શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી
ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા છે ત્યારે કેનેડાના શીખ નેતા જગમીત સિંહે કેનેડામાં આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે તણાવ વધતો જ ગયો. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો બાદ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે પણ ભારતીય રાજદ્વારીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ બધી બાબતો વચ્ચે કેનેડાના શીખ નેતા જગમીત સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય રાજદ્વારીઓ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
ખાલિસ્તાન તરફી વલણ માટે જાણીતા એનડીપી (NDP) નેતાએ ઓટાવામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેનેડિયનોની સુરક્ષા માટે બીજા ક્યા પગલાં લઈ શકાય તેને વધુ સારી રીતે સમજવા માટે તેમણે પબ્લિક સેફ્ટી કમિટી સાથે ઈમરજન્સી મીટિંગની વિનંતી કરી હતી. કેનેડાની સરકાર દ્વારા ભારત પરના આરોપો અંગે માહિતી આપ્યાના એક દિવસ બાદ જગમીત સિંહે RSS પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'અમે માંગ કરીએ છીએ કે કેનેડાની સરકાર ભારતીય રાજદ્વારીઓ પર કડક પ્રતિબંધો લાદે અને આરએસએસના નેટવર્કને પણ અહીંથી દૂર કરે. '
આ પણ વાંચો: યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે
તેમણે કહ્યું, “આપણા દેશની રક્ષા કરવાની જવાબદારી આપણી છે. હું આ દેશ (કેનેડા)ને પ્રેમ કરું છું. લોકોને સુરક્ષિત રાખવા અને આપણી લોકશાહીને સુરક્ષિત રાખવા માટે આપણે શક્ય તેટલું બધું કરવાની જરૂર છે. અમે જાહેર સુરક્ષા સમિતિની ઈમરજન્સી બેઠક યોજીને કેનેડિયનોને સુરક્ષિત રાખવા શું કરી શકીએ છીએ તેના પર વિચારણા કરી રહ્યાં છીએ. તેના માટે કેનેડામાં ફેલાયેલા આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધ મૂકવો જોઈએ, સાથે જ ભારતીય રાજદ્વારીઓ પર પણ આ પ્રતિબંધો લાદવા જોઈએ.”
સિંહે કહ્યું, “ભારત પર દબાણ લાવવા માટે આપણે આપણા સહયોગીઓ સાથે કામ કરવાની જરૂર છે. આપણે અમેરિકા સાથે મળીને કામ કરવાની જરૂર છે. યુનાઇટેડ કિંગડમમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે.”
ઉલ્લેખનીય છે કે સતત વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ સોમવારે ફરી એકવાર વાંધાજનક નિવેદન આપ્યું હતું. વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આરોપ મૂક્યો હતો કે ભારત કેનેડામાં 'મૂળભૂત ભૂલ' કરી રહ્યું છે. ઉપરાંત પોલીસે ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલર અધિકારીઓ તેમના પદનો ગેરલાભ ઉઠાવીને ગુપ્ત માહિતી એકત્ર કરવામાં સામેલ હોવાના આક્ષેપો કર્યા હતા. તે જ સમયે, ભારતે મંગળવારે આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ભારતે કહ્યું કે કેનેડા આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે અને અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.
આ પણ વાંચો: RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ