EVMમાં ચેડાં કરી શકાય છે, મેં વર્ષો સુધી તેનો અભ્યાસ કર્યો છે - સામ પિત્રોડા

મહારાષ્ટ્રમાં ઈવીએમમાં ચેડાંની ફરિયાદ પછી ઈલોન મસ્કે કરેલી ટ્વિટ બાદ હવે ભારતમાં ટેલિકોમ્યુનિકેશનનો પાયો નાખનાર સામ પિત્રોડાએ પણ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે.

EVMમાં ચેડાં કરી શકાય છે, મેં વર્ષો સુધી તેનો અભ્યાસ કર્યો છે - સામ પિત્રોડા
image credit - Google images

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે તેમ છતાં ઈવીએમને લઈને ઉભો થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ મહારાષ્ટ્રમાં ભાજપના નેતાના મોબાઈલમાં ઈવીએમ અનલોક કરવા માટે ઓટીપી આવ્યો હોવાનો મામલો ચગ્યો હતો. એ પછી સ્પેસ એક્સ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કે પણ ઈવીએમમાં ચેડાં થઈ શકે છે તેવી ટ્વિટ કરી હતી. આ બે બાબતોની ચર્ચાઓ હજુ શમી નથી ત્યાં નોલેજ કમિશનના પૂર્વ ડિરેક્ટર અને ઓવરસીસ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડાએ પણ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. 

સામ પિત્રોડાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "ઈવીએમ દ્વારા ચૂંટણી કરાવવી યોગ્ય નથી, તેનાથી સારું છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે." સામ પિત્રોડાએ વધુમાં લખ્યું હતું કે, "મેં 60 વર્ષ કરતા વધુ સમય ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ જેવા સેક્ટરમાં કામ કર્યું છે. મેં ઈવીએમની આખી વ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે. મારું માનવું છે કે આમાં ચેડાં થઈ શકે છે. સારું એ છે કે, બેલેટ પેપરથી ચૂંટણી થાય અને તેની ગણતરી સાથે જ હારજીતનો ફેંસલો કરવામાં આવે."

આ પણ વાંચોઃ સર, મતદારોને ઈવીએમ પર ભરોસો નથીઃ પ્રશાંત ભૂષણ

આ બધાં વચ્ચે મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા સીટ પર ઈવીએમ હેક કરવામાં આવ્યાના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જવાબ આપતા જણાવ્યું હતું કે, ઈવીએમ એકદમ અલગ ચીજ છે. તે ઈલેક્ટ્રોનિક્સ કે પછી ઈન્ટરનેટ જેવી કોઈ વસ્તુ સાથે જોડાયેલું નથી હોતું, જેના કારણે તેને હેક કરી શકાતું નથી. આ સિવાય જે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને અનલોક કરવા માટે ઓટીપીની જરૂર પડે છે, તે પણ ખોટો છે. આ તરફ ભાજપે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે, એ લોકો સામે પગલાં લેવામાં આવે, જે ઈવીએમને બદનામ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, એક મીડિયા રિપોર્ટમાંથી આ આખો બખેડો શરૂ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા સીટના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના એક સંબંધીએ ઈવીએમ સાથે મોબાઈલને કનેક્ટ કરી લીધો હતો. આ મામલો 4 જૂન 2024નો છે, જે દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા. આ ચૂંટણીમાં રવિન્દ્ર વાયકર ફક્ત 48 મતોના નજીવા અંતરથી જિત્યા હતા. જેના કારણે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે તેમના સંબંધીના મોબાઈલથી ઈવીએમને જોડીને આખો ખેલ પાડ્યો હતો અને તેમણે પોતાની તરફેણમાં પરિણામો ફેરવી દીધા હતા. આ મામલે હવે ઈલોન મસ્ક બાદ સામ પિત્રોડાનું પણ નિવેદન આવતા મામલો ફરી ગરમાયો છે.

ઉલ્લેખનીય છે કે, સામ પિત્રોડા ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક મનાય છે. એંશીના દાયકામાં રાજીવ ગાંધી તેમને વિદેશમાંથી ભારતમાં લાવ્યા હતા અને દેશ માટે કામ કરવા કહ્યું હતું. સામ પિત્રોડાએ એ જમાનાામાં લેન્ડલાઈન ફોનનું નેટવર્ક પણ મર્યાદિત હતું તે સ્થિતિમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી તેમણે જે કામ કર્યું તેના પર જ દેશનું આખું ટેલિકોમ્યુનિકેશન માળખું ઉભું થયું હતું. સામ પિત્રોડાના વડવાઓ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના રણની ટિકર ગામના વતની હતા. એ રીતે તેમનું ગુજરાત સાથે પણ કનેક્શન છે. વિશ્વના ટેકનોજગતમાં તેમનું મોટું નામ છે અને તેઓ જે પણ કંઈ બોલે છે તેને ગંભીરતાથી લેવામાં આવે છે. તેઓ ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા પર પણ તેમની સારી પકડ છે. હવે જ્યારે તેમણે આ નિવેદન આપ્યું છે ત્યારે ચોક્કસ ઈવીએમ મામલે નવેસરથી ચર્ચા છેડાશે.

આ પણ વાંચોઃ શું ઈવીએમમાં ખરેખર ચેડાં થઈ શકે છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.