એક મજૂરને બચાવવા બીજા 4 કૂવામાં ઉતર્યા: 3ના મોત, 2 ગંભીર
બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પરની એક પેપર મિલમાં કૂવાના કામ માટે અંદર ઉતરેલા 5 મજૂરોમાંથી 3 ના મોત નીપજ્યા છે અને હજુ 2 લોકો ઘાયલ છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઈવે પર આવેલી એક પેપર મિલમાં ગઈકાલે એક ગંભીર ઘટના ઘટી હતી. અહીં પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 શ્રમિકોને ગૂંગળામણ થતા ત્રણના મોત નીપજ્યા હતા, જ્યારે બેની હાલત હજુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે એક શ્રમિકને પહેલા ગૂંગળામણ થઈ હતી, જેને બચાવવા માટે એક પછી એક ચાર લોકો કૂવામાં ઉતર્યા હતા જેના કારણે બધાંને ગૂંગળામણ થવા લાગી હતી. જેના કારણે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ શ્રમિકના મોત થયા છે જ્યારે બે શ્રમિકોની સારવાર ચાલી રહી છે.
પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ગામ પાસેની 20 વર્ષ જૂની મહેશ્વરી પેપર મીલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ બનાવવામાં આવી રહી છે, જ્યાં એક મજુર એક કૂંડીમાં નીચે પડી ગયો હતો જ્યાં સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો અને શ્વાસ રૂંધાવા લાગતા શ્રમિક બેહોશ થઈ ગયો હતો. અન્ય શ્રમિક તેને બહાર કાઢવા માટે અંદર ઉતર્યો હતો અને તે પણ ગુંગળામણથી બેહોશ થઈ ગયો હતો. આ રીતે એક પછી એક ચારેય શ્રમિકો અંદર ઉતર્યા હતા અને તમામને ગેસની અસર થઈ ગઈ હતી. મિલના અન્ય લોકોને તેની જાણ થતા તાત્કાલિક મેનેજમેન્ટને જાણ કરાઈ હતી. 108 એમ્બુલન્સ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી 5 શ્રમિકોને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ તેમાંથી 3 શ્રમિકોના મોત નીપજ્યા હતા. જ્યારે સારવાર હેઠળ અન્ય શ્રમિકોની હાલત ખૂબ જ ગંભીર છે. આ શ્રમિકો માટે સેફ્ટીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી અને મિલમાલિકોની બેદરકારીથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને ગઢ પોલીસ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.