા હતા. જેમાંથી એક યુવક દલિત સમાજનો હતો.

આ પણ વાંચોઃ જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિ-રત્ન યાત્રા છે?

અપહરણ કર્યા બાદ ગુંડાઓએ યુવકના પરિવારજનોને ફોન કરીને એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પણ દલિત યુવકનો પરિવાર અત્યંત ગરીબ હતો અને કોઈ કાળે આટલી મોટી રકમ આપી શકે તેમ નહોતો. આથી તેમણે અપહરણકારોને વિનંતી કરી કે તેઓ તેમના દીકરાને છોડી દે, તેમને લાગ્યું ગુંડાઓ તેમની વાત માની જશે અને તેમના દીકરાને ગરીબ સમજીને છોડી દેશે, પણ એવું ન થયું. તેના બદલે અપહરણકર્તાઓ ગુસ્સે ભરાયા અને બંને યુવકોને ઢોર માર માર્યો. માર એટલો ભયંકર હતો કે બે પૈકી દલિત યુવકનું મોત થઈ ગયું, જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

મૃતક દલિત યુવકના પરિવારજનોએ સૌથી મોટી ભૂલ એ કરી કે તેમણે તેમના દીકરાનું અપહરણ થયું છે તેની જાણ પોલીસને ન કરી. સાથે જ તેમની પાસે એક લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે તે પણ કોઈને કહ્યું નહીં. ઘટનાના એક દિવસ પછી ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ટીમના એએસઆઈ મહિપાલ અને દેવકરણને બાતમીદારો તરફથી આખી ઘટનાની જાણકારી મળી. આ બંને પોલીસકર્મીઓએ ઉચ્ચ અધિકારીઓને તેની જાણ કરી અને અપહરણકર્તાઓનું પગેરું મેળવીને 125 કિલોમીટર સુધી તેમનો પીછો કર્યો. છેલ્લે અન્ય પોલીસની મદદથી અજીતગઢ વિસ્તારમાંથી ત્રણેય ગુંડાઓને તેમણે પકડી લીધા હતા.

જે બે યુવકોનું અપહરણ થયું હતું, તેમાંથી એક 22 વર્ષનો દલિત યુવક નેમીચંદ મહાવર રાજસ્થાનના કરૌલી જિલ્લાનો રહેવાસી છે. નેમીચંદ પાટનગર જયપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હતો. તેનું ગામ મગરોળ ભાજપના નેતા હંસરાજ મીણાના મતવિસ્તારમાં આવેલું છે. આ મામલે હંસરાજ મીણાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ મૂકી હતી. 

આ પણ વાંચોઃ તમામ ધર્મોની સારી બાબતોને શાળાના અભ્યાસક્રમમાં સમાવોઃ સ્વયં સૈનિક દળ, ગુજરાત

સામાન્ય રીતે ભાજપના નેતાઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહની ધાકને કારણે કોઈપણ બાબતનો વિરોધ કરી શકતા નથી. પણ અહીં હંસરાજ મીણાએ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે નેમીચંદ મહાવરના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેના પરિવારજનોને રૂ. 50 લાખની આર્થિક મદદ કરવાની પણ સરકાર પાસે માંગ કરી છે. 

આ ઘટનામાં બીજો યુવક જેનું અપહરણ થયું હતું, તે મનીષ કુમાર બૈરવા સવાઈ માધોપુરનો રહેવાસી છે અને તે જયપુરમાં શાકભાજી વેચતો હતો.

આ મામલે એડિશનલ પોલીસ કમિશ્નર કૈલાશ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ આરોપીઓમાં નૈનવાના રહેવાસી તુષાર ઉર્ફે લિટલ, દૌસા જિલ્લાના મહેંદીપુર બાલાજીના રહેવાસી આશિષ બૈરવા અને નીમકાથાણાના રહેવાસી શંભુદેવ વર્માનો સમાવેશ થાય છે.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમણે દલિત યુવક નેમીચંદના પરિવાર પાસે રૂ. 1 લાખની ખંડણી માંગી હતી, પણ તે ન મળતા તેમને પકડાઈ જવાની બીક લાગી હતી. આથી તેમણે નેમીચંદ મહાવરની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેઓ બીજા યુવક મનીષ બૈરવાની પણ હત્યા કરવાની તૈયારી કરી ચૂક્યા હતા, પણ ત્યાં જ પોલીસ આવી પહોંચી અને ત્રણેયને પકડી લીધા અને મનીષ બચી ગયો.

આગળ વાંચોઃ ભારતની અદાલતો પણ પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદની પર નથી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.