બે મહિનામાં ચોથીવાર સિંગ તેલના ભાવમાં વધારો, 40 રૂ. વધ્યાં

સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓની લોબીની એકહથ્થુ પકડને કારણે સિંગતેલના ભાવમાં છેલ્લાં બે મહિનામાં ચોથીવાર વધારો ઝીંકવામાં આવ્યો છે.

બે મહિનામાં ચોથીવાર સિંગ તેલના ભાવમાં વધારો, 40 રૂ. વધ્યાં
image credit - Google images

ગુજરાત સહિત દેશભરમાં અષાઢ મહિનાથી તહેવારોની શરૂઆત થતી હોય છે અને એ સાથે જ નફાખોર વેપારીઓ દ્વારા યેનકેન પ્રકારે ખાદ્યચીજોના ભાવમાં વધારો ઝીંકવામાં આવતો હોય છે. એક સમયે એક હજારથી 1300 રૂપિયામાં મળતો સિંગતેલનો ડબ્બો આજે રૂ. 2700થી 3000 સુધીમાં વેચાવા માંડ્યું છે.દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે,  ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામાં ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આ વખતે સીધો ૪૦ રૂપિયાનો વધારો કરાયો છે. 

રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગતેલના ભાવમાં વધારો કરાયો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં ડબ્બે ૪૦ રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ કપાસિયા તેલ થોડું સસ્તુ થયું છે. કપાસિયા તેલમાં છેલ્લા બે દિવસમાં ૨૦ રૂપિયાનો ઘટાડો થયો છે. સીંગતેલના ૧૫ કિગ્રાના નવા ડબ્બાનો ભાવ ૨૬૧૦-૨૬૬૦ રૂપિયા, કપાસિયા નવા ટીનના ૧૫ કિગ્રા તેલનો ભાવ ૧૭૧૦-૧૭૪૦ થયો છે.

સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે. છેલ્લાં બે મહિનમાં ક્યારે કેટલો વધારો થયો છે જેના પર નજર કરીએ તો ૧૬ જુલાઈએ - ૪૦ રૂપિયાનો વધારો, ૪ જુલાઈ - ૭૦ રૂપિયાનો વધારો, ૨૯ જૂને - ૩૦ રૂપિયાનો વધારો, ૫ મે- ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ

બીજી તરફ, શાકભાજીનાં વધતા ભાવથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. મોટાભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. નક્કી કરેલા બજેટથી શાકભાજીના ભાવ વધુ થયા છે. ડુંગળી ૫૦ રૂપિયા કિલો, બટેકા ૪૦ રૂપિયા કિલો થયા છે. લસણ ૪૦૦-૫૦૦ રૂપિયા, તો આદું ૧૬૦-૧૮૦ રૂપિયા કિલો પર પહોંચ્યું છે. વટાણા ૨૦૦ રૂપિયા અને ચોળી ૧૮૦-૨૦૦ રૂપિયા કિલો થયું છે. ભીંડા ૧૬૦-૨૦૦ રૂપિયા કિલો અને ફ્લાવર ૧૬૦-૧૮૦ રૂપિયા કિલો પહોંચી ગયા છે. 

ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારાને કારણે દેશમાં જથ્થાબંધ ફુગાવો જૂનમાં સતત ચોથા મહિને વધીને ૩.૩૬ ટકા થયો હતો. મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ૨.૬૧ ટકા હતો. જૂન ૨૦૨૩માં તે (-) ૪.૧૮ ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૂન ૨૦૨૪ માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજો, ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે.

આ પણ વાંચો: મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં બમણો માર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.