બોલો લો! અમદાવાદ સિવિલના ICU માં પહોંચી ભૂવાએ દર્દી પર વિધિ કરી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરતો જોવા મળે છે.

અંધશ્રદ્ધા છેક એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સુધી પહોંચી ગઈ છે. જી હા, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલના આ વિસ્તારમાં ફોટો કે વીડિયોગ્રાફી કરવાની મનાઈ હોવા છતાં ભૂવાએ છેક આઈસીયુમાં પહોંચીને વિધિ કરી હતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.
સિવિલની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યાં
ભૂવાની આ કરતૂતોને કારણે એશિયાની સૌથી મોટી જનરલ હોસ્પિટલની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સિવિલ હોસ્પિટલની કડક સુરક્ષા માટે વર્ષો લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અહીં સામાન્ય માણસના પરિવારજનો સાથે સિક્યોરિટી સ્ટાફ અત્યંત તોછડું વર્તન કરતો હોય છે, જેને લઈને પણ ફરિયાદો થતી રહે છે ત્યારે આ ભૂવાએ ગેટથી લઈને આઇસીયુ તરફ જતા રસ્તા પર વીડિયો ઉતારીને રીલ બનાવી, એટલું જ નહીં આઇસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ઊભા રહીને રીલ બનાવતા હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલ થઈ રહ્યા છે.
દર્દીનો સગો બની આઈસીયુમાં પહોંચ્યાનું અનુમાન
સમગ્ર ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરતાં આ વ્યક્તિ દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં ગયાનું જણાયું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે, તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. આઇસીયુમાં દાખલ દર્દીની ઇન્ફેક્શન ન લાગે એ પ્રમાણે કર્ટેન્સ સાથે પ્રાઈવસી જાળવવામાં આવે છે. તેનો દુરુપયોગ કરીને આ વ્યક્તિએ વીડિયો બનાવ્યો હોવાનું જણાય છે.
વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યો છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે, પરંતુ તે સાજો થઇ રહ્યો હોવાની ક્રેડિટ ભૂવાએ કરેલી વિધિને નથી જતી. તે સંપૂર્ણપણે સિવિલના નિષ્ણાત ડોક્ટરોની ટીમને જાય છે. એટલે ભૂવા કે અન્ય કોઇ વિધિ, માન્યતાથી દર્દી સાજો થયો એમ કહેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે. સિક્યોરિટી દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવે છે છતાં આ વ્યક્તિ દર્દી સુધી કેવી રીતે પહોંચી તેની વધુ તપાસ કરીશું. આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને એનું ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો: 12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત