તમામ ધર્મોની સારી બાબતોને શાળાઓમાં ભણાવોઃ સ્વયં સૈનિક દળ

સ્વયં સૈનિક દળ પોરબંદર દ્વારા ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકોમાં તમામ ધર્મોની સારી બાબતોનો સમાવેશ કરવાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

તમામ ધર્મોની સારી બાબતોને શાળાઓમાં ભણાવોઃ સ્વયં સૈનિક દળ
image credit - Google images

ભારતનું બંધારણ તેને એક બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરે છે. તમામ ધર્મો, જાતિઓને સમાન રીતે રહેવાનો અને જીવવાનો અધિકાર આપણા દેશનું સંવિધાન આપે છે. તેની સાથે-સાથે રાજ્યને જવાબદારી આપી છે કે, તે તમામ લોકો સાથે કોઈપણ જાતના ભેદ વગર, કોઈ સંપ્રદાયને પ્રોત્સાહન આપ્યા વગર તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર કરે. જો કે એવું થઈ રહ્યું નથી.

તાજેતરમાં ગુજરાત સરકારની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા સર્વાંગી શિક્ષણના નામે “શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં  મૂલ્યો અને સિદ્ધાંતો”ના નામથી એક અલગ જ પાઠ્યપુસ્તક ધોરણ ૬, ૭ અને ૮ માં ફરજિયાત ભણાવવામાં આવી રહ્યું છે. ત્યારે તે મુદ્દાને લઈને સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. સાથે જ શાળાના અભ્યાસક્રમોમાં તમામ ધર્મોની સારી બાબતોનો સમાવેશ કરવાને લઈને પણ વિનંતીઓ કરવામાં આવી રહી છે.

આ મામલે હવે પોરબંદર જિલ્લામાં સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદર કલેક્ટર મારફત મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 

આ આવેદનપત્ર બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી એમ વિવિધ ધર્મના અનુયાયો અને પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ તમામ ધર્મના લોકોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે હાજરી આપી હતી. 

આ મામલે સ્વયં સૈનિક દળના કાર્યકરોએ જણાવ્યું હતું કે, “સરકારનું કામ સંવિધાનના મૂલ્યોની રક્ષા કરવાનું છે. સાથે જ તેણે એ પણ જોવાનું છે કે, દેશના કોઈ પણ સમુદાય, ધર્મ કે જાતિની ભાવનાને ઠેસ ન પહોંચે. રાજ્ય સરકારે કોઈ એક ધર્મની બાબતોને પ્રોત્સાહન ન આપવું જોઈએ, તમામ ધર્મોની સારી-સારી બાબતો સમાવવી જોઈએ, દરેક ધર્મોમાં સારા મૂલ્યો રહેલા છે અને તે તમામને સામેલ કરવા જોઈએ.

આ પણ વાંચો: રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SSD દરેક જિલ્લામાં આવેદનપત્ર આપશે

હાલ પ્રાથમિક શાળાઓના અભ્યાસમાં હિંદુ ધર્મના ભગવદ્ ગીતા ગ્રંથના અંશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોગ્ય નથી. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને કોઈ એક ધર્મના ગ્રંથનું શિક્ષણ બાળકોને ભણાવવું કેટલું યોગ્ય છે, તે વિશે સરકારે વિચારવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર તમામ ધર્મોને સમાન ગણી તેમની સારી બાબતોને અભ્યાસક્રમમાં સામેલ કરે."

સ્વયં સૈનિક દળના કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે, "એવું લાગી રહ્યું છે કે, સરકાર જાણીજોઈને આ બધું કરી રહી છે. તેણે બૌદ્ધ ધર્મ વિશેની ખોટી માહિતી અભ્યાસક્રમના પુસ્તકોમાં છાપી નાખી હતી. જેનો ગુજરાત સહિત દેશભરના બૌદ્ધોએ વિરોધ કરતા આખરે તેણે ધોરણ 12ના સમાજશાસ્ત્રના પુસ્તકમાં આ પ્રકરણમાં સુધારો કરવાનો પરિપત્ર કરવો પડ્યો હતો. આવું ન થાય તે માટે લાયક લોકોને આ કામ સોંપવું જોઈએ. સાથે જ સરકારે આવાં ખોટાં પગલાં ભરતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ."

આ પણ વાંચો: SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.