11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?
ગ્રામ પંચાયત દ્વારા 11 દલિત પરિવારોને ઘરનું ઘર બનાવવા જમીન ફાળવી હતી. પણ મોકાની એ જમીન પર જિલ્લા શિક્ષણાધિકારી દાનત બગડતા પડાવી લીધી છે.
સરકારી ધોરણે દલિતોને મળેલી જમીન જો મોકાની હોય, ત્યાં કશીક કોમર્શીયલ એક્ટિવિટી માટે તક હોય તો સવર્ણ અધિકારીઓ અને ગ્રામ પંયાચતમાં બેઠેલા તેમના મળતિયાઓ ભેગાં થઈ જાય છે. પછી કાયદેસર રીતે ભલેને તે જમીન દલિતોની હોય, પણ તેમને તે પડાવી લેવામાં જરાય લાજ શરમ કે કાયદો નડતો નથી. તમારી આપસાસ નજર કરશો તો પણ તમને આવા અનેક ઉદાહરણો મળી આવશે જેમાં ગ્રામ પંચાયતના માથાભારે સવર્ણ લોકો ગરીબ અભણ દલિતને મળેલી સરકારી જમીન ગમે તેમ કરીને પડાવી લેવા માટે મથતા રહેતા હોય. જો આ જમીન વધારે હોય અને તે મોકાની જગ્યાએ આવેલી હોય તો આવા તત્વો તેમાં સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે સ્થાનિક રાજકારણીને તેમાં સામેલ કરીને પણ અંતે પડાવી લેતા હોય છે.
આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક ગામમાં 11 દલિત પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે સરકારી ધોરણે ગામમાં જમીન ફાળવવામાં આવી હતી. તેના માટે તેમને જરુરી તમામ કાગળો પણ સરકાર તરફથી ફાળવી દેવામાં આવ્યા હતા. પણ જેવું આ દલિત પરિવારોએ અહીં પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યુ કે તરત સરકારના માણસો આવી ગયા અને તેમને આ જમીન તેમની નથી અને તમે ગેરકાયદે અહીં બાંધકામ કરી રહ્યાં છો તેમ કહીને તેમની જમીન પડાવી લીધી હતી અને કામ અટકાવી દીધું હતું. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ જમીનની બાજુમાં જ એક સવર્ણોની કોલોની આવેલી છે અને તે જિલ્લા શિક્ષણાધિકારીની માલિકીની છે. તેમને દલિતો પોતાની સોસાયટીની બાજુમાં આવીને વસે તે પસંદ નહોતું. બીજું કે આ જમીન પર તેમની ખુદની નજર બગડી હતી. તેઓ પોતે જ આ જમીન પર કબ્જો જમાવીને અહીં બીજી કોલોની બનાવવા માંગતા હતા. આથી તેમણે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને દલિત પરિવારો પાસેથી આ જમીન આંચકી લેવા માટે તંત્રને કામે લગાડ્યું હતું. હવે આ મામલે તમામ 11 દલિત પરિવારો પણ લડી લેવાના મૂડમાં છે.
આ પણ વાંચો: કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ
મામલો આદિવાસી સમાજ પર જ્યાં સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં શાજાપુર જિલ્લાના મૂળીખેડા ગામમાં વર્ષ 2019માં 11 દલિત પરિવારનો ઘરનું ઘર બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન મળી હતી. તેના માટે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી દસ્તાવેજો પણ કરી આપવામાં આવ્યા હતા. પણ જ્યારે દલિત પરિવારોએ ઘરનું કામ શરૂ કર્યું કે તરત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા અને તમે અહીં ગેરકાયદે કબ્જો કરી રહ્યાં છો તેમ કહીને તેમના ઘરના બાંધકામ તોડી પાડ્યા હતા. આ મામલે જ્યારે મીડિયામાં રિપોર્ટ આવ્યો અને નાયબ કલેક્ટરને પૂછવામાં આવ્યું તો તેમણે કશું કહેવાનો ઈનકાર કરી દીધો હતો.
બાદમાં ગામલોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ દલિતોને મળેલી મોકાની જમીન પોતાના નામે કરી લેવાનું ષડયંત્ર છે. ગ્રામ પંચાયત તરફથી જેમને અહીં જમીન મળી છે તેવા દલિત સમાજના પ્રભુલાલ ભંડોર કહે છે કે, "તેમને જ્યાં જમીન મળી હતી તેની પાસે શાજાપુરના જિલ્લા શિક્ષણાધિકારી વિવેક દુબેની કોલોની આવેલી છે. તેઓ જિલ્લા શિક્ષણાધિકારી હોવા છતાં તેમની કોલોની શંકાસ્પદ છે. હવે તેમની નજર અમારી જમીન પર છે, અને તેને ધ્યાનમાં રાખીને જ જિલ્લા તંત્રે અમને અમારી જ જમીન પરથી દૂર કરી દીધાં છે." હવે આ મામલો જિલ્લા કક્ષાએ ગરમાયો છે, ત્યારે 11 દલિત પરિવારો પણ પોતાના હકની જમીન માટે લડી લેવાના મૂડમાં છે.
આ પણ વાંચો: કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી